Dakshin Gujarat

કોલકાતા સાયન્સ સેન્ટરને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીને પગલે ધરમપુર સાયન્સ સેન્ટરની ફરતે લોખંડી બંદોબસ્ત

ધરમપુર: (Dharampur) વલસાડ જિલ્લાના ધરમપુર સાયન્સ સેન્ટર (Science Center) કેન્દ્રમાં ચુસ્ત પોલીસ (Police) બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. કલકત્તાના સાયન્સ સેન્ટર ખાતે મુખ્ય ઓફિસ પર બોમ્બથી ઉડાડી દેવાના ધમકી ભર્યા ઇમેલ મળ્યા બાદ દેશભરના તમામ સાયન્સ સેન્ટર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વલસાડના ધરમપુર ખાતે આવેલા જાણીતા સાયન્સ સેન્ટરમાં વહેલી સવારથી જ પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. બોમ્બ સ્કવોડની ટીમ અને જિલ્લા પોલીસ હરકત આવી ગઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર દોડતુ થઈ ગયું હતું.

  • કલકતા સાયન્સ સેન્ટરને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીને પગલે ધરમપુર સાયન્સ સેન્ટરની ફરતે લોખંડી બંદોબસ્ત
  • સાયન્સ સેન્ટર અને સાયન્સ સેન્ટરથી ડેપો સુધીનો માર્ગ, ગાર્ડન સુધીનો માર્ગ બંધ કરી દેવાયો
  • બોમ્બ સ્કવોર્ડની ટીમ સાથે વલસાડ જિલ્લા પોલીસ હરકત આવી ગઈ

કલકત્તાના સાયન્સ સેન્ટરની મુખ્ય ઓફિસે મળેલા ધમકી ભર્યા ઈમેલથી સાયન્સ સેન્ટરને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીથી વલસાડ જિલ્લા પોલીસ તંત્ર દોડતુ થયું હતું. આ ઇમેલમાં કયું સાયન્સ સેન્ટર છે, એવું તટસ્થ જાણવા મળ્યું ન હતું, પરંતુ દેશભરના 25 જેટલા સાયન્સ સેન્ટરને એલર્ટ કરી દેવાયા હતા. વલસાડ જિલ્લા પોલીસવડાના આદેશથી જિલ્લાનું એકમાત્ર સાયન્સ સેન્ટર ખાતે વહેલી સવારથી જ પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. જેમાં બોમ્બ સ્કવોર્ડની ટીમ સહિત ડીવાઇએસપી વર્મા તથા વાપીના ડીવાયએસપી દવે કાફલા સાથે આવી પહોચતાં સાયન્સ સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં સાયન્સ સેન્ટરની બાજુમાં આવેલી નગર પાલિકાની કચેરીનું નિરીક્ષણ કર્યા બાદ ધરમપુર નગરના ત્રણ દરવાજાથી સાયન્સ સેન્ટર સુધીનો માર્ગ તથા સાયન્સ સેન્ટરથી ડેપો સુધીનો માર્ગ, ગાર્ડન રોડ સુધીનો માર્ગ સદંતર બંધ કરી દેવાયો હતો.

ધરમપુરના પીએસઆઇ પ્રજાપતિ, પીઆઇ સૂરજસિગ વસાવા તથા પીઆઇ મકવાણા, પીએસઆઇ સગર સહિત પોલીસનો કાફલો સાયન્સ સેન્ટર ખાતે ખડકી દેવાયો હતો. ધરમપુર સાયન્સ સેન્ટરની મુલાકાતે આવેલા પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા બાદ સાયન્સ સેન્ટર તરફ જતાં જાહેર માર્ગો અવર જવર માટે સદંતર બંધ કરી દેવાયા હતા. જોકે ધરમપુર સાયન્સ સેન્ટર ખાતે બોમ્બ હોવાની અફવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે બોમ્બ સ્કવોર્ડ સહિતની ટીમ કામે લાગી ગઈ હતી. જોકે બપોરે આશરે 3 કલાક સુધી સઘન તપાસ કર્યા બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ નહીં મળતા પોલીસ તંત્રે હાશકારો અનુભવ્યો હતો.

Most Popular

To Top