Dakshin Gujarat

ડાંગ જિલ્લામાં પાછોતરા વરસાદી માહોલે દસ્તક દેતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ

સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં ગુરૂવારે મોડી સાંજથી પાછોતરા વરસાદી માહોલે દસ્તક દેતા ડાંગી ખેડૂતોમાં (Farmers) ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. ગિરિમથક સાપુતારા, આહવા વઘઇ સહિત સુબિર પંથકમાં ગુરુવારે મોડી રાત્રે ઝરમરીયા સ્વરૂપેનો વરસાદ (Rain) નોંધાયો હતો. જ્યારે સુબિર પંથકમાં 4 થી 6નાં ગાળામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લાનાં સુબિર પંથકમાં પડેલા ધોધમાર વરસાદનાં પગલે લોકમાતાઓમાં ગીરા અને પૂર્ણા નદીનાં જળસ્તર વધ્યા હતા.

  • ડાંગ જિલ્લામાં પાછોતરા વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ
  • આહવામાં 7 મિમી, વઘઇમાં 09 અને સાપુતારામાં 3 મિમી વરસાદ નોંધાયો

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ઝરમરીયો વરસાદ નોંધાતા સમગ્ર પંથકનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 07 મિમી, વઘઇ પંથકમાં 09 મિમી, સાપુતારા પંથકમાં 03 મિમી, જ્યારે સૌથી વધુ સુબિર પંથકમાં 72 મિમી અર્થાત 2.88 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ચીખલી તાલુકામાં 8, ખેરગામમાં 6 અને ગણદેવી તાલુકામાં 1 મી.મી. વરસાદ
નવસારી : નવસારીમાં આજે વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટા પડ્યા હતા. જેથી નવસારીમાં તાપમાન ઘટી જતા ઠંડક વર્તાઈ હતી. નવસારી જિલ્લામાં ગત રોજ સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેથી સાંજથી જ જિલ્લામાં ઠંડકભર્યું વાતાવરણ રહ્યું હતું. જ્યારે આજે શુક્રવારે પણ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જ્યારે જિલ્લામાં ધીમી ધારે વરસાદી ઝાપટા પડ્યા હતા. નવસારી જિલ્લામાં ચીખલી તાલુકામાં 8 મિ.મી., ખેરગામ તાલુકામાં 6 મિ.મી. અને ગણદેવી તાલુકામાં 1 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય ત્રણ તાલુકાઓમાં માત્ર વરસાદી ઝાપટા જ પડ્યા હતા.
નવસારીમાં મહત્તમ તાપમાન 3.6 ડિગ્રી ગગડતા 29.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી ગગડતા 23.5 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 96 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 81 ટકા જેટલું ઊંચું રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન 2.5 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.

Most Popular

To Top