Dakshin Gujarat

ધરમપુરમાં અકસ્માત સર્જાયા બાદ કારમાંથી ફંગોળાતા દોઢ વર્ષની બાળકીનું મોત

ધરમપુર: (Dharampur) દમણનો માહ્યાવંશી પરિવાર સપ્તશૃંગી મંદિરે (Temple) દર્શન કરવા માટે ગયો હતો. પરત ફરતી વેળાએ ધરમપુરના ગનવા નજીક કાર ઝાડ સાથે અથડાતા કારનો (Car) કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં બેઠેલી દોઢ વર્ષની બાળકીનું ફંગોળાઈ જતાં માથાનાં ભાગે ગંભીર ઈજાને લઈ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

  • ધરમપુરમાં અકસ્માત સર્જાયા બાદ કારમાંથી ફંગોળાતા દોઢ વર્ષની બાળકીનું મોત
  • સપ્તશૃંગી મંદિરે દર્શન કરી પરત ફરી રહેલા દમણના પરિવારને ધરમપુર પાસે અકસ્માત નડ્યો

મળતી માહિતી મુજબ નાની દમણ ખાતે રહેતો માહ્યાવંશી પરિવાર મહારાષ્ટ્રના કિલવણ ગામ નજીક સપ્તશૃંગી મંદિર ખાતે દર્શન કરવા માટે ગયો હતો. બાદમાં પરત ફરતી વેળાએ ધરમપુરના ગનવા નજીક તેમની કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો હતો. જોકે, કારચાલકને નાની-મોટી ઈજા થઈ હતી, પરંતુ કારમાં બેસેલા માતા-પુત્રી ચાલુ કારમાંથી ફંગોળાઈ જતાં દોઢ વર્ષની પુત્રી કેસાકુમારી વિષ્ણુ માહ્યાવંશીને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતાં તેને 108 એમ્બ્યુલન્સમાં ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જોકે સારવાર દરમ્યાન બીજા દિવસે તેનું મોત નિપજ્યું હતું. પોલીસે લાશનું પીએમ કરાવ્યા બાદ પરિવારજનોને સુપ્રત કરતાં પરિવાર માથે આભ તૂટી પડ્યું હતું.

બલવાડા નેશનલ હાઇવે પર ટ્રક પલટી
ઘેજ : ચીખલીના બલવાડા નેશનલ હાઇવે પર સોમવારે સવારે ટ્રક રસ્તાની સાઈડમાં ઉતરી જતા ટ્રકની આગળનો કેબીનનો ભુક્કો બોલી ગયો હતો. ચીખલી તાલુકાના બલવાડા ગામે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-૪૮ ઉપર ભુરીખાડી પર સોમવારની સવારના સમયે વલસાડથી નવસારી તરફના ટ્રેક ઉપર એક ટ્રક નં – એનએલ-૦૧-એએફ-૯૫૮૭ જઇ રહી હતી. દરમ્યાન રોંગ સાઇડે આવી રહેલી એક મોટર સાયકલ ચાલકને બચાવવા જતા ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રસ્તાની સાઇડે ઊંઘી વળી જતા ટ્રકની આગળનો કેબીનનો ભુક્કો બોલી ગયો હતો. જોકે સદનસીબે ટ્રક ડ્રાઇવર-ક્લીનરનો આબાદ બચાવ થોય હતો. આ ઘટના અંગે સાંજ સુધી કોઈ ફરિયાદ નોંધવા પામી ન હતી.

વાપીના બલીઠા હાઈવે પર વાહન અડફેટે યુવકનું મોત
વાપી : વાપીના બલીઠા ને.હા.નં.48 પરથી પસાર થઈ રહેલા યુવકને કોઈક વાહનની ટક્કર જોરદાર લાગતા યુવકના માથા-કમર તથા પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક ઈસમને ખાનગી એમ્બ્યુલન્સમાં વાપી સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવકની ઉંમર આશરે 30 થી 35 છે અને તેની ઓળખ થઈ શકી નથી, જ્યારે અકસ્માત કરી ફરાર થયેલા વાહન ચાલકની પણ કોઈ ઓળખ થઈ નથી. બનાવ અંગેની જાણ સુમિતકુમાર કિશોર માહ્યાવંશી (રહે. બલીઠા)એ વાપી ટાઉન પોલીસમાં કરી હતી.

Most Popular

To Top