SURAT

અઠવાલાઇન્સમાં પ્રાંત અધિકારીના ઘરે વહેલી સવારે ધડાકા સાથે બ્લાસ્ટ : ત્રણ ઘવાયા

સુરત (Surat) : અઠવાલાઇન્સ વિસ્તારમાં પ્રાંત અધિકારીના ઘરે વહેલી સવારે ધડાકા ભેર બ્લાસ્ટ (Blast) થતા ભાગદોડ મચી ગઇ હતી. ગેસનો બાટલો (Gas Bottle Blast) બ્લાસ્ટમાં પરિવારના બે સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાંત અધિકારી સહિત પત્ની અને ઇજાગ્રસ્ત પુત્રને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ બાદ ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે મકાનની દીવાલ પણ તૂટી ગઈ હોવાનું ફાયરના અધિકારીઓ એ જણાવ્યું હતું.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ધડાકો જોરદાર હતો. અવાજ આવતા જ લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. ઘરની દીવાલમાં પણ તિરાડ પડી ગઈ હતી. બીજી બાજુ બાકોરું પડી ગયું હતું. ઘરનો સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો. ગેસ લીકેજ બાદ જ આટલો જોરદાર બ્લાસ્ટ થઈ શકે એવું કહી શકાય છે. જોકે હાલ તપાસ ચાલુ છે. ફાયરના જવાનો સહિત પોલીસ પણ દોડી આવી હતી. જોકે ઇજાગ્રસ્ત ત્રણેયની તબિયત સાધારણ હોવાનું પણ જાણવા મળ્યું છે.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે કોલ વહેલી સવારના 5:38 નો હતો. ગેસ બોટલ સળગી રહ્યાનો કોલ મળ્યો હતો. સ્થળ પર બોટલ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું હતું. ઘટના વલસાડ ફોરેસ્ટ ઓફિસર મનીશ્વર રાજા (IPS) ના બંગલામાં બની હતી. આ દુર્ઘટનામાં તેમના પત્ની કૌશલ્યાબેન (ઉં.વ. 35) અને તેમનો 3 વર્ષનો પુત્ર સર્વેશ ઘવાયો હતો. જેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ તપાસ ચાલી રહી છે.

સ્થાનિક રહીશ અરુણભાઈ શાહે જણાવ્યું હતું કે ધડાકાનો અવાજ સાંભળી બાળકો એ બુમાબુમ કરી દીધી હતી. અમે પ્રાંત હાઉસથી ઘણા દૂર રહીએ છીએ પણ ધડાકાનો અવાજ સાંભળી માનવતાના ધોરણે ફાયરને જાણ કરી હતી. ત્યારબાદ ફાયર અધિકારીઓને લોકેશન સુધી લઈ જવામાં મદદરૂપ બન્યા હતા. આ પણ એક સીટીઝન તરીકે ની સેવા જ છે.

Most Popular

To Top