SURAT

ડુમસ સી-ફેઇસમાં કરોડો ભલે ખર્ચો પણ આકારા વેરા ભરતા કાંઠા વિસ્તારમાં પાયાની સુવિધા તો આપો

સુરત : સુરત (Surat) મનપાનું (SMC) જયારે હદ વિસ્તરણ થાય છે ત્યારે મનપામાં સમાવેશ થતા ગામો અને વિસ્તારોને સારી સુવિધા અને સારા પ્રોજેકટનો લાભ મળવાની આશા ઉભી થાય છે. અને મનપામાં આવ્યા બાદ તેની મિલકતોના વધી જતા આકરા વેરા (Tax) પણ હોંશે હોંશે ભરી દે છે. પરંતુ ઘણા એવા વિસ્તારો છે જે સુરત મનપામાં આવ્યાના દોઢ દાયકા બાદ પણ પાયાની સુવિધાઓ પણ દુરસ્ત થઇ શકી નથી.

આ વરવી વાસ્તવિકતા આજે સુરતીઓના ફરવા માટેના પ્રિય સ્થળ ડુમસ (Dummas) અને કાંઠા વિસ્તારના ગામોના સ્થાનિક નગર સેવકો અને લોકોએ કાંઠા વિસ્તાર એકતા સમિતિના નેજા હેઠળ મનપા ખાતે આવી સુવિધાઓ આપવા માંગણી કરતા છતી થઇ છે. બે દિવસ પહેલા ‘ગુજરાતમિત્ર’ દ્વારા પણ ડુમસ જેવા પીકનીક સ્થળ પર હજુ સુધી મનપા દ્વારા શૌચાલયની પણ સુવિધા ઉભી નથી કરાય તેવો અહેવાલ આપ્યા બાદ કાંઠા વિસ્તારના લોકો પણ હવે શાસકો સમક્ષ ફરિયાદ કરવા આગળ આવ્યા છે.

કાંઠા વિસ્તાર એકતા સમિતિ દ્વારા કરાયેલી રજુઆતમાં જણાવ્યું છે કે, ડુમસ અને કાંઠા વિસ્તારના ગામો નો સમાવેશ થયાને 17 વર્ષ થઈ ગયા છે તેમ છતાં પાલિકા તંત્ર પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે. આ વિસ્તારમાં પહેલા ગ્રામ પંચાયત હતી તે સમયે જે સુવિધા હતી તે જ સુવિધા હાલ છે આ વિસ્તાર પાલિકામાં સમાવેશ થયા બાદ સુવિધા તો વધી નથી પરંતુ વેરા બિલ તોતીંગ થઈ ગયા છે જે આ વિસ્તારના લોકો માટે અસહ્ય છે.

આ વિસ્તારમાં સામાન્ય કામગીરી કરીને લોકો જીવન નિર્વાહ કરે છે તેથી જે વેરા બિલ વધુ આવી રહ્યાં છે તેને ખાસ કેસમાં આ વિસ્તાર ગામતળમાં આવતો હોય રાહત આપવા માટે નીતિ બનાવવા વિચારણા કરવી જોઈએ તેવી રજૂઆત કરી હતી.

ગામની સ્કુલમાં પાંચમાં ધોરણમાં ભણતા બાળકોને પણ હજુ વાંચતા નથી આવડયું
આ વિસ્તારના લોકોએ રજુઆત કરતા કહ્યું હતું કે, અમારા ગામમાં સ્કુલ છે પરંતુ પાંચમા ધોરણથી ઉપરના વિદ્યાર્થીઓને હજી પણ વાંચતા આવડતું નથી. હજી સુધી કોઈ મોટા રોડ નથી, અહીં ફાયરના વાહનો પણ જઈ શકે તેવી સ્થિતિ નથી. પાલિકાએ મોટા ઉપાડે ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટની જાહેરાત કરી દીધી છે પરંતુ પ્રાથમિક સુવિધા માટે કેમ ખર્ચ કરવામાં આવતો નથી?

અમુક કોર્પોરેટરોએ વિરોધાભાષી સુર કાઢતા ગામલોકોમાં નારાજગી
રજુઆત કરવા આવનારા કાંઠા વિસ્તારના લોકો આક્રોશપૂર્ણ રીતે પોતાની તકલીફોની રજૂઆત મેયર સમક્ષ કરતા હતા પરંતુ તેમની સાથે આવેલા ભાજપના જ કેટલાક કોર્પોરેટરો ભાજપ શાસનની વાહવાહી કરવા આવ્યા હોય તેમ રજૂઆતને સમર્થન આપવાના બદલે વિરોધ કરતા હોય તેવું વર્તન કરતાં ગામ લોકોનો રોષ વધી જવા પામ્યો હતો.

દાયકાઓ પહેલા સાગરખેડુઓએ મોટા મોટા મકાનો બનાવ્યા પણ હવે, રહેવા વાળા બે-ત્રણ છે
ભાજપના કાંઠા વિસ્તારના કોર્પોરેટર દિપેશ પટેલે સ્થાનિક લોકોની પીડાને વાચા આપતા જણાવ્યું હતું કે, દાયકાઓ પહેલા કાંઠા વિસ્તારના લોકો સાગરખેડુ તરીકે દરિયો ખેડતા હતા અને વિદેશોમાં શીપમાં તથા ગલ્ફનાં દેશોમાં નોકરીએ જતા ત્યારે સારી આવક હોવાથી ગામતળની જમીનોમાં મોટા મોટા ઘરો બાંધી દીધા હતા.

સમય જતા હવે સાગરખેડુઓને શીપની નોકરીઓ મળતી બંધ થઈ ગઈ છે. યુવાનો બેકારીનાં કારણે વ્યસનમાં પડતા હોય નાની ઉંમરમાં અવસાન પામતા કાંઠા વિસ્તારમાં વિધવાઓનું પ્રમાણ વધી રહ્યું છે, તેઓ ઘરકામ મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘરનું સમારકામ પણ નથી કરી શકતાં તો આ કમરતોડ વેરો ક્યાંથી ભરી શકશે ? તેથી સમગ્ર સુરત શહેરના ગામતળો જેઓને પુરતી પ્રાથમિક સુવિધાઓ મળી નથી ત્યાંના લોકોને વેરામાં રાહત આપવામાં અથવા વગર વ્યાજે હપ્તા કરી આપવાની પોલીસી બનાવવા રજુઆત કરી હતી.

Most Popular

To Top