SURAT

પનીર બાદ સુરતમાંથી ડુપ્લીકેટ ઘી પકડાયું: આ રીતે બને છે નકલી ઘી.., વીડિયો આવ્યો સામે

સુરત(Surat): સુરતીઓ સ્વાદના શોખીન છે. ખાવા-પીવાના શોખીન સુરતીઓ મોટા ભાગે હોટલ, રેસ્ટોરન્ટ અને લારી પર અવનવી ટેસ્ટી વાનગીઓ આરોગતા જોવા મળતા હોય છે. સુરતીઓના જીભના સ્વાદને પોષવા માટે બજારમાં અનેક વાનગીઓ મળે છે. મોટા પ્રમાણમાં વાનગીઓ બનાવી તે સસ્તામાં વેચી વધુ કમાણી કરવા માટે હોટલ, રેસ્ટોરન્ટ અને ફુડની લારીવાળાઓ ભેળસેળયુક્ત નકલી વસ્તુઓનો ઉપયોગ કરતા હોવાની વિગતો બહાર આવી છે.

બુધવારે સુરત મનપાના (SMC) આરોગ્ય વિભાગે બાતમીના આધારે પાંડેસરા વિસ્તારમાંથી નકલી પનીર પકડી પાડ્યું હતું. આ નકલી પનીર વલસાડથી આવતું હતું અને તે પાંડેસરાની હોટલોમાં 150થી 180ના ભાવે વેચાતું હતું. હોટલવાળા નકલી પનીરમાંથી વિવિધ વાનગીઓ બનાવી લોકોને પીરસતા હતા. નકલી પનીર પકડાયાની ગણતરીના કલાકોમાં સુરતમાંથી ભેળસેળયુક્ત નકલી ઘીનો (Duplicate Ghee) જથ્થો પકડાયો છે.

રાંદેર પોલીસે ભેળસેળયુક્ત ઘીના જથ્થા સાથે એક શખસને ઝડપી પાડ્યો છે. પોલીસે શંકાસ્પદ ઘીના ડબ્બા સહિત કુલ 29,630 રૂપિયાનો મુદામાલ કબ્જે લીધો છે. આ ઘી જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે ભેળસેળયુક્ત ઘી સોયાબીન તેલ, હળદર, ડાલડા ઘી અને કેમિકલનો ઉપયોગ કરી બનાવાયું હતું, જે અદ્દલ શુદ્ધ ઘી જેવું જ દેખાય છે.

રાંદેરમાં જ ભેળસેળયુક્ત ઘી બનાવાતું હતું
રાંદેર પોલીસને બાતમી મળી હતી કે અહીં ગોગાચોક સાંઈનાથ સોસાયટીમાં એક ઈસમ નકલી ઘી વેચે છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રાજેશ હરગોવનભાઈ પટેલને પકડ્યો હતો. પોલીસે અહીંથી ભેળસેળ ઘી બનાવવાની સાધનસામગ્રી તથા 3400 રૂપિયાની કિંમતના વનસ્પતિ 15 કીલોગ્રામના 2 નંગ ડબ્બા, 8250 રૂપિયાની કિંમતના જેમીની રિફાઇન્ડ સોયાબીન તેલ 15 કિલોગ્રામના સીલબંધ 5 ડબ્બા, 5100 રૂપિયાની કિંમતના રાગ વનસ્પતિ 15 કિલોગ્રામના પતરાના સીલબંધ 3 ડબ્બા તથા ભેળસેળયુક્ત પતરાના 15 કિલોગ્રામના ખુલ્લા ઢાંકણવાળા 5 ડબ્બા જેની કુલ કિંમત 12000 તથા 5.5 કિલોગ્રામ ભેળસેળયુક્ત છૂટક ઘી મળી કુલ 29630 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ રીતે બનાવતો હતો ડુપ્લીકેટ ઘી?
પૂછપરછ દરમિયાન આરોપીએ નકલી ઘી બનાવવાનો ડેમો પોલીસને બતાવ્યો હતો, જે જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. તે ઈસમ સોયાબીન તેલ, હળદર, ડાલડા ઘી તેમજ અન્ય કેમિકલનો ઉપયોગ કરીને શુદ્ધ ઘી જેવો જ સ્વાદ અને દેખાવ ધરાવતું ઘી બનાવતો હતો. ડુપ્લિકેટ ઘીનો કલર જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. લેબોરેટરીમાં ટેસ્ટ બાદ જ ઘી નકલી છે કે અસલી તે હદે ડુપ્લિકેશન કરવામાં આવતું હતું.

Most Popular

To Top