Gujarat

જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં 30 જેટલા પરીક્ષાર્થીઓને ધરપકડ, છોકરીઓનો પણ સમાવેશ

ગાંધીનગર: જુનિયર ક્લાર્કની 1181 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા (Exam) અગાઉ તારીખ 29 જાન્યુઆરી-23ના રોજ લેવાના હતી, પરંતુ પેપર લીક (paper Leak) થઈ જવાથી પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. ત્યારબાદ આ મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખની જાહેરાત 100 દિવસમાં કરવામાં આવશે તેવું બોર્ડના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું. આમ નિર્ધારિત સમયમાં નવી તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ ગુજરાત વિધાનસભામાં પેપર લીક થવાના મામલે નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ કાયદો પસાર થતા જ જુનિયર ક્લાર્કની પરીક્ષાઓની તારીખ જાહેર કરી, આ પરીક્ષા હવે 9મી એપ્રિલના રોજ યોજાશે.

હવે 9 એપ્રિલના રોજ પરીક્ષા લેવાય તે પહેલા જ પોલીસે આ કેસ સાથે સંકળાયેલ 30 જેટલા પરીક્ષાર્થીઓની ધરપકડ કરી છે આ વિદ્યાર્થીઓએ લગભગ 10 થી 15 લાખ રુપિયા પેપર માટે એજન્ટોને ચૂકવ્યા હતા આ ઉપરાંત એજન્ટોએ આધારકાર્ડ પણ માંગ્યા હતા. જો કે અગાઉ પેપર લીક થયું હતું તે સમયે પરીક્ષા લેવાય તે પહેલા જ આ અંગેનો ભાંડો ફૂટી ગયો હતો અને પરીક્ષાને કેન્સલ કરી દેવામાં આવી હતી.

પોલીસે અલગ અલગ જગ્યાએથી આરોપીની ધરપકડ કરી છે. ગુજરાતની એટીએસએ બરોડા, ઓડિશા અને અમદાવાદના એજન્ટોની ધરપકડ કરી હતી. અત્યાર સુધી આ સમગ્ર પેપરલીક કાંડમાં કુલ 49 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આ પેપર ખરીદનાર કોણ હતા તેની તપાસ એટીએસ દ્વારા આગળ વધી ત્યારે ખબર પડી કે ગુજરાતની અલગ અલગ જગ્યાએથી લોકોએ 10થી 15 લાખ રૂપિયા નક્કી કરીને ચેક આપ્યા હતા. જાણકારી મુજબ રાજયનાં દલાલોએ 100 કરતા પણ વધુ પરીક્ષાર્થીઓને આ પેપર આપી દીધું હતું. જેની સામે દલાલોએ કોરો ચેક અને આધારકાર્ડની ઓરિજિનલ કોપી માગી હતી. આ કેસ સાથે સંકળાયેલા 30 જેટલા લોકો જેમાં છોકરીઓનો પણ સમાવેશ થાય છે તે તમામની ધરપકડ કરી તમામને વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યાં હતા.

જણાવી દઈએ કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ મંડળની જુનિયર ક્લાર્ક (વહીવટ- હિસાબી)ની સ્પર્ધાત્મક પરીક્ષા હવે રવિવાર 9મી એપ્રિલના રોજ સવારે 11 થી 12 કલાક દરમિયાન લેવામાં આવશે

Most Popular

To Top