SURAT

સુરતનાં કાપોદ્રાના વેપારી પાસેથી હીરા લઈ જઈ દલાલે પહેલા ખાંડ અને પછી આ વસ્તુ પધરાવી

સુરત : કાપોદ્રા (Kapodra) ખાતે હીરાનો વેપાર કરતા વેપારી પાસેથી હીરા દલાલ 8.98 લાખના હીરા (Diamond) લઈ ગયો હતો. બાદમાં વાયદાઓ કરીને હીરા અને પૈસા નહી આપતા વેપારી તેની ઓફિસે (Office) પહોંચી ગયો હતો. જ્યાં તેણે પેકેટ ખોલતા અંદરથી ખાંડ (Suger) નીકળી હતી. બાદમાં પૈસા આપી દેવાનો વાયદો કરી ચિઠ્ઠી બનાવી હતી. પરંતુ પૈસા કે હીરા નહી મળતા અંતે વેપારીએ કાપોદ્રામાં ફરિયાદ નોંધાવી છે.

અમરોલી વરીયાવ તારવાડી ખાતે રોયલ રેસીડેન્સીમાં રહેતા 44 વર્ષીય મુકેશભાઇ રવજીભાઇ ભીકડીયા મુળ ભાવનગરના વતની છે. તેઓ કાપોદ્રા ખાતે ખાતા નંબર-૩૦૯ અમરદીપ કોમ્પ્લેક્ષ ત્રીજો માળ જુની પી.પી.સવાણી સ્કુલની બાજુમાં હીરાનો વેપાર કરે છે. તેમણે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પ્રદીપભાઇ માધવજીભાઇ ધામેલીયા (ઉ.વ.૪૨ રહે,૧૯ સત્યમ સોસાયટી ધોળકીયા ગાર્ડન પાસે જુના કતારગામ) ની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

ગત 17 એપ્રિલે તેમના સંબંધી પ્રદિપને કારખાને લઈ ગયા હતા. પોતે હીરાની દલાલી કરતો હોવાનું કહ્યું હતું. મુકેશભાઈએ તેમના હીરા 25 હજાર લેખે રોકડેથી વેચવાનું કહ્યું હતું. જેથી આ પ્રદિપે પાર્ટીને માલ બતાવવાનું કહીને હીરા લઈને ગયો હતો. ત્રણેક દિવસ પછી ફોન કરીને માલ વેચાઈ ગયો હોવાનું કહ્યું હતું. પરંતુ ત્યારપછી વાયદાઓ કરે રાખ્યા હતા. મુકેશભાઈ મહિધરપુરા તેની ઓફિસે પહોંચી ગયા હતા અને તેની પાસે હીરા ક્યાં તો પૈસા માંગ્યા હતા. પ્રદિપે આ હીરા સીલ કરીને તેમના સંબંધી નિલેશ સાથા મોકલી આપીશ તેમ કહ્યું હતું. પરંતુ તેમણે હીરા નહી આપતા બાદમાં પ્રદિપે નાટક કરીને મુકેશભાઈ પાસે એકાઉન્ટ નંબર માંગ્યો હતો. પરંતુ પેમેન્ટ નહી જમા થતા તેમણે પોતાના હીરાનું પેકેટ માંગ્યું હતું. પ્રદીપે એક પેકેટ ખોલ્યું તો અંદરથી ખાંડ નીકળી હતી. તેમણે બીજુ પેકેટ ખોલવા દીધુ નહીં અને પાર્ટી પૈસા નહીં આપે તો પોતે આપવાની જવાબદારી લીધી હતી. બાદમાં મુકેશભાઈને પ્રદિપે મહિધરપુરાના વેપારી પાસેથી હીરાના બદલે ચણાની દાળ પધરાવી ચીટીંગ કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેમણે પ્રદિપ સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 8.98 લાખના 38.30 કેરેટ હીરાનું પેકેટ બદલીને તેમાં ખાંડ નાખી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

વરાછામાં 3 મહિના પહેલા જ નોકરીએ જોડાયેલો કારીગર કારખાનામાંથી 15.06 લાખના હીરા ચોરી ગયો
સુરતઃ વરાછા ખાતે હીરાના કારખાનામાં 3 મહિના પહેલા જ નોકરીએ જોડાયેલો કારીગર માલિકની વ્યસ્તતાનો લાભ લઈને 15.06 લાખના હીરા ચોરી કરી નાસી ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા રિવરરત્ન હાઈટ્સ ફ્લેટ નં.સી/1302 માં રહેતા 51 વર્ષીય નરસિંહભાઇ ધરમશીભાઇ જાસોલીયા મૂળ ભાવનગરના શિહોરના આંબલા ગામના વતની છે. તેઓ વરાછા સવાણી રોડ હીરા પન્ના કોમ્પ્લેક્ષના બીજા માળે 212 નંબરની દુકાનમાં ભાગીદારીમાં અસીત જેમ્સના નામે હીરાનું કારખાનું ધરાવે છે. તેમના કારખાનામાં ત્રણ મહિના પહેલા જ રાજુ લક્ષ્મણભાઇ ભીલાવાડા ( ઉ.વ.23, રહે.ઘર નં.165, રણજીતનગર, સપના સોસાયટીની બાજુમાં, મારૂતીચોક પાસે, વરાછા, સુરત ) નોકરીએ જોડાયો હતો. આ સિવાય તેમને ત્યાં બીજા નવ કારીગરો કામ કરે છે. રાજુ સરીન મશીન પર કામ કરતો હતો. કારખાનાની ચાવી રાજુ પાસે રહેતી હતી. ગત 16 એપ્રિલના રોજ નરસિંહભાઈએ 15.06 લાખના રફ હીરા ઓફિસમાં ટેબલના ખાનામાં મુક્યા હતા. ત્યારપછી નરસિંહભાઈ પાંચ દિવસ હોસ્પિટલના કામમાં વ્યસ્ત હતા. હોસ્પિટલના કામથી સમય મળતા તેઓએ ગત પાંચમીના રોજ ટેબલનું ખાનું ખોલ્યું તો તેમાંથી હીરા ગાયબ હતા. તેમને સીસીટીવી ચેક કરતા ગત તા. 18 એપ્રિલે રાત્રે 9.15 થી 9.45 દરમિયાન કારીગર રાજુ ખાતાની ચાવીથી કારખાનું ખોલી ઓફિસના ટેબલમાંથી હીરા ચોરી જતો નજરે ચઢ્યો હતો. આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

Most Popular

To Top