આજકાલ ઘણા ઘરોમાં જોવા મળે છે કે ઘરના વડીલો નાની-નાની વાત ભૂલી જાય, એક જ વાત વારંવાર પૂછે, ચા-પાણી ઢોળાઈ જાય, દવા લેવાનું ભૂલી જાય. ત્યારે આપણે યુવાનો તુરંત અકળાઈ જાય છે.. પણ વડીલો આ ભૂલો જાણી જોઈને કરતાં નથી. 70-80-90 વર્ષે શરીરની સાથે મન પણ થાકે. સ્મૃતિ ક્ષીણ થાય એ વિસ્મૃતિ નથી, વિજ્ઞાન કહે છે એ ‘Age-related Cognitive Decline’ છે. કાન ઓછું સાંભળે, આંખે ઝાંખપ આવે, પ્રતિક્રિયા ધીમી પડે એ વધતી ઉંમરને કારણે છે વડીલોનો વાંક નથી. ઉંચા અવાજે બોલવાથી વડીલોનું હૈયું દુભાય છે. એમને એમ લાગે કે “હવે હું ઘર પર ભાર છું”. ખરેખર તો એમને આપણા પ્રેમની, માનની જરૂર છે, ઠપકાની નહીં.
વડીલો સાથેના વ્યવહારમાં સમજણપૂર્વક કેટલીક કાળજી રાખીએ. એમની સાથે વાત કરતી વખતે સ્વર નીચો અને ખૂબ ધીરજ રાખીએ. કયારેક વડીલો એકની એક વાતનું કે પ્રશ્નનું પુનરાવર્તન કર્યા કરેતો પણ કંટાળો નહીં દાખવી ધીરજથી જવાબ આપવો. એમનું સ્વમાન અને સન્માન જાળવવું ખૂબ જ અનિવાર્ય છે. કેમ કે વડીલોના આશીર્વાદ વગરનું ઘર એ માત્ર ઈંટ-સિમેન્ટનું માળખું છે. જે ઘરમાં વડીલોની આંખ ભીની થાય, એ ઘર ક્યારેય સુખી ન હોય. વડીલોની ભૂલોને ઉંમરનું ઘરેણું સમજી સ્વીકારીશું તો આવતી પેઢી આપણને પણ એ જ માન આપશે. કેમ કે આપણે સૌએ ઘરમાં રહેવું છે, ઘરડાઘરમાં નહીં.
સુરત – પ્રકાશ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે