SURAT

ડુમસના દરિયા કિનારે ચાલતી આ પ્રવૃત્તિ કલેક્ટરે અટકાવી

સુરતઃ ડુમસમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન સહિત ડ્રેજિંગના વિરોધમાં કલેકટર કચેરીએ મોરચો લઇ ને આવેલા ગ્રામવાસીઓનો અવાજનો બુલંદ પડઘો પડયો છે. જિલ્લા કલેક્ટર આયુષ ઓકએ સીઆરઝેડ વિસ્તારમાં રેતીખનન કરી રહેલા મેમર્સ એમ.એમ. ઇન્ફ્રા બિલ્ડકોન, નવસારીને આગામી15 દિવસમાં એનઓસી રજુ કરવા આદેશ કરાયો છે.

  • કલેકટરના આદેશથી ભૂસ્તર વિભાગ, જીપીસીબી અને સિંચાઇ વિભાગ હરકતમાં આવ્યું
  • ડ્રેજિંગના નામે મેમર્સ એમ.એમ. ઈન્ફ્રા બિલ્ડકોન, નવસારી દ્વારા ચાલી રહેલા રેતીખનનના વેપલાની તપાસ શરૂ
  • સીઆરઝેડ વિસ્તારમાં ચાલી રહેલા રેતીખનનના મુદ્દે ગ્રામવાસીઓની રજૂઆત લેખે લાગી

ડુમસ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રેતીના વેપારીઓ ડ્રેજિંગના નામે આડેધડ ખનન કરીને તાપીના કિનારાઓને તથા પર્યાવરણને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. પરંતુ બેરોકટોક અને બેફામ રીતે ચાલી રહેલી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર તંત્રની અત્યાર સુધી કેમ નજર પડી નહોતી તે તપાસનો વિષય છે. પખવાડિયા પહેલા કાંઠા વિસ્તારના અકળાઇ ગયેલા ગ્રામજનોએ મોરચો કાઢી કલેકટરમાં આ અંગે રજૂઆત કરી હતી ગ્રામજનોની આક્રમક રજૂઆત બાદ કલેકટરના ધ્યાને આ સમગ્ર ડ્રેજિંગની પ્રવૃત્તિઓ આવી હતી.

ગ્રામજનોની રજૂઆત બાદ કલેક્ટરે ભૂસ્તર વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સિંચાઇ વિભાગના અધિકારીઓને તાત્કાલિક બોલાવ્યા હતા. અધિકારીઓને તેમના કાર્યક્ષેત્રમાં આવતી તમામ બાબતો અંગે ઝીણવટભરી તપાસ કરવા આદેશ આપ્યો હતો. મેમર્સ એમ.એમ ઇન્ફ્રા બિલ્ડકોનને આગામી 15 દિવસમાં એનઓસી સર્ટી રજુ કરવા આદેશ કરાયો છે. આ વિભાગના અધિકારીઓએ સ્થળ તપાસ કરતા આ ખનીજના વેપારીઓએ હાલ પૂરતું રેતીખનન ઉપર બ્રેક લગાવી દીધી છે. અધિકારીઓ દ્વારા કલેકટરને આ અંગે તપાસનો રિપોર્ટ સબમીટ કરી દેવાયો છે. આવતા અઠવાડિયાએ કલેકટર દ્વારા આ મુદ્દે ફરી એક વખત અધિકારીઓ સાથે મીટીંગ કરાશે.

પહેલા દિવસે મોટાઉપાડે સબસલામતની વાતો કરનારા ભાવેશ ઓડએ ફોન રિસિવ ન કર્યો
ડુમસમાં રેતીખનન કરવા માટે ડેજિંગના રૂપાળા નામે જે કારનામા કરવામાં આવ્યા છે તેની સામે ગ્રામજનોએ મોરચો કાઢયો હતો. ગ્રામજનોના મોરચા બાદ પરવાનેદાર ભાવેશ ઓડએ પોતે સાચા હોવાની વાત કરી હતી. અને તેમની પાસે તમામ મંજૂરી હોવાની પણ વાતો કરી હતી. પરંતુ સીઆરઝેડના એનઓસીના મામલે તેઓ ઉંધા પડયા છે. પંદર દિવસમાં તેમને એનઓસી લઇ રજૂ કરવું પડશે નહિંતર તેમની પરમીટ ઉપર કાતર ફરી જાય તેમ છે. આ માટે પુછપરછ કરવા માટે ભાવેશ ઓડને કોલ કરાયા હતા પરંતુ તેમને કોલ રિસિવ કર્યા ન હતા.

સીઆરઝેડના એનઓસી વગર બેફામ ખનન
કલેકટરની સુચના બાદ ભૂસ્તર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને તેમના દ્વારા સીઆરઝેડ વિસ્તારમાં મેમર્સ એમએમ ઇન્ફ્રા બિલ્ડકોન (નવસારી) દ્વારા જે રીતે ખનન કરવામાં આવી રહ્યું છે તે માટે એનઓસી માંગવામાં આવ્યું હતું. પરંતુ તેમની પાસે સીઆરઝેડ એનઓસી હાલમાં નથી અને તે માટે કલેકટરે તેમને 15 દિવસનો સમય આપ્યો છે.

ફિશરીઝ વિભાગની ભૂમિકા શંકાના દાયરામાં !
સુરતના સીઆરઝેડ વિસ્તારમાં ડ્રેજિંગના નામે ખનિજના વેપારીઓ માટે લાલજાજમ બિછાવનારા ફિશરીઝ વિભાગની તપાસ જરૂરી છે. ફિશરીઝ વિભાગે કેવી રીતે આ પરમીશન આપી તેની પણ તપાસ જરૂરી છે. તેવી જ રીતે ચોમાસા પહેલા સિંચાઇના ડ્રેનજ વિભાગ તરફથી પણ તળાવો ખોદવા બારોબાર પરમિશન આપી દેવાય છે. રાજય સરકારે આ અંગે ગહન તપાસ કરાવવાની જરૂર છે. તો ફિશરીઝ વિભાગની મોટી માછલીઓ જાળમાં સપડાય તેમ છે. સિંચાઇ વિભાગમાં પણ ભ્રષ્ટાચારને કોણ સિંચી રહ્યું છે તેની પણ હકિકત બહાર આવી શકે તેમ છે.

ગ્રામવાસીઓએ કૌભાંડની તપાસ કરવા માંગ કરી
ગ્રામવાસીઓ દ્રારા મેસર્સ એમ એમ ઇન્ફ્રા બિલ્ડકોન (નવસારી) દ્વારા સુરત ખાતે તાપી નદીના મુખમાં ગેર-કાયદેસર ડ્રેજિંગ કરી સ્થળે ચાલતું રેતી ખનન રોકવા તેમજ રેતી ખોદાણથી થયેલ તાપી નદી કિનારા, કોસ્ટલ ઝોન, મેનગૃવ અને પર્યાવરણ નુકશાનની તપાસ કરવા રજૂઆત કરવામાં આવી છે. સેન્ડબાર દૂર કરવાના નામે ખોટી રીતે ગેરકાયદેસર સરકારી પ્રક્રિયા શરૂ કરવા સામે તપાસ કરાવવા, સિઆરઝેડ અધિનિયમ ભંગ કરવા બદલ પગલાં લેવા, માછીમારોને નુકશાન અટકાવવા પણ રજૂઆત કરાઈ છે. ૧૫૧ કરોડની રેતી ચોરી થકી ટેક્ષની ચોરી, રાજ્યની આવકને નુકશાન પહોંચાડનાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવા અને કૌભાંડની વ્યાપક તપાસ કરવા લેખિત ફરિયાદ કરાઈ છે.

15 દિવસમાં એનઓસી નહીં આપે તો સરકારમાં રિપોર્ટ કરાશે
જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, ગ્રામવાસીઓ દ્વારા ફરિયાદ મળતા ભૂસ્તર વિભાગને તપાસ સોંપી હતી. તપાસ દરમિયાન તેમની પાસે રેતીખનનની મંજૂરી અને રોયલ્ટી ભરેલી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ સીઆરઝેડનું એન.ઓ.સી તેઓ આપી શક્યા નથી. તે માટે તેમને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. પંદર દિવસમાં જો એન.ઓ.સી રજૂ નહીં કરશે તો રાજ્ય સરકારમાં આ અંગે રિપોર્ટ કરાશે.

Most Popular

To Top