Business

આગામી 5 વર્ષ સુધી UPI ડિજિટલ પેમેન્ટ સેક્ટરમાં વર્ચસ્વ જાળવી રાખશે

નવી દિલ્હી: બીએનપીએલ (BNPL) અને ડિજિટલ કરન્સી (Digital currency) જેવી નવી પદ્ધતિઓ ભવિષ્યમાં ચૂકવણીને લીડ કરે તેવી શક્યતા છે. તેમ છતાં આગામી પાંચ વર્ષ સુધી રિટેલ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) પેમેન્ટ્સમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખશે. પીડબલ્યુસી (PWC) ઈન્ડિયાએ તેના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ, બાય નાઉ પે લેટર (BNPL), સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) અને ઑફલાઈન પેમેન્ટ્સ આવતા પાંચ વર્ષમાં ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સના (Digital payments) વિકાસને વેગ આપશે.

યુપીઆઈ ડિજિટલ પેમેન્ટ સ્પેસમાં મુખ્ય યોગદાન આપવાનું ચાલુ રાખશે તેવી અપેક્ષા છે, ત્યારપછી બાય નાઉ પે લેટર આવે છે. પીડબલ્યુસી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા ધી ઈન્ડિયન પેમેન્ટ્સ હેન્ડબુક 2021-26 રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં સંખ્યાની દ્રષ્ટિએ 23 ટકાની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. આ ડિજિટલ પેમેન્ટના વ્યવહારો નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં 217 અબજ વ્યવહારો સુધી પહોંચવાની સંભાવના છે. મૂલ્યના સંદર્ભમાં, આ આંકડો આગામી પાંચ વર્ષમાં 5,900 કરોડ રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે વર્ષ 2020-21માં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ 22 બિલિયન (2,200 કરોડ) સુધી પહોંચી ગયો હતો જે વર્ષ 2025-26 સુધીમાં 169 અબજ (16,900 કરોડ) સુધી પહોંચશે તેવી આશા છે. જેની તીવ્ર વૃદ્ધિ 122 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) પર નોંધાવી શકાય છે. યુપીઆઈ દ્વારા ઓછા મૂલ્યના વ્યવહારો અને ક્રોસ બોર્ડર રેમિટન્સ માટે એશિયાના અન્ય દેશો સાથેની ભાગીદારી પણ આ વૃદ્ધિને વેગ આપી રહી છે.

બીએનપીએલ પાસે હાલમાં 36,300 કરોડ રૂપિયાના આશરે 363 અબજ વ્યવહારો છે, જે આગામી પાંચ વર્ષમાં 3,19,100 કરોડ રૂપિયાના મૂલ્યના 3,191 અબજ વ્યવહારોને પાર કરે તેવી અપેક્ષા છે. નિષ્ણાતોનું કહેવું છે કે બીએનપીએલનો વિકલ્પ ઈ-કોમર્સ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. જે હવે એપથી પેમેન્ટનો વિકલ્પ ઓફર કરતા અન્ય પ્લેટફોર્મ્સ દ્વારા અપનાવવામાં આવી રહ્યો છે. આમાં ખરીદી પર તરત જ ચુકવણી કરવાને બદલે, એક નિશ્ચિત સમય આપવામાં આવે છે. આનાથી ગ્રાહકોને ચૂકવણી કરવા માટે થોડો સમય મળે છે અને તેમને તેમની પસંદગીની ખરીદી કરવા અંગે ચિંતા કરવાની જરૂર નથી.

પીડબલ્યુસી ઈન્ડિયાના પેમેન્ટ ટ્રાન્સફોર્મેશનના પાર્ટનર અને હેડ મિહિર ગાંધીના કહ્યા અનુસાર નિયમનકારો, બેંકો, પેમેન્ટ અને ફિનટેક કંપનીઓ તેમજ કાર્ડ નેટવર્ક અને સેવા પ્રદાતાઓના સંયુક્ત પ્રયાસોથી ડિજિટલ પેમેન્ટ ઉદ્યોગ આગામી વર્ષોમાં જબરદસ્ત વૃદ્ધિ માટે તૈયાર છે. પેમેન્ટ ઉદ્યોગ આગામી કેટલાક વર્ષોમાં ગ્રાહક અનુભવ વધારવા અને ચુકવણી માટે ગ્રાહક વિકલ્પો પ્રદાન કરવા, સુરક્ષા વધારવા માટે ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજી (DLT) જેવી નવીનતાઓ અને આઈઓટી (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) જેવી ઉભરતી ટેક્નોલોજીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Most Popular

To Top