Comments

ચૂંટણી આવે ને જાય, છેવાડાનો માણસ ત્યાંનો ત્યાં જ રહ્યો છે

સર્વોદય પરિવારના ઉપક્રમે અમરેલી ખાતે ગાંધીમેળો યોજાઈ ગયો જેમાં રચનાત્મક સંસ્થાના કાર્યકરોએ ભાગ લીધો. “ગાંધીજીના ગ્રામસ્વરાજ્યના વિચારોને આધુનિક સંદર્ભમાં વિચારવા” તે સંમેલનનો હેતુ રહ્યો. કાર્યક્રમના પ્રારંભે શ્રી રાજીવભાઈ સોલંકીએ ગામડાંના માણસને ભયમુક્ત કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂકયો. ગામડાંઓના વિકાસ આડે આવતા પ્રશ્નોને ઊંડાણથી છેડતાં શ્રી રૂપારેલકાકાએ જણાવ્યું કે હવેના દાયકાનો પ્રાણપ્રશ્ન પાણી રહેશે. આથી ગામડાંઓને ઇન્ફ્રાસ્ટ્રકચર પૂરું પાડવું એ રાજ્યની વ્યવસ્થાનો અગ્રેસર ભાગ બનાવવો પડશે. ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓએ પોતાના કાર્યક્ષેત્રમાં પાણીના સંચય અને વિવેકપૂર્ણ ઉપયોગના શિક્ષણનું કામ કરવું પડશે.

કાર્યક્રમના અધ્યક્ષ શ્રી મોતીભાઈએ જણાવ્યું કે રાજકીય પક્ષો દ્વારા પાર વિનાના ગરીબલક્ષી કાર્યક્રમો જાહેર થાય છે, પરંતુ ખરેખર ગરીબ કોણ તે જ્યાં સુધી માનવતાની દૃષ્ટિએ નક્કી ન થાય ત્યાં સુધી સહાયનો વ્યય થતો રહેશે. સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ પોતાના દિલ પર હાથ રાખીને પ્રામાણિક રીતે સ્વમૂલ્યાંકન કરવું જોઈએ તેમ જણાવી ઉમેર્યું કે રાજ્ય સરકારે સ્વૈચ્છિક સંસ્થાઓને જિલ્લા વિકાસના આયોજન અને અમલીકરણનાં કાર્યોમાં સામેલ કરવી જોઈએ. તેઓએ જણાવ્યું, “વિકાસની પ્રક્રિયા સ્થળ, સમય અને સ્થાનિક ઉપલબ્ધિઓ પર નિર્ભર કરે છે. આથી ગામડું પોતે જ પોતાના વિકાસની તરાહ નક્કી કરે તેવી ગોઠવણ અપનાવવી જોઈએ.”

પૂર્વ સાંસદ શ્રી એ રચનાત્મક કાર્યકરોને ગામડાંઓને આર્થિક ઉત્પાદનનાં કેન્દ્રો તરીકે પુન:જીવિત કરવા હાકલ કરી. તેઓએ પોતાના અનુભવોને ટાંકતાં કહ્યું, “આજે સામાજિક બદીઓ રાષ્ટ્રના જનજીવનને ભરડો લઈ બેઠી છે. પરંતુ એક ગામડામાં એક સેવક નિષ્ઠાથી બેઠો હોય, તો પરિવર્તન માટે પૂરતી આશા રહે છે.” ઉપરાંત જણાવ્યું કે ભારતનાં ગામડાંઓ ઉત્પાદનનાં કેન્દ્રો બને, બજાર વચ્ચે ઊભાં રહે અને ગામડાંઓ પણ શહેરની સવલત માણતી થાય તો શહેરીકરણની પ્રક્રિયા તૂટશે. માર્કેટ રિફોર્મ કાર્યક્રમોના અમલના પ્રશ્નોનું વિશ્લેષણ કરતાં જણાવ્યું કે ગાંધીજીએ સ્વરાજ્યની લડત સમયે નવા ભારતનું સ્વપ્ન આપ્યું અને તેમાં રચનાત્મક કાર્યોનો અનુબંધ આપ્યો, જે આઝાદીના ૭૫ મા વરસે તૂટી ગયો.

આથી ગામડાંઓનાં લોકોને હવે વિકાસકાર્યોમાં કોઈ શ્રદ્ધા રહી નથી. ગાંધી વિચારશીલ અને પરિવર્તનશીલ હતા. તેઓએ ચરખામાં ગ્રામવિકાસનો અનુબંધ જોયો અને આપણને રસ્તો ચીંધ્યો. પણ તેઓ જો આજે આપણી વચ્ચે હોત તો કદાચ ઇલેકટ્રોનિકસ અને માનવ સુખાકારી વચ્ચેનો સેતુ બાંધી આપત. રોબર્ટ ચૅમ્બરે ગામડાંની હાલત સુધારવા માટે જમીન, પાણી અને વૃક્ષના કાર્યક્રમો સાંકળવા વિચાર આપ્યો છે. અનુભવે આ કામ અકસીર લાગે છે ત્યારે નવી પેઢીના કાર્યકરો ગામડાંઓમાં માનવજીવન સાથે વિકાસનો અનુબંધ જોડી આપવામાં મદદ કરે તે જરૂરી છે.

આ પ્રકારે ગરીબ તરફી સંગઠનો દ્વારા અમદાવાદ ખાતે પણ એક ગોષ્ઠી યોજાયેલ. ‘સાંપ્રત સમસ્યાઓ વચ્ચે સામાજિક સંસ્થાઓની ભૂમિકા’ અંગે વિચારણા કરવા એકત્ર થયેલ કાર્યકરો પાસે પોતાની વ્યથા રજૂ કરતાં શ્રી જાનીએ જણાવ્યું કે સ્વૈચ્છિક સંસ્થાઓએ ગરીબો અને શોષક વચ્ચે વિશ્વાસ સંપાદન કરવો પડશે. પલટાતા સમયનો પડકાર “શોષણવિહીન સમાજરચના માટેનું યુદ્ધ” બની રહેશે. જાણીતા કટારલેખક શ્રી શાહે જણાવ્યું કે, ‘આપણી તટસ્થતા તો સમગ્ર દેશ માટે જ હોઈ શકે, જ્યારે આપણી સહાનુભૂતિનો ઝુકાવ તો ગરીબો પ્રત્યે રાખવો પડશે.”

સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ પોતાના વિચાર અને કાર્યક્રમોમાં સમાન આર્થિક વિકાસના ધ્યેયને દષ્ટિ સમક્ષ રાખી પરિવર્તનશીલ રહે  તે ઉપર ભાર મૂકયો. આદિવાસી ક્ષેત્રોમાં વન-વિસ્તાર સુખાકારીના કાર્યક્રમ સાથે જોડાયેલ પૂર્વ સાંસદ શ્રી એ રાજ્યોનાં સાધનોની સમાન અને હેતુલક્ષી વહેંચણી ઉપર ભાર મૂકયો તથા અધિકારીઓ દ્વારા સર્જિત જાળાંઓને તોડી પાડવાની હાકલ કરતાં કહ્યું કે“ગ્રામવિકાસના કોઈ એકલદોકલ કામથી સમગ્ર રીતે પરિવર્તન જોવા મળશે નહીં.”

આ પ્રસંગે આઈ.આઈ. એમ. ના પ્રાધ્યાપક શ્રી એ સ્વૈચ્છિક સંસ્થાઓની ભૂમિકા સ્પષ્ટ કરતાં જણાવ્યું, “સંસ્થાઓ વચ્ચે પણ કાર્યપદ્ધતિના અને ફલિત હિતોના વાડા ઊભા થયા છે. એ જ્યાં સુધી મટશે નહીં ત્યાં સુધી સમાજ પરિવર્તનની વાત અસ્થાને રહેશે.” જ્યારે જાણીતા સમાજશાસ્ત્રી ડૉ. વિદ્યુત જોશીએ સ્વૈચ્છિક સંસ્થાઓના આત્મસંતોષની પ્રક્રિયાને ટૂંકી વાર્તા તરીકે જણાવી કહ્યું કે, “સંસ્થાઓ તેમના હેતુઓમાં કદી વ્યાપક બની શકી નથી. આજકાલ ગાંધીયન અને નોન-ગાંધીયન સંસ્થાઓમાં ગ્રાન્ટ મેળવવી તે એક જ પ્રાથમિક કામ બની ગયું છે. ગાંધીજીએ ગરીબોનું હિત સાધવા જે વ્યક્તિગત તત્પરતા દાખવેલ તેનો અંશ પણ રાજકીય પક્ષોમાં ઉતાર્યો નથી અને પરિવર્તનનું ગીત ગાઈએ છીએ. જેમ સંપ્રદાયો વ્યક્તિને સ્વમુક્તિનો આખરી માર્ગ સરળ રીતે બતાવતા નથી તેમ સ્વૈચ્છિક સંગઠનો અને ચૂંટણીના વાયદાઓ પણ લોકોને બેહાલીમાંથી બહાર જવાનો રસ્તો બતાવતાં નથી.”

સેવા રુરલના ડૉ. શ્રી એ જણાવ્યું કે ગ્રામવિકાસ વિચાર રૂપાળો છે. પરંતુ મોટા ભાગના કાર્યકરો તળાવના કિનારે છે, અને વાત મધ-દરિયાનાં પાણીની છેડે છે, તે કેમ બને? પ્રશ્ન સહુને સાથે લઈ ચાલવાનો છે ત્યારે આત્મસુખની વાંછનાને રોકવાની જરૂરિયાત ઉપર પણ વિચાર કરવો પડશે. આમ ગાંધીવિચારના રાહે જવા માગતા સમાજસેવકોમાં અને શોષણમુક્તિ માટે કાર્યરત સેવકો અને રાજકીય પક્ષોમાં લોકવિકાસની વ્યથા સમાન રીતે વહે છે. સહુ માને છે કે અમૃત વર્ષે પણ દેશના ગરીબોની સ્થિતિમાં કોઈ નોંધનીય પરિવર્તન નથી આવ્યું.

એક હાડમારીમાંથી થોડો ઊંચો ઊઠે છે, ત્યાં બીજી તેનું સ્થાન લઈ લે છે. સંસ્થાના સેવકો અનુભવે છે કે નવી પેઢીમાં આધુનિક સાધનોની માંગ છે. મધ્યમ વર્ગની ખ્વાહિશ સુખી જીવનમાં છે. પરંતુ તેમાં કંઈ સુધારો કે પરિવર્તન પ્રેરવા માટે સ્વૈચ્છિક સંગઠનો લાચાર છે. સમાજના છેવાડેના માણસને ઉઠાવવા માટે કાર્યકરોમાં પૂરતી લાગણી છે, પરંતુ કયાંક કશુંક ખૂટે છે જે આપણાં ગામડાંના છેવાડેનાં ભાઈ-ભાડુંઓને અટૂલા રાખે છે તેમ સામાજિક સંસ્થાઓના પ્રયત્નોને પણ…!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top