National

ઉત્તરકાશી: મજૂરો આજની રાત પણ ટનલમાં વિતાવવા મજબુર, ઓગર મશીન જ ફસાઈ ગયું

નવી દિલ્હી: ઉત્તરકાશીની (Uttarkashi) સિલ્ક્યારા ટનલમાં (Tunnel) કાટમાળ પડવાને કારણે 41 કામદારો (Labour) ફસાયા હતા. ત્યારે ફસાયેલા કામદારોને બચાવવા માટે રેસ્ક્યુ (Rescue) ઓપરેશન આજે 14માં દિવસે પણ ચાલુ છે. ત્યારે ફરી એકવાર બચાવ કામગીરીમાં અવરોધો આવ્યા છે. તેમજ કામદારોએ આજે પણ ટનલમાં રાત કાઢવી પડે તેવી સંભાવનાઓ જણાઇ રહી છે.

હાલ ટનલમાં ભૂસ્ખલનના કાટમાળમાં રહેલ 25 એમએમની રીબાર અને લોખંડની પાઈપ ડ્રિલિંગમાં અડચણરૂપ બની છે. ત્યારે ઓગર મશીનની આગળના અવરોધો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં સાતથી આઠ કલાકનો સમય લાગે છે. ત્યારે સૂત્રોએ જણાવ્યુ હતુ કે ઓગરને દૂર કર્યા બાદ એક ટીમ પાઇપમાં પ્રવેશ કરી ગેસ કટર વડે અવરોધોને કાપશે.

આયર્ન બેરિયરને કારણે ઓગર મશીન લક્ષ્યથી નવ મીટર દુર અટકી ગયું હતું. પરંતુ હવે એક નવી સમસ્યા સામે આવી છે. જેમાં ટનલની અંદરથી બચેલો નવ મીટરનો કાટમાળ કેવી રીતે દૂર કરવો એક મોટો પ્રશ્ન બન્યો છે. કારણકે તેમાં આયર્ન બેરિયર હોવાને કારણે ખૂબ સમય લાગી રહ્યો છે. આ અંગે હાલ વિચારણા શરૂ થઈ છે. ત્યાર બાદ અવરોધોને કાપીને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

ત્યારે બીજી યોજનાઓ ઉપર પણ વિચારણા કરવામાં આવી રહી છે કે ફસાયેલા કામદારો પાસે જ અંદરથી 9 મીટના કાટમાળને દૂર કરવામાં કહેવામાં આવે અથવા તો ડ્રીલિંગની જગ્યાએ મેન્યૂઅલી આ કાટમાળને હટાવવામાં આવે.

સમગ્ર મામલે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ મીડિયાને બચાવ કામગીરી પૂર્ણ કરવાની સમયરેખા વિશે અનુમાન ન કરવાની પણ સલાહ આપી હતી. કારણકે સતત ચાલતી કામગીરીમાં ઘણા અવરોધો આવી રહ્યા છે. તેમજ આજે પણ કામદારોએ ટનમાં રાત વિતાવવી પડે એવી પરિસ્થિતી ઉભી થઇ છે.

ત્યારે સિલ્ક્યારા ટનલના નિર્માણના નિષ્ણાત કર્નલ પરીક્ષિત મહેરાએ જણાવ્યું હતું કે ઓગર મશીનથી ડ્રિલિંગનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. બધુ બરાબર રહ્યું તો સાંજે પાંચ વાગ્યા સુધીમાં એસ્કેપ ટનલ બનાવવાનું કામ પૂર્ણ થઈ જશે. હવે માત્ર 9 થી 12 મીટર ડ્રિલિંગ બાકી છે.

આ સાથે ફસાયેલા કામદારોના તેમજ બચાવ કાર્યમાં જોડાયેલી ટીમના લીડર રત્નાકર દાસે જણાવ્યું હતું કે, અગાઉ કામદારોને ખાવાપીવાની વસ્તુઓ તેમજ અન્ય જરુરી ચીજ વસ્તુઓ સપ્લાય કરવામાં આવી હતી. કામદારોને દર 45 મિનિટે 4 ઇંચની પાઇપ દ્વારા અંદર જમવાની વસ્તુઓ મોકલવામાં આવી રહી છે.

તેઓને મમરા, શેકેલા ચણા, પલાળેલા ચણા, બદામ, કાજુ, કિસમિસ, પોપકોર્ન અને મગફળી આપવામાં આવી હતી. જેનો તેઓ સંગ્રહ કરીને આહારમાં લઇ રહ્યા હતાં. હવે છ ઇંચના પાઇપને ટનમાં મોકલાયા બાદ કામદારોને રાંધેલો ખોરાક આપવામાં આવી રહ્યો છે. તેમની ટીમ મજૂરો અને બચાવ કાર્યમાં લાગેલી ટીમોને નાસ્તો, લંચ અને ડિનર આપવા માટે દિવસ-રાત કામ કરી રહી છે.

Most Popular

To Top