SURAT

સુરત મનપાના 9 યુનિયનના કર્મચારીઓએ ચક્કાજામ કર્યા, આ છે માંગણી

સુરત(Surat): બુધવારે તા. 27 માર્ચની સવારે કતારગામમાં કિરણ હોસ્પિટલની (Kiran Hospital) સામે મોપેડ પર નોકરીએ જતી 46 વર્ષીય દિવ્યાંગ મહિલા મનીષા બારોટને સુરત મનપાના ડમ્પર ચાલકે અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં (Accident) મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત (Death) નિપજ્યું હતું. અકસ્માતને પગલે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને ડમ્પરના ચાલકને માર માર્યો હતો. આ ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે.

આ ઘટના બાદ સુરત મનપામાં (SMC) કામ કરતા વિવિધ વર્ગના કર્મચારીઓના 9 યુનિયન (Union) એકજૂટ થઈ ગયા છે અને ડ્રાઈવરને માર મારનાર ટોળાં વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગણી કરી છે. યુનિયન દ્વારા આજે સવારે કતારગામના વાહન ડેપો પર વિરોધ પ્રદર્શન કરાયું હતું. એકેય વાહનને ડેપોની બહાર જવા દેવામાં આવ્યું ન હતું, જેના પગલે સુરત મનપાની સેવાઓ ખોરંભાઈ હતી.

પાલિકાના તમામ 9 યુનિયનના આગેવાન, કર્મચારીઓ આજે સવારે પાલિકાના કતારગામ ખાતે આવેલા ગાયત્રી વાહન ડેપો પર ભેગા થયા હતા અને ચક્કાજામ કર્યો હતો. વિરોધ પ્રદર્શન કરનારા કર્મચારીઓએ વાહન ડેપોમાંથી લોક સેવા વિભાગ તથા ડ્રેનેજ વિભાગના વાહન ડેપોની બહાર નીકળવા દીધા ન હતા. હલ્લાબોલ બાદ યુનિયનના હોદ્દેદારો મનપા કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.

યુનિયને મનપા કમિશનરને ફરિયાદ કરી હતી કે મહિલાના મોતના કિસ્સામાં પાલિકાના ડ્રાઈવરને ટોળાંએ પોલીસની હાજરીમાં માર્યો છે. ડ્રાઈવરને સ્મીમેરમાં દાખલ કરવો પડ્યો છે. આ ઘટનાને પાલિકાના વિવિધ યુનિયને વખોડી કાઢી છે. યુનિયનોના નેતાઓએ કહ્યું કે, મૃતક મહિલા માટે સહાનુભૂતિ છે. પરંતુ સમગ્ર ઘટનાની તપાસ થવી જોઈએ.

ડ્રાઈવરનો વાંક છે કે નહીં તે તપાસ પોલીસે કરવાની હોય છે, પરંતુ લોકોએ ડ્રાઈવરને માર માર્યો છે. આ સાથે જ ડ્રાઈવરને જે લોકોએ માર માર્યો તે તમામ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા તેમજ પાલિકાના ડ્રાઈવરોને યોગ્ય રક્ષણ પુરું પાડવા યુનિયન દ્વારા માંગણી કરાઈ છે.

Most Popular

To Top