Comments

ચૂંટણીનો ચકરાવો: વધતા પડકારો, ઘટતા અવસરો, છતાં જીતવાના નિર્ધારો

ગુજરાતના રાજકીય નગારે ઘા પડી ચૂક્યો છે. પહેલેથી જ સક્રિય બની ચૂકેલા રાજકીય માહોલમાં ચૂંટણીની જાહેરાત પછી નવો જોમ, નવો ઉત્સાહ અને નવો ટાર્ગેટ આવી ચૂક્યો છે. જે રીતે કોરોના પછી જનજીવન વધુ ઉત્સાહી બનેલું છે, તમામ તહેવારો અને તમામ પ્રસંગો જે રીતે બેવડા ઉત્સાહ સાથે ઉજવાઇ રહ્યા છે, તે રીતે ચૂંટણી પર્વને ઉજવવા થનગનાટ ઉપડેલો છે. આમાં વહીવટી તંત્ર અને પેલા આમઆદમી પાર્ટીવાળા બહુ એક્ટિવ દેખાઇ રહ્યા છે. ભાજપે મોટા ભાઇ તરીકે ઉત્સાહિત દેખાવું પડે એટલે મનમાં થોડા થડકાર સાથે સક્રિય થયેલો છે. કોંગ્રેસ માટે તો મેળવવા અને ગુમાવવા જેવું કંઇ બહુ ખાસ નથી, એટલે એ પરંપરાગત રીતે ચાલી રહ્યો છે.

ભાજપનો સવાલ છે, ત્યાં સુધી જ્યારથી વિજયભાઇ રૂપાણીની આખ્ખે આખી સરકારને બદલી નાખી છે,ત્યારથી પાર્ટીમાં આંતરિક ડખા પડેલા છે. આનંદીબહેન અને અમિતભાઇનાં જૂથોના ઝઘડા માંડ ઘટ્યા, ત્યાં નો-રિપીટને નામે થયેલા વાણીવિલાસે પાર્ટીમાં નિરાશાના સૂર રેલાવી દીધેલા છે. પરિણામે અસંતુષ્ટોની ફોજ પહેલેથી જ ખડકાવા લાગેલી છે. આમ છતાં ભાજપના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને ચૂંટણી જીતવા માટે જેટલો ભરોસો પોતાનામાં નથી, એટલો ભરોસો વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીમાં છે. એટલે જ વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે ૬થી ૭ હજાર જેટલા દાવેદારો દોડી પડેલા છે. રાજ્યમાં આગામી ૧લી ડિસેમ્બર અને પાંચમી ડિસેમ્બરે મતદાન થવાની જાહેરાત થઇ ત્યારથી રાજકીય માહોલમાં પેલો પ્રશ્ન વધુ પ્રમાણમાં પૂછાવા લાગેલો છે કે બોસ ! શું લાગે છે આ વખતે?

ભાજપને કેટલી મળશે? વળી કેજરીવાલની પાર્ટીને કેટલી મળશે એવો સવાલ રાજ્યનાં બીજાં શહેરોમાં તો નહીં કદાચ, પણ સુરતમાં તો ખાસમખાસ રીતે થઇ રહ્યો છે કે શું લાગે છે આમઆદમી પાર્ટીનું? કોંગ્રેસ આમ તો છેવટ સુધી જાણે સુષુપ્ત હતી, પણ વડા પ્રધાને જામકંડોરણાની ચૂંટણી સભામાં જ્યારથી કહી દીધું કે કોંગ્રેસને ઓછી ન આંકશો, ગામડે ગામડે એ છૂપી રીતે પોતાનું કામ કરી રહી છે, ત્યારથી કોંગ્રેસજનોમાં પણ જુસ્સો આવી ગયો છે.

ગુજરાતમાં ત્રીજો મોરચો કદી ફાવ્યો નથી. ભાઇકાકા અને પિલુ મોદીનો સ્વતંત્ર પક્ષ હોય, ચીમનભાઈ પટેલના કિસાન મજદૂર લોકપક્ષ હોય, શંકરસિંહ વાઘેલાનો રાષ્ટ્રીય જનતા પક્ષ હોય કે કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી હોય, કોઇ ફાવ્યું નથી. એક વાર સત્તા મળી હોય, પણ ચૂંટણી જીતી શકાઇ નથી. કોંગ્રેસ અને ભાજપ સિવાય બીજી કોઇ પાર્ટી ગુજરાતમાં સત્તામાં આવી નથી. ગુજરાતમાં છેલ્લાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આટલાં વર્ષના ”શાસનની સામે લોકોમાં અનેકાનેક કારણો-પ્રસંગોને કારણે એન્ટી ઇન્કમબન્સી કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફીલિંગ છે. સાથે મોંઘવારી જેવી તોતિંગ સમસ્યા વધતી જ જઇ રહી છે.

જનસામાન્યના મનમાં ભાજપ માટે કડવાશ લાવે એવો સૌથી મોટો મુદ્દો મોંઘવારીનો છે. બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, સરકારી કર્મચારીઓના સદાબહાર પ્રશ્નો, ગરીબી, કિસાનોની માગણીઓ વગેરે મુદ્દે પ્રજાની નારાજગીને પગલે સત્તાધારી પક્ષને મળતા મતોની ટકાવારીમાં બેશક ઘટાડો જોવા મળે, બેરોજગારી ઉપરાંત અન્ય સમસ્યાઓ પણ છે જ. જો કે વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ અને જે તે ઉમેદવારની પસંદગી પણ મોટો ભાગ ભજવતી હોય છે.
તેમાંય મોરબીની ઝૂલતો પુલ તૂટી પડવા જેવી ઘટના પણ ભાજપ માટે દેખીતી રીતે વિરુદ્ધમાં જાય તેમ છે.

પુલનું સંચાલન કરતી કંપનીના વડાને સરકાર દ્વારા છાવરવામાં આવી રહ્યા હોવાની જે છાપ ઉપસેલી છે, તે ભાજપને નુકસાન કરે એમ છે. કોરોનાકાળની બેદરકારી બાદ રસીકરણ અને વળતર સહિતના મુદ્દાઓથી સુધરેલી સ્થિતિ મોરબીના ઝૂલતા પુલ પર જાણે લટકી ગયેલી છે. જો કે ભાજપ અત્યાર સુધી આવા અનેક મુદ્દાઓ છતાં ચૂંટણી મેનેજમેન્ટ સફળતાથી કરતો આવ્યો હોઇ આવી બધી સ્થિતિઓથી એને ચિંતા થતી હોવાનું લાગતું નથી. ખરી ચિંતા ટિકિટોની વહેંચણીની વૈતરણીને હેમખેમ રીતે ઓળંગવાની છે. જેની કસરતો હાલમાં કમલમોમાં થઇ રહી છે.

આમ છતાં ભાજપનું પલ્લું આજની તારીખે દેખીતી રીતે નમતું જણાય છે. એનું મોટું કારણ એ છે કે કેન્દ્રથી માંડીને પંચાયત સ્તર સુધી એકંદરે ભાજપનું જ રાજ છે. જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં સત્તામાં મહદ્ અંશે ભાજપનું જ છે. આ ઉપરાંત પાર્ટીની સંગઠનની તાકાતથી માંડીને ચૂંટણી વ્યવસ્થાપન(પેજ મેનેજમેન્ટ અને બૂથ મેનેજમેન્ટ)માં ભાજપ અન્ય બે હરીફ પક્ષો કરતાં ઘણો સક્ષમ છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા મજબૂત નેતાઓ અને ચૂંટણી વ્યૂહરચનાકારો છે.

પટેલ સમુદાયના પ્રતિનિધિ તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ છે. ટૂંકમાં, હિન્દુત્વથી માંડીને જ્ઞાતિવાદનાં સમીકરણો બેલેન્સ કરવામાં ભાજપ માસ્ટર છે. ભાજપનું ચૂંટણી તંત્ર ગોઠવાયેલું જરૂર છે, પરંતુ ટિકિટ વહેંચણીની વાત આવી છે ત્યારે ભાજપમાં વૈકુંઠ નાનું ને ભગતડા ઝાઝા એવી હાલત સર્જાયેલી જણાય છે. 182 બેઠકો માટેના હજારો દાવેદારો છે, જે તમામને લોટરી લાગવાની આશા છે. અત્યાર સુધી એવો માહોલ હતો કે જૂના જોગીઓ કપાશે. અમુક ટર્મ કે વયમર્યાદાને ક્રાઇટેરિયા બનાવી સંખ્યાબંધ ટિકિટો કપાશે. ઘણા જૂના જોગીઓ અને કોંગ્રેસથી ભાજપમાં આવેલા નેતાઓના રાજકીય ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકાયું હતું.

પરંતુ તાજેતરમાં અમિતભાઈના ઇન્ટર્વેન્શન્સ બાદ પચીસ ટકા બેઠકો જ કપાશે અને ચૂંટણી જીતવા સક્ષમ ઉમેદવારને જ ટિકિટ અપાશે એવો સૂર વહેતો થતાં ભાજપમાં કહીં ખુશી-કહીં ગમ જેવો માહોલ છે. ચૂંટણી જાહેર થઇ ત્યારથી મતદાન થાય ત્યાં સુધીનો સમયગાળો પ્રમાણમાં ઓછો હોવાનો કચવાટ કાર્યકર્તાઓ અને પાર્ટીઓમાં પ્રવર્તી રહ્યો છે. એટલે જ આવનારા દિવસોમાં કેવો માહોલ જામશે? ગુજરાતની ગાદી માટેની રાજકીય શતરંજની સોગઠાંબાજી કેવી હશે? આમ આદમી પાર્ટી મેદાનમાં આવી હોવાને કારણે ખરેખર ગુજરાતનાં રાજકીય સમીકરણોમાં બદલાવ આવશે?

ભાજપને ફાયદો થશે કે ગ્રામ્ય વિસ્તારોમાં ત્રિપાંખિયા જંગને કારણે ભાજપ અને કોંગ્રેસ બંને માટે પડકારજનક સ્થિતિ થશે? કે પછી છેલ્લે છેલ્લે ભાજપનું બુલડોઝર ફરી વળશે? એ તો આવનારો સમય જ કહેશે. આમ છતાં દર વખતની વિધાનસભાની ચૂંટણી કરતાં આ વખતની ચૂંટણી ઘણે અંશે જુદી, આગવી, અનોખી અને આક્રમક બની રહેશે એ નક્કી છે. આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top