Charchapatra

ચૂંટણી અધિકારી પણ ડિઝીટલ યુગમાં આવે

વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ભારત દેશને ડિઝીટલ યુગમાં લઇ જવા ભરચક પ્રયાસ કરે છે. તેમાં તેઓ કેટલેક અંશે સફળ પણ થયા છે. આ વખતે લેખક સમકિત શાહે  તેના ગેરફાયદા પણ ‘ગુજરાતમિત્ર’ની કોલમમાં રજૂ કર્યા છે. ખેર, વાત કરવી છે તાજેતરમાં થયેલ વિધાનસભાની ચૂંટણીની. જેમાં ૧૮ વર્ષની ઉંમર પાર કરી ગયેલ લાખો નવયુવાન અને યુવતીઓનો સમાવેશ થયો છે. ચૂંટણી મથકના સ્થળ પર જોયેલ અને બીજા ચૂંટણી મથક પરની જાણેલ વાતો એ છે કે આજના ૧૮ વર્ષની ઉપરના યુવાનના હાથમાં સેલફોન / મોબાઇલ ફોન હોય પછી તે કશું સાથે રાખતો જ નથી. અને તે તેના મોબાઇલ દ્વારા તમામ વહીવટો સરળતાથી કરી લે છે.

ચૂંટણી પૂરી થઇ, પરિણામ પણ આવી ગયા ત્યારે ચૂંટણી અધિકારીએ વિચારવું રહ્યું કે, આજનું યુવાધન તેનો ચૂંટણી કાર્ડ લઇને કે આધારકાર્ડ કે લાઇસન્સ લઇ પોતાની ઓળખના આ વ્યવહાર સાથે લઇ ચૂંટણી મથક પર જશે?લગભગ મોટા ભાગના યુવાધન મોબાઇલમાં જ તેના પુરાવાઓ ચૂંટણી મથકમાં રજૂ કરતા ચૂંટણી મથકના અધિકારીએ મોબાઇલ પુરાવાને ગેરમાન્ય ગણી નવોદિત યુવાધન પોતાના મતદાનના હકક ભોગવી શકયા નથી અને તેનું પ્રમાણ દશ ટકાથી વધુનું હોઈ શકે. કેટલાંક રાજયોની વિધાનસભા ચૂંટણી પછી લોકસભાની ચૂંટણી આવે છે. વડા પ્રધાન અને ચૂંટણી અધિકારી આ બાબતે ફેર વિચારણા કરે – રાષ્ટ્ર હિતમાં જ છે.
સુરત     – પરેશ ભાટિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

છેતરપિંડી — વિશ્વાસમાં લઈને
ટેકનોલોજીના વ્યાપ વચ્ચે માત્ર એક એસએમએસ મોકલીને લૂંટી લેતા લૂંટારાઓથી સાવધ રહેવું હવે ખાસ જરૂરી છે. ગત પખવાડિયે એક એસએમએસ મારા મોબાઈલમાં આવ્યો. જેમાં જણાવ્યા પ્રમાણે આજે રાત્રે 9:30 કલાકે તમારો ઈલેક્ટ્રિસિટી પાવર કપાઈ જશે. કારણ તમારું વીજળી બિલ અપડેટ થતું નથી. સાથે ફોન નંબર આપેલ હોય છે. જેના પર વાત કરતા એક એપ ડાઉનલોડ કરી રૂપિયા દસ મોકલવા જણાવે. આ રીતે કેટલાક ઠગો ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને શિકાર બનાવી રહ્યા છે. જો એમની વાતમાં આવી જઈને એપ ડાઉનલોડ કરી પૈસા ટ્રાન્સફર કરવાની ભૂલ કરી બેસીએ તો બેંક એકાઉન્ટમાંથી આપણા પૈસા ઉપડી જાય છે.

યાદ રહે ડીજીવીસીએલ નાં કર્મચારીઓ કયારેય રાત્રે વીજ કનેકશન કાપવા આવતા નથી. બે માસના બીલ ભરવાના બાકી હોય તો જ ડિસકનેક્ટ માટે ટીમ મોકલે છે.કેટલીક વાર લકી ડ્રો માં તમને કાર મળે છે,અમુક દિવસની ફ્રી ટ્રીપ મળે છે, પાંચ લાખ રૂપિયા ઈનામ મળે છે.આવી લોભામણી વાતોમાં આવી જઈ,મફતની વાતમાં લપેટાઈ રડતાં બહાર નીકળવામાં પણ લોકો માહીર છે.બેંક, સમાચાર પત્રો, ટીવી ન્યુઝ, ટેક્સ્ટ મેસેજ આવી ગુનાની માહિતી વારંવાર આપણને આપી જાગ્રત કરે છે. પણ લાલચુ સ્વભાવને કારણે અને મફત શબ્દની જાદુઈ અસરમાં કે ગભરાટમાં લોકોને આવા ઠગો વિશ્વાસમાં લઈને શિકાર બનાવે છે અને લૂંટે છે.મહત્ત્વનું એ છે કે કોઈ નવી કે અજાણી એપ્સ ઓપન ન કરીએ કે ડાઉનલોડ ન કરીએ. રઘવાયા બની ઠગોની વાતમાં ન આવીએ. જાણકાર બનીએ, સતર્ક રહીએ.
સુરત     – અરુણ પંડયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top