Charchapatra

અવળચંડાઈ

મોબાઈલ યુગમાં માનવીનો આહાર-વિહાર બગડ્યો. જંકફુડ-ફાસ્ટફુડ અને અખાદ્ય ખોરાકને કારણે અપમૃત્યુના કેસમાં વધારો થયો છે. શરીરની અને મનની તંદુરસ્તી ન જાળવીએ તો બીમારીઓ ઘર કરી જાય. માનવીનું મન વિચિત્ર છે અને આહાર-વિહાર બગડે પછી મોટા ભાગના રોગ કાયમી થઈને માનવીને હેરાન-પરેશાન કરી દે. સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન નિવાસ કરે. પણ શરીરથી બીમાર હોય તેનું મન પણ અવળચંડાઈ કરે જ. માનવીના મનની અવળચંડાઈ એવી કે જે કરવાની ના કહો તે જ કરે. જે જગ્યાએ જવાની મનાઈ કરો ત્યાં પહેલાં જાય.

કહ્યા કરતાં ઉલટું કરવાના સ્વભાવ અવળચંડાઈપણું સર્વત્ર જોવા મળે. એ અટકચાળાપણું કેટલાંકને તો ભારે પડી જાય પણ સુધરે તે બીજા ! આવા અડપલાવેડા, આડાઈ, અવળાઈવાળા વ્યક્તિનો સ્વભાવ તોફાની હોય બીજા તેનાથી ડરે છે. આવી અળવીતરાઈ ધરાવનાર “અહીં કચરો નાંખવો નહીં, તમે કેમેરાની નજરમાં છો.” એવું લખાણ હોય ત્યાં કચરો નાખવામાં વટ સમજે છે. અહીં પેશાબ કરવો નહીં-ના બોર્ડ પાસે સુંદર વસ્ત્રોમાં સજ્જ લોકો ખાસ ઊભાં હોય. મને લાગે છે કે અહીં કચરો નાંખો એવું બોર્ડ હોય તે જગ્યાએ વધારે સ્વચ્છતા રહેશે. લોકોને ના કહો અથવા મનાઈ કરો તે કરવામાં વધારે આનંદ આવે છે.

સેલ્ફીના શોખીનો એવી જગ્યાએ ફોટો લે કે જયાં જવું જોખમી હોય છે. અવનવા સ્ટંટ કરનારને અન્ય લોકોની પરવાહ હોતી નથી. સામાન્ય ઉદાહરણ જોઈએ તો બાળકોને જે કરવાની ના કહો તે કરશે, જે જગ્યાએ જવાની ના કહો ત્યાં જશે. અરે! યુવાનો અને વડીલોમાં પણ આવી અવળચંડાઈ જોવા મળે. સ્વચ્છતાનો તો જાણે છેદ ઊડી જાય! ગંદકી ભગાડીએ તો સ્વચ્છતા આપોઆપ આવી જાય. સૌએ પોતાનાથી શુભ શરૂઆત કરવી જોઈએ. ત્યાર બાદ બીજાને અંગુલિનિર્દેશ કરી શકાય. ચાલો, આપણાં મનને સ્વચ્છ અને નિર્મળ બનાવીએ.
નવસારી             – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

રાજકારણમાં મહિલાઓને પ્રોત્સાહનનો અભાવ
દેશના રાજકારણમાં મહિલાઓની ભાગીદારીનું ચિત્ર નિરાશાજનક રહ્યું છે. આગામી યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે મહિલાઓને ઉમેદવારી આપવામાં ઝાઝો રસ નહીં દાખવ્યો હોવાનું સ્પષ્ટપણે જણાઇ આવે છે. આ વખતે ભાજપે ચાર મહિલાઓને કોંગ્રેસે પણ ચાર મહિલાઓને સાંસદ બનવાની તક આપી છે. રાજકારણમાં મહિલાઓની ભૂમિકા વધારવા માટે યોગ્ય રાજકીય ઇચ્છાશકિતનો અભાવ છે. મહિલાઓને પ્રોત્સાહન આપવાની અને મહિલા સશકિતકરણની વાતો માત્ર ભાષણોમાં જ રહી ગઇ હોય તેમ લાગી રહ્યું છે. રાજકારણની મુખ્ય ધારામાં વધુ મહિલાઓના પ્રવેશ માટે અનુકૂળ વાતાવરણ સર્જવાની જરૂર છે અને તે માટે તમામ રાજકીય પક્ષોએ વધારે લોકતાંત્રિક બનવાની જરૂર છે.
પાલનપુર                   – મહેશ વી. વ્યાસ  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top