Editorial

નાની ઉંમરે હાર્ટ એટેકની ઘટનાઓ ઉપર વહેલામાં વહેલું સંશોધન હવે જરૂરી બની ગયું છે

યુપીના ફિરોઝાબાદમાં બીજા ધોરણના વિદ્યાર્થીએ સ્કુલમાં રમતા-રમતા જીવ ગુમાવ્યો. તે અન્ય બાળકોની સાથે સ્કુલ પરિસરમાં રમી રહ્યો હતો. ત્યારે દોડતા-દોડતા તે અચાનકથી જમીન પર પડ્યો. સાથે રમતા બાળકોએ તેને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ઉઠી શક્યો નહીં. બાદમાં તેને હોસ્પિટલ લઈ જવાયો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. શરૂઆતી તપાસમાં હાર્ટ એટેકની આશંકા વર્તાવાઈ રહી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

મૃતક વિદ્યાર્થીના ઘરમાં શોકનો માહોલ છે. સ્ટેશન દક્ષિણ વિસ્તારના હિમાયૂંપુરનો રહેવાસી 8 વર્ષીય વિદ્યાર્થી ચંદ્રકાંત બીજા ધોરણનો વિદ્યાર્થી હતો. તે પાડોશના હંસ વાહિની સ્કુલમાં ભણતો હતો. ગયા શનિવારે સ્કુલમાં બપોરે 12 વાગે અડધા કલાક માટે લંચ બ્રેક હતો. આ દરમિયાન વિદ્યાર્થી ક્લાસમાંથી નીકળીને બહાર ખુલ્લામાં રમી રહ્યો હતો. જેમાં ચંદ્રકાંત પણ સામેલ હતો.

તમામ બાળકો રમી રહ્યા છે ત્યારે ચંદ્રકાંત દોડતો આવે છે અને અચાનકથી જમીન પર પડે છે. આસપાસ ઊભેલા બીજા ધોરણના વિદ્યાર્થી ચંદ્રકાંતને ઉઠાડે છે પરંતુ તે બેભાન થઈ ગયો છે. જેની પર વિદ્યાર્થીઓએ સ્કુલના ટીચરને તેની માહિતી આપી તો હોબાળો મચી ગયો. તાત્કાલિક બાળકને મેડીકલ કોલેજ પહોંચાડવામાં આવ્યો પરંતુ ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો. હાલ વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને પોલીસ કેસની તપાસમાં લાગી ગઈ છે. રિપોર્ટ આવ્યા બાદ જાણ થશે કે વિદ્યાર્થીનું મોત અચાનકથી કેવી રીતે થયુ.

મૃતક વિદ્યાર્થીના કાકાનું કહેવુ છે કે તેમને સ્કુલમાંથી ફોન આવ્યો હતો કે તેમના ભત્રીજાનું મોત થઈ ગયુ છે. બાળકના શરીર પર લોહીના નિશાન નહોતા અને શરીર પર ઈજાના નિશાન પણ નહોતા. દરમિયાન મોત કેવી રીતે થયુ એ તપાસનો વિષય છે. સ્કુલના તંત્રએ જણાવ્યુ કે અચાનકથી રમતી વખતે બાળક પડી ગયો અને તેનુ મોત થઈ ગયુ. શક્યતા છે કે તેને હાર્ટ એટેક આવ્યો હતો. બધુ જ સીસીટીવીમાં રેકોર્ડ છે. કોઈએ બાળકને ધક્કો માર્યો નથી. સૌથી પહેલુ જો કોઈ કારણ હોય તો તે છે આપણો અનિયમિત આહાર અને જીવન શૈલી.

જેના કારણે સતત કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે. બીજુ કારણ કામ અથવા અન્ય કોઈ રીતે આપણે સતત સ્ટ્રેસમાં રહેતા હોવાના કારણે હાર્ટ એટેક આવે છે. જેમા માનસિક તણાવયુક્ત જીવનશૈલીના કારણે હાર્ટએટેક આવવાની સંભાવના રહે છે. આ ઉપરાંત સતત વધતું વજન પણ હાર્ટ એટેક માટેનું કારણ બની શકે છે. એટલે તેના માટે પ્રોપર ડાયટ સાથે ખોરાક લેવો જોઈએ. હાર્ટ એટેકને રોકવા માટે બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખવુ ખુબ જ જરુરી છે. ખાંડ સફેદ ઝેર સમાન છે તેથી જેટલુ બને તેટલુ ખોરાકમાં ખાંડ ન હોવી જોઈએ.

આ ઉપરાંત સમયે સમયે સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી જોઈએ. જેમા શરીરની તપાસ કરાવતા રહેવું જોઈએ. જેમા તમે કોલેસ્ટ્રોલ, શુગર, વજન, લીવરની સ્થિતિ વિશે જાણકારી રાખવી જોઈએ તેના રિપોર્ટ પણ કરાવવા જોઈએ. તેમા કોઈ સમસ્યા હોચ તો તાત્કાલિક સમયસર ઈલાજ કરાવવો જોઈએ. મેડિકલની ભાષામાં તેને ‘સડન કાર્ડિયાક ડેથ’ કે ‘ઍથ્લેટિક ડેથ’ કહેવાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ તેનાં ઘણાં બધાં કારણો હોઈ શકે છે. એક કારણ છે, અચાનક હાર્ટઍટેક આવી જવો, નાની ઉંમરમાં આવી બીમારી થવાના કિસ્સા ખૂબ દુર્લભ જોવા મળે છે, ખાસ કરીને જે લોકો સ્પૉર્ટ્સમાં સક્રિય હોય તેને ભાગ્યે જ જોવા મળે છે.

બીજું કારણ છે, હૃદયના ધબકારા અનિયમિત થઈને હૃદય બંધ પડી જવું. યુવાન અવસ્થામાં જ્યારે મૃત્યુ થાય, તેવા કિસ્સામાં ઘણી વાર હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે, ઘણી વાર હૃદયની દીવાલ જાડી હોય અથવા તો કોઈ એવી ટેન્ડેન્સી હોય જેમાં રમત સાથે હૃદયના ધબકારા અનિયમિત થઈ જતા હોય તો તેમાં આવું થવું કારણરૂપ હોઈ શકે છે. હાર્ટઍટેક અત્યંત તીવ્ર કક્ષાની રમત દરમિયાન આવી શકે છે, જ્યારે આપણે આપણી શારીરિક ક્ષમતા કરતાં પણ વધારે શ્રમ લઈ લીધો હોય ત્યારે આપણા હૃદયની નસની અંદરની જે દીવાલ છે તેમાં નુકસાન થાય અને ત્યાં લોહી જામી જાય એટલે હાર્ટઍટેક આવી શકે.

કેટલાક તબીબોનું મંતવ્ય એવું પણ છે કે, હાર્ટ એટેક પહેલા 50 વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિને જ આવતો હતો પરંતુ હવે ક્રાઇટેરિયા બદલાઇ ગયો છે. તબીબી ભાષામાં હવે 35 વર્ષની ઉંમરે હાર્ટ એટેકની ઘટનાને સામાન્ય ગણવામાં આવે છે. કારણ કંઇ પણ હોય પરંતુ હવે આ સ્થિતિને ગંભીર જ ગણવામાં આવે છે. તેના ઉપર સંશોધન ચાલી રહ્યું છે પરંતુ હજુ તેનું સચોટ કારણ જાણી શકાયું નથી. વૈજ્ઞાનિકો પણ આ અંગે તપાસ કરી રહ્યાં છે તો કેટલાક તબીબનું એવું પણ માનવું છે કે, નાની ઉંમરે હાર્ટ એટેક આવે તો તે દરેક કિસ્સામાં પોસ્ટમોર્ટમ થવું જોઇએ અને દરેક કેસમાં મૃતકના ખાનપાન અને તેની રહેણીકરણીની માહિતી તબીબોએ મેળવવી જોઇએ તો જ તેનું સાચુ કારણ બહાર આવી શકે તેમ છે.

આ બાબત સામાન્ય નથી તેને ગંભીર એટલા માટે ગણવી જોઇએ કે હવે નાના નાના બાળકો પણ હ્રદયરોગના હુમલાનો ભોગ બની રહ્યાં છે એટલે તાત્કાલિક અસરથી તેના ઉપર સંશોધન થાય તે ખૂબ જ જરૂરી બની ગયું છે. માત્ર ગુજરાતની જ વાત કરીએ તો આ પહેલા વલસાડમાં ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે. આજે વહેલી સવારે વલસાડના પાનેરા વિસ્તારમાં 15 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોકની લહેર ફરી વળી છે. મૃતકનું નામ આયુષ હોવાનું સામે આવ્યુ છે.

આયુષ છેલ્લા ત્રણ દિવસથી બિમાર હતો અને આજે સવારે અચાનક હાર્ટ એટેક આવવાથી મોતને ભેટ્યો હતો. ઉપરાંત વડોદરાની MSUના સાયન્સ ફેકલ્ટીમાં ઝુઓલોજીમાં અભ્યાસ કરતો દીપ ચૌધરી નામનો વિદ્યાર્થી બોઇસ હોસ્ટેલમાં મિત્રો સાતે વાત કરતાં-કરતાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ હોસ્ટેલમાં મિત્રો તેને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબે દીપ ચૌધરીને મૃત જાહેર કર્યો હતો અને ડોક્ટરે તેના મૃત્યુ પાછળનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું.

ડિસેમ્બર મહિનામાં રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ ઉપર શ્યામ હોલ પાસે આવેલી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા પૂજન અમિતભાઈ ઠુંમર નામનો 15 વર્ષનો સગીર તેના પિતા અમિતભાઈ ઠુંમરના બાઈક પાછળ બેસી મવડી મેઇન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલુ બાઈકે પૂજન ઠુંમર નીચે પટકાયો હતો પુજન ઠુંમરને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે પૂજન ઠુંમરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો હતો.

Most Popular

To Top