SURAT

દેશમાં ઝડપથી ફેલાતો ડેલ્ટા પલ્સ કોરોના વેરિએન્ટનો સુરતમાં પ્રથમ કેસ મળી આવ્યો

સુરત: આખરે સુરત (Surat)માં પણ કોરોનાના ગંભીર મનાતા ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (Delta plus variant)નો પ્રથમ કેસ (First case) નોંધાયો છે. સુરતની સ્મીમેર મેડિકલ કોલેજ (SMIMMER)ના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી (Student)ને થયેલા કોરોનામાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ હોવાનું બહાર આવ્યું છે. જોકે, આ વિદ્યાર્થીને એપ્રિલ માસમાં કોરોના થયો હતો અને હાલમાં તે સારો પણ થઈ ગયો હોવાથી શહેરીજનોએ ગભરાવાની જરૂરીયાત નથી પરંતુ ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસને કારણે સુરત મનપાના આરોગ્ય વિભાગની ચિંતાઓ વધી જવા પામી છે.

સુરતમાં જ્યારે કોરોના એકદમ પીક પર હતો ત્યારે એપ્રિલ માસમાં જ સ્મીમેર મેડિકલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં આ વિદ્યાર્થીને માઈલ્ડ ફીવર તેમજ કફની ફરિયાદ હોવાથી તેનો તા.1લી એપ્રિલના રોજ આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ તે સમયે પોઝિટિવ આવ્યો હતો. જોકે, કોરોનાના સામાન્ય લક્ષણો હોવાને કારણે જ આ વિદ્યાર્થીને ઘરે જ આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો. બીજી તરફ મનપા દ્વારા કોરોનાના કુલ કેસ પૈકી 5 ટકા કેસનો સીરો સરવે કરવામાં આવતો હોવાથી તા.10મી એપ્રિલના રોજ આ વિદ્યાર્થીના સીરો સરવે માટે સેમ્પલ લેવામાં આવ્યાં હતાં.

ગત તા.10મી એપ્રિલના રોજ આ વિદ્યાર્થીના સેમ્પલને જીનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં. ગઈકાલે આ વિદ્યાર્થીના જીનોમ સિકવન્સિંગનો રિપોર્ટ આવી ગયો હતો. જેમાં તેને થયેલા કોરોનામાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ હોવાની પુષ્ટિ થઈ હતી. રાજ્ય સરકારે પણ આજે ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના બે કેસ જોવા મળ્યાં છે તેવી સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં સ્મીમેર કોલેજના આ વિદ્યાર્થીની સાથે બીજો કેસ વડોદરા જિલ્લાનો જોવા મળ્યો હતો. આ વિદ્યાર્થી સાજો થઈને હાલમાં ફરી કોલેજમાં ભણવા પણ માંડ્યો છે. પરંતુ જે રીતે ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો કેસ નીકળ્યો છે તેણે આરોગ્ય વિભાગની દોડધામ વધારી દીધી છે.

આ વિદ્યાર્થીના પરિવારના તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં

જ્યારે આ વિદ્યાર્થીને કોરોના થયો ત્યારે તેના પરિવારના તમામના કોરોનાના રિપોર્ટ કરવામાં આવ્યા હતાં. પરંતુ તે સમયે તમામના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં. જેથી તે સમયે મનપા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ વિદ્યાર્થીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી

મનપાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થીની જે તે સમયે કોઈ જ ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નહોતી. જેને કારણે એ પણ કળી શકાયું નહોતું કે તેને કોરોના ક્યાંથી લાગ્યો છે. હવે તેનો વેરિએન્ટ ડેલ્ટા પ્લસ હોવાનું બહાર આવ્યું છે ત્યારે તે શોધવું મુશ્કેલ છે કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ તેનામાં આવ્યો ક્યાંથી?

આ વિદ્યાર્થીઓ કોઈ વેક્સિન પણ લીધી નહોતી

જ્યારે આ વિદ્યાર્થીને કોરોના થયો ત્યારે તેણે કોઈ જ વેક્સિન લીધી નહોતી. સામાન્ય રીતે મેડિકલ કોલેજમાં ભણતા હોય તો તે વિદ્યાર્થીઓને ફેબ્રુઆરી-માર્ચ માસમાં જ વેક્સિન આપી દેવામાં આવી હતી પરંતુ આ વિદ્યાર્થી દ્વારા વેક્સિન લેવામાં આવી નહોતી. જો વેક્સિન લીધી હોત તો બની શકે છે કે તેને ડેલ્ટા પ્લસ વેરિએન્ટ હોવા છતાં પણ કોરોના થયો નહોત.

એપ્રિલ માસમાં આવેલી કોરોનાની પીક લહેર ડેલ્ટા પ્લેસ વેરિએન્ટને કારણે જ હતી કે કેમ? આરોગ્ય વિભાગ દ્વિધામાં

એવું કહેવામાં આવે છે કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ખૂબ ઝડપથી ફેલાય છે. જેને કારણે કોરોના કેસમાં અચાનક મોટો વધારો જોવા મળે છે. સુરતમાં પણ ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી કોરોનાનો પ્રથમ કેસ એપ્રિલ માસમાં જ હતો તેવું હાલમાં જાહેર થયું છે. જેથી એપ્રિલ માસમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કારણે જ સુરતમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો હતો કે કેમ? તે અંગે સુરત મનપાનું આરોગ્ય વિભાગ દ્વિધામાં પડી ગયું છે. એક તરફ એવું લોજિક છે કે જો ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કારણે જ સુરતમાં કોરોનાના કેસ વધ્યા હોય તો પછી સ્મીમેરના આ વિદ્યાર્થીની સાથે ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સુરતમાં અનેક કેસ નીકળવા જોઈતાં હતાં. સામે એવું પણ છે કે આ વિદ્યાર્થીનો સેમ્પલ તા.10મી એપ્રિલના રોજ લેવાયો હતો. જેથી ત્યારબાદ લેવાયેલા સેમ્પલો પૈકી કોઈકમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસ નીકળે તેવી હજુ પણ સંભાવના છે. મનપાના આરોગ્ય વિભાગે હાલમાં ચિંતા કરવા જેવું કશું જ નથી તેમ કહ્યું છે પરંતુ સાથે સાથે તકેદારી રાખવી તેટલી જ જરૂરી પણ છે તેવી પણ તાકીદ કરી છે.

Most Popular

To Top