SURAT

સી.આર. પાટીલનો પનો કયાં ટૂંકો પડી ગયો?, કહ્યું, મારું હૃદય રડે છે..

સુરત(Surat): ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (GujaratAssemblyElection) 156 બેઠકો જીત્યા બાદ રાજ્યના રાજકારણમાં સોંપો પાડી દેનાર સી.આર. પાટીલ (CRPatil) સૈંકડો કાર્યકરોની સામે શુક્રવારે સાંજે જ્યારે એવું કહ્યું કે, મારો પનો ટુંકો પડી ગયો, ત્યારે કાર્યકરો ચોંકી ગયા હતા. પાટીલે કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો જીતવામાં પનો થોડો ટૂંકો પડી ગયો. 156 બેઠકો જીત્યા બાદ નેશનલ એક્ઝિક્યુટિવમાં મારી વાત મુકતી વખતે મારી આંખમાં આંસુ નહોતા પરંતુ મારું હૃદય રડતું હતું.

શુક્રવારે તા. 24 નવેમ્બરની રાત્રિએ સુરતના ઉધના વિધાનસભા મત વિસ્તારમાં દિવાળી અને નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં ઉપસ્થિત સૈંકડો કાર્યકરોને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું હતું કે, 156 સીટ જીત્યા બાદ બધાની બોલતી બંધ થઈ ગઈ છે. નેશનલ એક્ઝિક્યુટિવમાં મારી વાત મુકતી સમયે મારી આંખમાં આંસુ નહોતા દેખાતા પરંતુ મારું હૃદય રડતું હતું. 156 બેઠક જીત્યા પણ 182 માં પનો થોડો ટૂંકો પડી ગયો. ભારતીય જનતા પાર્ટીની સેના કોઈપણ પાર્ટીને હરાવવા માટે સક્ષમ છે. કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈ છાતી ફુલી ઉઠે છે. કાર્યકર્તાઓના વિશ્વાસ અને મહેનતના કારણે ચૂંટણીમાં સારા પરિણામ મળતા હોય છે.

જેને લોકો ચૂંટે નહીં તેને નેતા બનાવી શકાય નહીં
નૂતન સ્નેહમિનલ સમારોહ કાર્યક્રમને સંબોધતા સી આર પાર્ટીલે વધુમાં કહ્યું હતું કે, વર્ષ 2022 ની ચૂંટણી પહેલાં જ નિર્ણય કરાયો હતો કે જે કાર્યકર્તા ચૂંટાઈને ન આવે અને બુથ અથવા મતવિસ્તારમા માઇનસમાં જાય તેવા કાર્યકર્તાને મહત્ત્વના પદ આપવા નહીં. જેને લોકો સ્વીકારતા નથી તેવા વ્યક્તિને નેતા કેવી રીતે બનાવી શકાય ? તેવા સવાલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાર્ટીલે નુતન વર્ષ સમારોહની અંદર ઉપસ્થિત કાર્યકર્તાઓને કર્યો હતો.

બુથના વોટની ચિંતા કાર્યકર્તાઓએ કરવાની છે
તમે જે બુથમાં રહો છો, કામ કરો છે, તે બુથમાં વોટ માઇનસમાં નહીં જાય તેની ચિંતા તમારે કરવાની છે. આવા બૂથમાંથી કાર્યકર્તા ટિકિટ માંગે તો આપતી નથી. પોતાના બુથમાં પાર્ટીને વધુ મત અપાવી શકે નહીં તેવા કાર્યકર્તાઓને ટિકિટ આપવા અંગે પાર્ટી ક્યારેય વિચારી નહીં શકે. જેથી દરેક કાર્યકર્તાઓએ પોતાના બુથને મજબૂત બનાવવા માટે કાર્ય કરવું જોઈએ.

સુરત નંબર 1 ક્લીન સિટી કેમ બનતું નથી, પાટીલે પૂછ્યો સવાલ
નવા વર્ષ નિમિત્તે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કાર્યકર્તાઓને કહ્યું હતું કે, આગામી 15 દિવસની અંદર દરેક બુથમાં પેજ કમિટીના સભ્ય, સક્રિય કાર્યકર્તાઓને મળી અલગ અલગ ઘરોની મુલાકાત માટે વહેંચણી કરી લેવામાં આવે. સુરત સ્વચ્છતામાં બીજા નંબરે છે. પરંતુ પ્રથમ નંબરે શા માટે નથી આવતું? તેવો પ્રશ્ન ભાજપ અધ્યક્ષ દ્વારા કાર્યકર્તાઓને કરવામાં આવ્યો હતો. સુરતને સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંકે લાવવા ભાજપ પ્રદેશ અધ્યક્ષે ચૂંટાયેલી પાંખ અને દરેક કાર્યકર્તાને સોસાયટીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની સાથે દરેક રવિવારે સવારે આઠ થી નવ કલાકે શેરીઓ અને સોસાયટીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા અંગેની પણ હાકલ કરી હતી..

Most Popular

To Top