દેશમાં ડુંગળીના ભાવમાં અચાનક વધારો થતાં સામાન્ય લોકોના રસોડાનું બજેટ બગડવા લાગ્યું છે. 24 ઓગસ્ટે દેશભરમાં ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ ₹43.53 પ્રતિ કિલો પહોંચ્યો હતો, જે એક વર્ષ પહેલાં ₹27.37 હતો. એટલે કે એક વર્ષમાં ભાવમાં 59%નો વધારો થયો છે. જથ્થાબંધ ભાવ પણ 68% વધીને ₹35.58 પ્રતિ કિલો થયો છે. કેટલાક મોટા શહેરોમાં ભાવ આના કરતાં પણ વધારે છે. ચેન્નાઈમાં ડુંગળી ₹60, દિલ્હીમાં ₹55 અને કોલકાતામાં ₹53 પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. વધતા ભાવને કાબૂમાં લેવા કેન્દ્ર સરકારે હવે નાશિકમાંથી બફર સ્ટોકની ડુંગળી ખાસ રેલગાડીઓ મારફતે મોટા શહેરોમાં પહોંચાડવાનો નિર્ણય લીધો છે.
નાશિકથી 5 શહેરોમાં પહોંચશે ડુંગળી
સરકારની આ ખાસ વ્યવસ્થાને ‘કાંદા એક્સપ્રેસ’ નામ આપવામાં આવ્યું છે. નાશિકના લાસલગાંવમાંથી ડુંગળીનો મોટો જથ્થો રેલવે દ્વારા દિલ્હી, ચેન્નાઈ, કોચી, મદુરાઈ અને ગુવાહાટી મોકલવામાં આવશે. શરૂઆતમાં લાસલગાંવથી દિલ્હીમાં 840 ટન બફર સ્ટોક મોકલવામાં આવી રહ્યો છે. સરકારનો હેતુ મોટા જથ્થામાં ડુંગળી બજારમાં પહોંચાડીને જથ્થાબંધ ભાવ ઘટાડવાનો છે. જથ્થાબંધ ભાવ ઘટશે તો તેની અસર ધીમે ધીમે છૂટક બજારના ભાવ પર પણ જોવા મળી શકે છે.
સરકાર ₹35માં ડુંગળી વેચવાની તૈયારીમાં
સરકાર માત્ર રેલવે મારફતે ડુંગળી મોકલીને અટકવાની નથી. દિલ્હીમાં ગ્રાહકોને રાહત આપવા માટે બફર સ્ટોકની ડુંગળી ₹35 પ્રતિ કિલોના નિયંત્રિત ભાવે વેચવાની પણ યોજના છે. આ માટે નાફેડ અને એનસીસીએફ જેવી સરકારી સંસ્થાઓ મારફતે ડુંગળી વેચવામાં આવશે. દિલ્હી-એનસીઆરમાં મોબાઇલ વાન દ્વારા પણ ડુંગળી વેચવાની તૈયારી છે. આ પગલાનો હેતુ બજારમાં વધેલી કિંમતોને સીધી રીતે ઘટાડવાનો અને ગ્રાહકોને સસ્તી ડુંગળી ઉપલબ્ધ કરાવવાનો છે.
ભાવ વધ્યા, પરંતુ ડુંગળીની અછત નથી
કેન્દ્ર સરકારનું કહેવું છે કે દેશમાં ડુંગળીની અછત નથી. 2025-26માં ડુંગળીનું ઉત્પાદન આશરે 307 લાખ ટન રહેવાનો અંદાજ છે, જ્યારે ગયા વર્ષે ઉત્પાદન 308 લાખ ટન હતું. એટલે ઉત્પાદન લગભગ સમાન હોવા છતાં ઓગસ્ટ-સપ્ટેમ્બરના સમયગાળામાં પુરવઠામાં આવતી મોસમી અછતને કારણે ભાવ પર દબાણ આવ્યું છે. સરકાર પાસે બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે અને બજારની સ્થિતિ પ્રમાણે તેને તબક્કાવાર બહાર પાડવામાં આવી રહ્યો છે.
હવે રસોડાના બજેટને કેટલી રાહત મળશે?
સરકારના આ પગલાથી મોટા શહેરોના જથ્થાબંધ બજારમાં ડુંગળીનો પુરવઠો વધવાની શક્યતા છે. ખાસ રેલવે રેક દ્વારા એક સાથે મોટો જથ્થો પહોંચાડવાથી પરિવહન ઝડપી બનશે અને જે વિસ્તારોમાં ભાવ વધારે છે ત્યાં ડુંગળી ઉપલબ્ધ કરાવી શકાશે. જો જથ્થાબંધ ભાવમાં ઘટાડો આવે અને તેનો લાભ વેપારીઓ ગ્રાહકો સુધી પહોંચાડે તો આગામી દિવસોમાં છૂટક ભાવમાં પણ રાહત મળી શકે છે. હાલ સરકારનું ધ્યાન ખાસ કરીને વધેલા ભાવને કાબૂમાં લેવા અને તહેવારો પહેલાં સામાન્ય લોકોને રાહત આપવા પર છે.