Madhya Gujarat

કઠલાલની માઈનોર કેનાલમાં પાક માટે પાણી છોડવા માંગ

કઠલાલ : કઠલાલ અને કપડવંજ પંથકમાં ચાલુ વરસે જોઇએ તેવો વરસાદ પડ્યો નથી. જેના કારણે ચોમાસુ પાકને સિંચાઇની તાકીદે જરૂર ઉભી થઈ છે. આ અંગે દાંપટના સરપંચે સિંચાઇ વિભાગમાં લેખિત રજુઆત કરી તાત્કાલિક દાંપટ, વાસણાની માઇનોર કેનાલમાં પાણી છોડવા માંગ કરી હતી. ખેડા જિલ્લાના કઠલાલ સહિત સમગ્ર જિલ્લામાં ચોમાસાની ઋતુ હોવા છતાં છેલ્લા કેટલાક દિવસથી પાકની જરૂરિયાત પ્રમાણેનો વરસાદ વરસ્યો નથી. ચોમાસુ પાકને બચાવવા ખેડૂતો ખૂબ જ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે.

પરંતુ ચાલુ માસે ચોમાસુ પાકને અનુકૂળ વરસાદી સિંચાઈનો લાભ ન મળતા કઠલાલના ખેડૂતો ખૂબ ચિંતાજનક બન્યા છે. જ્યારે બીજી તરફ સ્થાનિક તંત્ર અને મહી કેનાલ વિભાગ દ્વારા પણ ખેડૂતોના ચોમાસુ પાકને બચાવવા કોઈ નક્કર પગલાં લેવા માટે કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી કઠલાલ પંથકના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોની ચિંતાજનક પરિસ્થિતી સંદર્ભમાં દાંપટ ગ્રામ પંચાયતના સરપંચ સીતાબેન લક્ષ્મણભાઈ પરમાર દ્વારા દાંપટ વાસણા માઈનોરમાં પાણી છોડવા નર્મદા નહેર પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત કરવામાં આવી હતી.

આ રજુઆતની વિગતો અંતર્ગત તેઓએ જણાવ્યું હતું કે દાંપટ, દોલપુરા, જરમાળા, મહાદેવ પુરા અને કેસરપુરાના મોટા ભાગના ખેડૂતો દ્વારા ચોમાસાની ઋતુને અનુરૂપ ડાંગર સહિતના પાક કરવામાં આવ્યો છે. ત્યારે અપૂરતા વરસાદને કારણે ચોમાસું પાકને ખાસ જરૂરી સમયગાળામાં જ પાણીની અછત સર્જાઈ હોવાથી ખેતી માટે કરેલ ખર્ચનુ યોગ્ય વળતર મળશે કે કેમ તે બાબતે ચિંતા પ્રસરી છે. પાણીની અછતથી પાક ઉત્પાદનને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.વહેલી તકે દાંપટ વાસણા માઈનોર કેનાલમાં સત્વરે ખેડૂતોના હિતમાં પાણી છોડવા માંગ કરવામાં આવી છે.

મુખ્ય કેનાલમાં હેડની વધઘટના કારણે પાણી પહોંચ્યું નહતું
કઠલાલ પંથકમાં સિંચાઈ સમસ્યા બાબત નર્મદા નહેર પેટા વિભાગના નાયબ.કાર્યપાલક ઈજનેર એસ.કે.પરમાર દ્વારા જણાવાયું છે કે માઈનોરમાં પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ મુખ્ય કેનાલમાં હેડની વધઘટના કારણે છેવાડા સુધી પાણી પહોંચવામાં મુશ્કેલી ઉભી થઈ હશે.પરંતુ સોમવારથી સમસ્યાનું નિરાકરણ લાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top