Charchapatra

ખોટા ભેદભાવો

મંત્રોને બદલે યંત્રોનું આજે માનવસમાજમાં વિશેષ મહત્વ જોવાય છે, યાંત્રિક જીવન, ટેકનોલોજી, વૈજ્ઞાનિક શોધોને અંતે પ્રકૃતિ તરફ વિમુખતા પાંગરી છે, પ્રદૂષણો વધ્યાં છે, એક માનવીય પ્રદૂષણરૂપે જાતિ, ધર્મ, ભાષા, પ્રાદેશિકતા જેવાં પરિબળોએ માનવ-માનવ વચ્ચે ઊંચનીયનો વ્યવહાર અને ખોટા ભેદભાવો પેદા કર્યા છે, અને નફરતનું રાજકારણ જન્મતાં માનવતાના ધર્મની ઉપેક્ષા થવા માંડી છે. હજી બાકી રહી ગયેલી બર્બરતાને કારણે યુદ્ધ અને હિંસા ભયભીત કરે છે. ચંદ્રની ચાંદની, સૂર્યનો પ્રકાશ, વર્ષાની ઝરમર, વૃક્ષો-વનસ્પતિ, નદી-સાગર કદી ખોટા ભેદભાવથી કાર્યરત રહેતા નથી.

એ બધુંજ કુદરતી ન્યાય અનુસાર રહે છે. જીવનને પોષક વાયુઓ પ્રકૃતિ આધારિત છે. કટ્ટરતા સાથે ઝનૂની ભાવના માનવ સમાજમાં ઝેર ફેલાવે છે, નફરતનું રાજકારણ ચલાવે છે. સાચી વિચારધારાને ઘાયલ કરી દે છે, નિર્મળ વિચારોને મલિન કરી દે છે. પવિત્ર ધર્મનો દંભ કરનાર ઘણાં લોકો ભ્રષ્ટાચાર અને અસત્યના રોગોથી પીડાય છે. પ્રજાસત્તાક રાષ્ટ્રના નિયત મુદ્દત માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાદાઈને ભૂલી જાય છે અને પ્રજાને પૈસે તાગડધીન્ના કરે છે.

બાદશાહી ભપકા અને રજવાડી રસાલા દર્શાવે છે. ગુમરાહીમાં ડૂબેલા અને કેટલીક રાજસત્તા પ્રેરિત અને પ્રોત્સાહિત તાકાત પર આતંકવાદ, વિભાજનવાદ, હિંસાચાર જન્માવે છે. ‘‘સત્ય એજ પરમેશ્વર’’ ની માન્યતા ધરાવનાર કદી ખોટા ભેદભાવો રાખે નહીં, કારણકે સત્ય કદી કોમવાદી કે નફરતી હોતું જ નથી. ધન અને સત્તા, રંગ-રૂપ અને શેતાનિયત શ્રમિક, દલિત, પછાત લોકો પર અત્યાચાર ગુજારે છે, શોષણ કરાવે છે. એકવીસમી સદીમાં આવા મોટા ભેદભાવો દૂર થઈ જવાજ જોઈએ. જીવન વ્યવહાર અને વસવાટમાં કુત્રિમતા શક્ય હદે દૂર કરી પ્રકૃતિ સાથે ગાઢ સંબંધ જોડવો જોઈએ અને આવું થાય ત્યારે માનવતાની ખુશબૂ જરૂર ફેલાઈ જાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બેન્કો લક્ષ્મણ રેખા ન ઓળંગે
આપણા રામાયણે જ શીખવ્યુ હતું કે લક્ષ્મણરેખા ઓળંગવાથી પરિણામ શું આવે. અહીં આર.બી.આયે (દિરાણ સંસ્થા) બેંકોની લક્ષ્મણ રેખા દોરી આપી છે પણ અધિકારીઓની ઉપરવટ જઈ (અનલિમીટેડ) મર્યાદાવિહીન ધિરાણ કરવુ એ જાતે પગ પર કુહાડો મારવા જેવો છે. ધિરાણકર્તાને ધીરાણ કરવામાં પાંચ જણા નામુકર જાય તો નિભાવી લેવાય, પણ અહિ વાણિયો મફત નાળિયેર લેવા જતા ઝાડ પર લટકી ગયો. આપણે દરેક અને સરકાર સહિત ઓછા શ્રમે વધુ વદુ નફો લેવા જતા મુડી પણ સાફ થઈ જાય. (અનસિક્યોર્ડ લોન) અફવા બજારને કોઈ રોકી શક્યુ નથી હિડનબર્ગે કાંકરી ચાળો કરી અદાણીને ગંભીર ઈજા પહોંચાડી, આમાં પડોશીઓ પણ (વિદેશો) દાઝ્યા.
રાંદેર     – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top