Comments

‘શિક્ષણ ક્ષેત્રે ખરેખર જ જય ધોરણલાલકી’

શિક્ષણ જગતની વર્તમાન સ્થિતિથી જો આપણે ચિંતિત હોઇએ તો હળવા થવા માટે દામુ સંગાણી લિખિત પ્રહસન રીફંડ અને દિગીશ મહેતા ‘જય ધોરણલાલકી’ વાંચી કે ભજવી જોવા જોઇએ…. જો કે આ બન્ને હાસ્ય-કટાક્ષનાં પ્રહસનોમાં શિક્ષણની મૂળભૂત ચિંતા હતી. આજે તો આ કટાક્ષ પણ કટાક્ષ ન લાગે તેવી સ્થિતિ થઇ છે. રિફંડ નાટકમાં શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી શાળા પાસે પોતે ભરેલી ફી ના રૂપિયા પાછા માંગવા આવે છે તેની દલીલ છે કે તેણે શાળાને કિંમત ચૂકવી પણ શાળાએ તેને ‘માલ’ આપ્યો નથી. એને શિક્ષણ મળ્યું જ નથી. એને કશું આવડતું નથી અને માટે તેને પોતાની ભરેલી ફી પાછી જોઇએ છે. રીફંડ જોઇએ છે. જયારે માત્ર પ્રાથમિક શિક્ષણમાં ખાનગીકરણ પ્રવેશ્યું હતું ત્યારે આ નાટક ભજવાતું. આજે તો કે.જી. થી પી.જી. સુધી ખાનગી-શાળા કોલેજો ખૂલી ગઇ છે. તે સમય કરતાં આજના સમયમાં આ રીફંડનો પ્રશ્ન વધારે મહત્ત્વનો છે. સ્ટાફ, લાયબ્રેરી, પ્રયોગશાળા મેઘનો વગરની શાળા -કોલેજોમાં વગર ભણાવ્યે પાસ થઇ બહાર પડતા વિદ્યાર્થી શાળા – કોલેજના સંચાલકો સામે દાવો માંડી શકે કે, ‘અમને માલની ડીલીવરી થઇ જ નથી!’ લાવો રૂપિયા પાછા! પણ મુદ્દો એ છે કે શું વિદ્યાર્થી કે વાલી આવું રીફંડ પાછું માંગે તેવા છે ખરા? આજે તો હાલત ઉલટી છે. વિદ્યાર્થી – વાલી સામેથી જ કહે છે કે રેગ્યુલર કલાસ ભરવામાં નહિ આવે. પરીક્ષા અમારી સગવડે – અને શરતે આપવામાં આવશે. તમે રૂપિયા ગણો, અમને ડીગ્રી આપો! હવે જેઓ સામેથી જ ડીગ્રી ખરીદી ગયા હોય તે ‘રીફંડ’ માંગવા આવે!

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ શ્રી કુલીનચન્દ્ર યાજ્ઞિક સાહેબે એક વાર કહેલું કે કરિયાણાની દુકાને ગયેલો માણસ બીલ ચૂકવે છે ત્યારે પોતે લીધેલી તમામ વસ્તુઓ, યોગ્ય ગુણવત્તા કે વજન સાથે થેલામાં આવી કે નહિ તે ચેક કરે છે. એ એટલા જ રૂપિયા દુકાનદારને ચૂકવે છે, જેટલી તેણે વસ્તુ લીધી હોય. કદી કોઇ ગ્રાહક એવું કહે છે કે ‘વસ્તુઓ રહેવા દો… મને ખાલી બીલ આપો કે મેં આ વસ્તુઓ લીધી છે’! બીજી વસ્તુઓ કે સેવાના બજારમાં ભલે આવું ના થાય, પણ શિક્ષણના બજારમાં તો મોટા ભાગના આ જ કરે છે. બિલ લાવો…. માલ નહિ આપો તો ચાલશે! માર્કશીટ આપો, જ્ઞાન નહિ આપો તો ચાલશે!’હવે આ માહોલમાં રીફંડ માટે કોણ આવે! જય ધોરણલાલકીમાં તો શિક્ષણની ખાડે જતી ગુણવત્તાનો કટાક્ષ હતો. વેપારી ઉજજડ ખેતરમાં શાળા ખોલે છે અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ બન્ને પાસેથી કમાવાની આશા રાખે છે. તેને મન શિક્ષણ એ ધંધો છે. મૂડીરોકાણ કર્યું છે તો નફો મળવો જ જોઇએ, ધોરણો ખાડે જતા હોય તો ભલે જાય! આજના સેલ્ફ ફાયનાન્સ શિક્ષણના જમાનાનું વરવું રૂપ આ ફારસમાં હતું!

આજે ‘રીફંડ’ કે ‘ધોરણલાલ’ નાટક આઉટ ઓફ ડેટ થઇ ગયા છે. નાટક રંગમંચ ઉપરથી ઊતરી સમાજમાં વ્યાપી ગયું છે. શિક્ષણ ક્ષેત્રનું જે ફારસ નાટક સ્વરૂપે ભજવાતું હતું. આજે શિક્ષણ જ ફારસરૂપ બની ગયું છે. હમણાં એક શૈક્ષણિક સંમેલનમાં મૂક પ્રેક્ષક બનીને જવાનું થયું! કુલપતિ શ્રી બોર્ડ ઓફ સ્ટડીઝના ચેમ્બરો, ઇ.સી. મેમ્બરો સા-ગર્વ પોતાની ઓળખાણ આપી રહ્યા હતા. પદ, પ્રતિષ્ઠાનું ગૌરવ માણી રહ્યા હતા. એક તરફ ગુજરાતના ઉચ્ચ શિક્ષણની કડવી – વરવી વાસ્તવિકતાઓ હતી, બીજી તરફ દંભી દેખાવકારોનો ઠાઠ હતો આમના ઉપર ગુસ્સો ન આવ્યો! દયા આવી! તેમના અબુધપણા ઉપર વિચાર આવ્યો કે શું આ માનનીય કુલપતિશ્રીઓને કદી એવો વિચાર આવતો હશે કે મારી યુનિવર્સિટીના પદવી પ્રમાણપત્રનું મૂલ્ય શું! લાખો સ્નાતકોને આ સર્ટીના આધારે કોઇ પટાવાળામાં પણ લેવા તૈયાર નથી! કોઇને મારી આપેલી ડીગ્રી પર વિશ્વાસ જ નથી. બેંકવાળા એમની પરીક્ષા જુદી લે છે.

વીમાવાળા એમની પરીક્ષા જુદી લે છે. રેલ્વે, પોસ્ટ, લશ્કર કે ઇવન એલ.આર.ડી. જેવી ભરતીવાળા પણ સીધી અમારી ડીગ્રીથી થતી નથી. કોઇ પ્રિન્સિપાલને એવો પ્રશ્ન થતો હશે કે આઇ.આઇ.એમ. અમદાવાદમાં ભણનાર, આઇ.આઇ.ટી. પૂણેમાં ભણનાર જેવી પ્રતિષ્ઠા મારી કોલેજમાં ભણનાર વિદ્યાર્થીને કયારે મળશે? બોર્ડ ઓફ સ્ટડીઝ કે અન્ય સત્તામંડળના ફુંગરાઇને ફરતાં લોકોને થતું હશે કે વિદ્યાર્થીઓ ટેટ-ટાટ કે જી.પી.એસ.પી.ની પરીક્ષા માટે જે તૈયારી કરે છે તેના દસમા ભાગની પણ તૈયારી અમે જે સ્નાતક કક્ષાએ પરીક્ષા લઇને છીએ તેની નથી કરતો! આ સમાજ દસમા -બારમાની પરીક્ષા માટે જેટલો ચિંતિત, જાગૃત થાય છે એટલો કોલેજની પરીક્ષા માટે કેમ નથી થતો ‘બે દા’ડા વાંચો તો પાસ થઇ જવાય’ – એવું પરીક્ષાને ચણા-મમરા બનાવી નાખતું વિધાન સાંભળીને કોઇ અધ્યાપકનું લોહી ઉકળે છે! કે ‘જય ધોરણલાલકી!’ ધોરણો જાય તેલ લેવા, આપણે ટી.એ.ડી.એ.નાં ફોર્મ ભરો ને સમયસર.

આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top