Dakshin Gujarat

એવું તો શું થયું કે ચોર અન્ય મોંઘો સામાન મુકીને કેળાની લૂમ ચોરી કરી ગયા? ધરમપુરની ઘટના

ધરમપુર: (Dharampur) સામાન્ય રીતે ચોરો રોકડ, સોના-ચાંદીના દાગીના કે કિંમતી સામાનની ચોરી કરી જતાં હોય છે, પરંતુ ધરમપુરના બોપી ગામે દુકાનમાં આવેલા તસ્કરોએ (Thief) તો હદ કરી દીધી હતી. તસ્કરો દુકાનમાંથી કંઈપણ મોંઘી વસ્તુ નહીં, પરંતુ કેળાંની લૂમ અને પાણીની બોટલ (Water Bottle) ચોરી ગયા હતા.

પ્રાપ્ત વિગત મુજબ અનુસાર ધરમપુરના અંતરીયાળ બોપી ગામે યશવંતભાઈ સુખિયાભાઈ ચૌધરીએ પોલીસ મથકે અરજી સાથે સીસીટીવી કુટેજ જમા કરાવ્યા છે. તેમણે તા. 31 ડિસેમ્બરના રોજ રાત્રે પોતાની દુકાનમાં બે જેટલા તસ્કર યુવકો આવી ચડ્યા હતાં. જેમણે દુકાનમાં પ્રવેશી અન્ય કિમતી સામાન નહીં પરતું નજીકમાં મૂકેલી કેળાંની લૂમ થેલીમાં મૂકી પલાયન થઈ ગયા હતા, સાથે પીવાના પાણીની પ્લાસ્ટિકની બોટલો પણ જોડે લઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે બાબતે દુકાનદારે પોલીસ મથકે અરજી કરી સીસીટીવી કુટેજ પણ જમા કરાવ્યા છે. પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

વાપીમાં ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીને એક વર્ષની કેદ
વાપી : વાપીના ડુંગરા વિસ્તારમાં ચાર વર્ષ પહેલાં થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી ડુંગરા પોલીસ રજાના દિવસે કોર્ટમાં રજૂ કરવા લઈ જતી હતી. તે વેળાએ આરોપી પોલીસના જાપ્તામાંથી નાસી છૂટ્યો હતો. બાદમાં પોલીસે પકડી તેને જેલમાં ધકેલી દીધો હતો. જે ગુના હેઠળ આ કેસ વાપી કોર્ટમાં ચાલતાં કોર્ટે ચોરીના આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારી છે.

વાપીના ડુંગરા વિસ્તારમાં એક ઘરમાં થયેલી ચોરી અંગે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે આરોપી ચોર કૈલાશ બિમલા નિગવાલ (મુળ રહે.મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી હતી. 13/09/2018ના રોજ જાહેર રજા હોવાથી આરોપીને વાપી કોર્ટ કમ્પાઉન્ડની પાછળ આવેલા જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટના બંગલે મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પોલીસ જાપ્તામાં લઈ જવાતો હતો. તે દરમિયાન આરોપી કૈલાશ બિમલા નિગવાલે પોલીસ કસ્ટડીમાંથી છૂટવા પોલીસ કર્મીને ધક્કો મારી કોર્ટ કમ્પાઉન્ડની પાછળ પાલિકાના વોટર સપ્લાય કમ્પાઉન્ડની દિવાલ કૂદી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ આરોપી કૈલાશ વિરૂધ્ધ વાપી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આરોપી ગત 09/02/2022ના રોજ પોલીસને મળી આવતાં તેની ધરપકડ કરી હતી. આ કેસની સુનાવણી વાપી ત્રીજા એડિશનલ કોર્ટમાં ચાલતાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી જ્યુડિ. મેજીસ્ટ્રેટ વસુધા ત્યાગીએ આરોપી કૈલાશ બિમલા નિગવાલને 1 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top