Madhya Gujarat

ખેડૂતોએ દવા છંટકાવ કરતા સમયે પીપીઇ કીટ પહેરવી જોઈએ

આણંદ : આણંદ કૃષિ યુનિવર્સિટીની જૈવિક નિયંત્રણ પ્રયોગશાળાઅને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મંગલભારતી, જી. છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે ટ્રાયબલ સબપ્લાન (ટીએસપી) યોજના અંતર્ગત જીવાત વ્યવસ્થાપનમાં જૈવિક કીટનાશકોનું મહત્વ વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.આણંદ કૃષિ યુનિવર્સિટીના જૈવિક નિયંત્રણ પ્રયોગશાળામાં મુખ્ય સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતા ડો. એન.બી.પટેલ દ્વારા હાજર મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના ઉદ્દ્ઘાટન પ્રસંગે ખેડૂતોને જૈવિક નિયંત્રણનું મહત્વ સમજાવતાં કીટનાશકોનો સંયમપૂર્વક અને ભલામણ કરેલી માત્રામાં જ ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કુલપતિ ડો. કે.બી.કથીરિયાએ જણાવ્યું હતું કે, હાલમાં ખેડૂતો કિટનાશકોનો છંટકાવ કરતી વખતે સલામતીના પગલાંઓ અપનાવતા નથી. જેના પરિણામે તેઓ કીટનાશકોની આડઅસરનો ભોગ બને છે. જેથી તેઓને સલામતીના પગલાંરૂપે છંટકાવ કરતી વખતે પીપીઇ કીટ (એપ્રોન, ચશ્મા, માસ્ક, ટોપી)નો ઉપયોગ કરવો જોઈએ.

આ ઉપરાંત સંશોધન નિયામક અને અનુસ્નાતક વિદ્યાશાખાધ્યક્ષ, ડો. એમ.કે.ઝાલા દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે થતા વિવિધ સંશોધન અંગે ખેડૂતોને માહિતગાર કરતા જણાવ્યું હતું કે, હાલમાં જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા દ્વારા ખેડૂતોના ખેતર પર વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂત જાગૃતિ સપ્તાહ દર મહિને ઉજવવામાં આવે છે,જેમાં તેઓ જુદા-જુદા ગામમાં જઇને ખેડૂતોને જૈવિક નિયંત્રણ અંગે માહિતી આપી તેઓના ખેતરમાં જૈવિક નિયંત્રકોને છોડવામાં આવે છે.

ડૉ.એચ.બી.પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામકએ ખેડૂતોને રાસાયણિક કિટનાશકોના વધુ પડતા અને આડેધડ ઉપયોગના પરિણામે મધમાખીની વસ્તી પર તેની અવળી અસરના પરીણામે તેની અસર સીધી ઉત્પાદન પર થાય છે. વધુમાં તેઓએ ખેડૂતોને જણાવેલ કે, વિસ્તરણ શિક્ષણ વિભાગ દ્વારા કૃષિ ગોવિદ્યા નામનું મેગેઝીન પ્રકાશિત કરવામાં આવે છે, જેમાં ખેડૂતલક્ષી ખૂબ જ સારી અને ઉપયોગી માહિતીનો સમાવેશ કરવામાં આવે છે.

તેવી જ રીતે ડૉ.બી.એમ.મહેતા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું ટીએસપીમાં શું મહત્વ છે ? તે વિષય પર ચર્ચા કરી હતી. આ કાર્યક્રમના ઉદ્દ્ઘાટન પ્રસંગે જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા, આણંદ કૃષિ યુનિવર્સીટી, આણંદ દ્વારા તૈયાર કરવામાં આવેલા જૈવિક કીટનાશક મેટારીઝીયમ એનીસોપ્લીનું સરળ અને ઘરેલું પધ્ધતિથી ઉત્પાદન કરવાની કીટનું વિમોચન કુલપતિના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ ખેડૂત તાલીમ કાર્યક્રમમાં વિવિધ વિષય નિષ્ણાંતો દ્વારા બિન રસાયણિક પદ્ધતિથી જીવાત અને રોગ વ્યવસ્થાપન, કૃષિ અને બાગાયતી પાકોમાં કૃમિનું વ્યવસ્થાપન, જીવાત વ્યવસ્થાપનમાં જૈવિક કીટનાશકોનો ઉપયોગ અને જૈવિક કીટનાશકોનું ઘરેલું પધ્ધતિથી ઉત્પાદન કરવાની પ્રાયોગિક પધ્ધતિ પર વિશેષ તાંત્રિક વ્યાખ્યાનો દ્વારા ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં. આ તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને નેપ્સેક સ્પ્રેયર, પીપીઈ કીટ (એપ્રોન, કેપ, ગોગલ્સ, હેન્ડ ગ્લોઝ), સ્યુડોમોનાસ ફલોરોસન્સ, બેસીલસ થુરીન્જીન્સીસ, મેટારીઝીયમ એનીસોપ્લી જૈવિક કીટનાશકની ઉત્પાદન કીટ અને જૈવિક નિયંત્રણ સંબંધિત પુસ્તિકાઓ આપવામાં આવી હતી.

Most Popular

To Top