National

દુબઇ-મુંબઇ ફ્લાઇટમાં દારૂ પીને ધમાલ કરવા બદલ બે જણાની ધરપકડ

મુંબઇ: દુબઇથી (Dubai) મુંબઇ (Mumbai) આવી રહેલ ઇન્ડિગોની ફ્લાઇટના (Flight) બે પ્રવાસીઓએ નશાની હાલતમાં સાથી મુસાફરો અને વિમાનના કર્મચારીઓ સાથે ગાળા ગાળી કરતા તેમની ધરપકડ કરવામાં આવી છે એમ એક પોલીસ (Police) અધિકારીએ આજે જણાવ્યું હતું.

આ ફ્લાઇટ બુધવારે મુંબઇમાં ઉતરી ત્યારે આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને બાદમાં અહીંની એક અદાલત દ્વારા જામીન આપવામાં આવ્યા હતા એમ આ અધિકારીએ જણાવ્યું હતું. ઇન્ડિગોએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે દુબઇથી મુંબઇ આવી રહેલી ફ્લાઇટ ૬ઇ ૧૦૮૮માં મુસાફરી કરી રહેલા આ બંને પ્રવાસીઓ નશાની હાલતમાં જણાયા હતા અને વિમાનના કર્મચારીઓ દ્વારા તેમને અનેક ચેતવણીઓ આપવામાં આવી હોવા છતાં તેમણે વિમાનમાં બેસીને પણ શરાબ પીવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે કર્મચારીઓને અને સહ પ્રવાસીઓ સાથે મૌખિક જીભાજોડી કરી હતી અને અપશબ્દો બોલ્યા હતા.

પ્રોટોકોલ મુજબ, ગેરવર્તણૂક બદલ વિમાનના ઉતરાણ પછી તેમને સીઆઇએસએફ સુરક્ષા સ્ટાફને સોંપી દેવામં આવ્યા હતા. આના પછી નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અન્ય મુસાફરોને થયેલી અગવડ બદલ અમને ખેદ છે એમ એરલાઇને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ બંને આરોપીઓ મુંબઇ નજીકના નાલાસોપારા અને કોલ્હાપુરના વતનીઓ છે. ગલ્ફમાં એક વર્ષ નોકરી કર્યા બાદ તેઓ પરત ફરી રહ્યા હતા. તેમણે એક ડ્યુટી-ફ્રી શોપમાંથી ખરીદેલો દારૂ પીવાની સાથે ઉજવણી કરવા માંડી હતી. સાથી પ્રવાસીઓએ આનો વિરોધ કરતા તેમણે તેમની સાથે અને વિમાની કર્મચારીઓ વચ્ચે પડતા તેમની સાથે પણ તેમણે જીભાજોડી અને ગાળાગાળી કરી હતી એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

એક તો વિમાનમાં બેઠકોની વચ્ચેની જ્ગ્યામાં ચાલતા ચાલતા દારૂ પી રહ્યો હતો. વિમાની કર્મચારીઓએ તેમની બોટલો લઇ લીધી હતી. તેમની સામે આઇપીસીની કલમ ૩૩૬ અને વિમાન નિયમોના નિયમ ૨૧, ૨૨ અને ૨૫ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમ સહાર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

Most Popular

To Top