Gujarat

ડ્રગ્સ અને મોંઘવારી સામે કોંગ્રેસની આજથી બે દિવસની પરિવર્તન સંકલ્પ પદયાત્રા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે. કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પાંચમી સપ્ટેમ્બરના રોજ એક દિવસની મુલાકાત દરમિયાન અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલનને સંબોધન કરનાર છે. જેને લઇ કોંગ્રેસે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે આવતીકાલથી બે દિવસ પરિવર્તન સંકલ્પ યાત્રા નીકળશે. જે 16 જેટલી વિધાનસભા વિસ્તારોમાં ફરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસ દ્વારા યુવાનોને કોંગ્રેસ તરફ આકર્ષવા માટે બેકારી, નશાખોરી, મોંઘવારી જેવા મુદ્દાઓને લઈ આવતીકાલ 1 અને 2 સપ્ટેમ્બર એમ બે દિવસની પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ થશે. આ પરિવર્તન સંકલ્પ યાત્રા 16 વિધાનસભા વિસ્તારોમાં નીકળશે અને રાજ્ય સરકારની નિષ્ફળતાઓ પ્રજા સમક્ષ ઉજાગર કરશે.
બીજી તરફ બુધવારે પ્રદેશ એનએસયુઆઈની મહત્ત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોંગ્રેસના આગામી આંદોલાત્મક કાર્યક્રમ અંગે ચર્ચા-વિચારણા થઈ હતી, જેમાં પાંચમી ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત, 10 સપ્ટેમ્બરના રોજ મોંઘવારીના વિરોધમાં ભારત બંધનું એલાન તેમજ ભારત જોડો યાત્રા સહિતના કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરી યુવા કાર્યકરો અને હોદ્દેદારોને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને એનએસયુઆઇના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ માર્ગદર્શન આપ્યું હતું.

Most Popular

To Top