Columns

એક સત્યઘટના

વર્ષોથી અમેરિકામાં રહેતી બહેન જે અમેરિકન સિટિઝન બની શકે એમ હતી, તેણે અંગ્રેજી ભાષા બરાબર આવડતી ન હોવાના કારણે, અમેરિકન સિટિઝન બનવાની અરજી કરી નહોતી. એવી બહેન અલકા અરવિંદ પટેલના અમેરિકામાં જન્મેલા, એટલે ત્યાંનું નાગરિકત્વ જન્મતાની સાથે જ જેને પ્રાપ્ત થયું હતું, એ ભાણેજ આશિતના, એક અમેરિકન યુવતી એલિઝાબેથ જોડેના લગ્નમાં હાજરી આપવા, સુરતમાં ડાયમંડનો બિઝનેસ કરતાં નરેશભાઈ B-1/B-2 વિઝા ઉપર ત્રણ અઠવાડિયા માટે ન્યૂયોર્ક ગયા હતા.

નરેશભાઈની B-1/B-2 વિઝાની અરજી ફકત 3 સવાલ પૂછીને જ મંજૂર થઈ ગઈ હતી. સુરતના હીરાના વેપારીઓને આની ખૂબ જ નવાઈ લાગી હતી. સૌને એમ હતું કે 27 વર્ષનો, અવિવાહિત, ડાયમંડનો બિઝનેસ કરતા નરેશને વિઝા આપવામાં નહીં આવે. કદાચ નરેશભાઈ ગ્રેજ્યુએટ હતા, અંગ્રેજી ફટાફટ બોલી શકતા હતા અને છેલ્લાં 6 વર્ષથી નિયમિતરૂપે એમના હીરાના વ્યવસાયની કમાઈ ઈન્કમટેક્સ રીટર્ન ફાઈલ કરીને દેખાડતા હતા, એમની આવક ખૂબ જ સારી હતી અને એ બધી જ તેઓ સચ્ચાઈપૂર્વક જાહેર કરતા હતા અને એના ઉપર ઈન્કમટેક્સ પણ ભરતા હતા, એમનો પોતાનો સુરતમાં ફલેટ હતો અને એમની 5 બંગડીવાળી કાર પણ હતી, માતાપિતા અને બે નાનામોટા ભાઈઓ સાથે રહેતા હતા.

આ સર્વે કારણોને લીધે એમને 10 વર્ષના મલ્ટીએન્ટ્રી B-1/B-2 વિઝા આપી દેવામાં આવ્યા હતા. નરેશભાઈ ન્યૂયોર્ક શહેરમાં પગ મૂકતા જ આભા બની ગયા હતા. ભાણેજના લગ્ન પતાવ્યા બાદ નરેશભાઈ એક દિવસ નાયગ્રા ફોલ્સ જઈ આવ્યા પછી ન્યૂયોર્કની 54મી સ્ટ્રીટમાં આવેલ ડાયમંડ માર્કેટ જોઈ આવ્યા. એનાથી પ્રભાવિત થયેલા નરેશભાઈએ ત્યાં બિઝનેસ કરવાનું નક્કી કર્યું. એમને ઓળખતા ત્યાંના ગુજરાતી વેપારીઓએ એમને સલાહ આપી કે તેઓ ત્યાં જ રહી જાય. ત્યાંના એટર્નીઓ, એમનો વસવાટ કોઈ ને કોઈ તિકડમ લગાવીને કાયમનો અને કાયદેસરનો કરી આપશે.

આ સલાહ નરેશભાઈને રૂચી નહીં. એમણે ન્યૂયોર્કના અતિ પ્રતિષ્ઠિત ઈમિગ્રેશનના કાયદાના નિષ્ણાત એટર્નીની મુલાકાત લીધી. હું સુરતમાં ડાયમંડનો બિઝનેસ કરું છું. મારી ત્યાં ઓફિસ છે. ડાયમંડ પોલીશ કરવા માટેની ફેકટરી પણ છે. ઓફિસમાં 4 માણસ અને ફેકટરીમાં 20 માણસોને નોકરીમાં રાખું છું. કોઈ કોઈ વખત જરૂર પડતા હંગામી ધોરણે બીજા 10 -15 હીરાઘસુઓને પણ નોકરીમાં રાખું છું. મારું ટર્નઓવર વાર્ષિક 25 કરોડનું છે અને ખર્ચો બાદ કરતાં ચોખ્ખો નફો 3થી 5 કરોડનો છે. એ એટર્નીએ નરેશભાઈને ‘તમે આંતર કંપની ટ્રાન્સફરી L-1 વિઝા મેળવી શકશો’ એવું જણાવ્યું. એ માટેની બધી જરૂરિયાતો કહી. ઉપરાંત અમેરિકાના EB-5 પ્રોગ્રામ વિષે પણ જાણકારી આપી.

જે સલાહ સામાન્ય રીતે કોઈ આપતું નથી એ સલાહ પણ વધુમાં આપી અને કહ્યું કે, ‘તમે વેળાસર પાછા ઈન્ડિયા જાઓ અને ત્યાંથી જ L-1 વિઝાની અરજી કરો. ત્યાંથી જ રોકાણ કરીને EB-5 પ્રોગ્રામ હેઠળ ગ્રીનકાર્ડની અરજી કરો. અહીં રહીને તમારો રહેવાનો સમય લંબાવવાની અને સ્ટેટસ ચેન્જ કરવાની અરજી કરતા નહીં.’ નરેશભાઈએ એ એટર્નીની સલાહ માની. સુરત પાછા જઈને એમના સુરતના બિઝનેસની અમેરિકામાં શાખા ખોલી. એમાં સુરતમાંથી બેન્ક મારફતે 2 લાખ ડોલર ટ્રાન્સફર કર્યા. પોતાને માટે આંતર કંપની ટ્રાન્સફરી મેનેજરો માટેનું L-1 પિટિશન પ્રિમિયમ પ્રોસેસિંગ હેઠળ દાખલ કરાવ્યું.

સાથે સાથે અમેરિકાની માન્યતા પામેલી એક ખૂબ જ પ્રતિષ્ઠિત રીજનલ સેન્ટરમાં પૂરતી ચોકસાઈ કર્યા બાદ રોકાણ કર્યું અને ગ્રીનકાર્ડની અરજી કરી. એમનું L-1 પિટિશન ૧૫ દિવસમાં અપ્રુવ થઈ ગયું. નરેશભાઈ ન્યૂયોર્ક જઈને બિઝનેસ કરવા લાગ્યા. 3 વર્ષ પછી EB-5 પ્રોગ્રામ હેઠળ એમને ગ્રીનકાર્ડ મળ્યું. એ વાતને આજે 5 વર્ષ થઈ ગયા છે. નરેશભાઈએ અમેરિકાના સિટિઝન બનવાની, નેશનલાઈઝેશનની અરજી કરી છે અને તેઓ થોડા સમયમાં જ અમેરિકન સિટિઝન બની જશે.
વિશ્વની સૌથી મોટી ડાયમંડ જ્વેલરી માર્કેટ અમેરિકામાં છે.

પોલીશ્ડ ડાયમંડની વિશ્વભરમાં જે માંગ છે એમાંની 48% અમેરિકાની છે. અમેરિકા વિશ્વનો સૌથી મોટો ડાયમંડ ઈમ્પોર્ટ કરનાર દેશ છે. ભારત પછી અમેરિકા વિશ્વનો સૌથી મોટો ડાયમંડ એક્સપોર્ટ કરનાર દેશ પણ છે. વિશ્વમાં જે ડાયમંડ જ્વેલરી ખરીદાય છે એમાંની અડધા ઉપરાંત અમેરિકામાં અમેરિકનો ખરીદે છે. આવા અમેરિકામાં અમેરિકન સાથે વ્યાપાર કરવો હોય તો નરેશભાઈની જેમ કાયદેસર એ માટે ઉપલબ્ધ વિઝા મેળવીને કરવો જોઈએ. આજે નરેશભાઈ અબજોપતિ બની ગયા છે. થોડા સમયમાં તેઓ અમેરિકન સિટિઝન બની જશે. એમણે બધું જ કાયદેસર કર્યું એથી આ લાભ એમને પ્રાપ્ત થયો છે. જો અમેરિકામાં વસતા ભારતીય વેપારીઓની વાતો સાંભળીને B-1/B-2 વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ્યા પછી ત્યાં ઈલીગલી રહી ગયા હોત તો તેઓ આ પ્રગતિ કરી શક્યા ન હોત. અમેરિકન સિટિઝન બનવાની લાયકાત મેળવી શક્યા ન હોત. એટર્નીઓના ચક્કરમાં ફસાયા હોત અને આમતેમ જુદી જુદી અરજીઓ કરતા ભટક્યા કરતા હોત. પૈસાનું પાણી થાત અને લપાતાછુપાતા રહેવું પડતે.

આ એક સત્યઘટના છે. ફકત ગુપ્તતા ખાતર નામ બદલાવામાં આવ્યું છે. જો તમારે અમેરિકામાં કે અમેરિકા સાથે વ્યાપાર કરવો હોય એ માટે B-1 એટલે કે બિઝનેસ વિઝા, L-1 એટલે કે આંતર કંપની ટ્રાન્સફરી મેનેજર્સ, એક્ઝિક્યુટીવ્સ કે ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટેના L-૧ વિઝા મેળવવા હોય, EB-5 પ્રોગ્રામ હેઠળ ગ્રીનકાર્ડ મેળવવું હોય, એ માટે જરૂરી એટલા વ્હાઈટના પૈસા હોય તો અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાના જાણકાર એડવોકેટ પાસેથી જરૂરી સલાહ મેળવો અને તમારા અમેરિકન સ્વપ્ના સાકાર કરો.

Most Popular

To Top