National

ચારા કૌભાંડનો પર્દાફાશ અને નવી શિક્ષણ નીતિ લાગૂ કરનાર અમિત ખરેની PM મોદીના સલાહકાર તરીકે નિમણૂક

નવી દિલ્હી: (Delhi) અબજો ડોલરના ચારા કૌભાંડનો પર્દાફાશ કરનાર નિવૃત્ત આઈએએસ (IAS) અમિત ખરેને (Amit Khare) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) સલાહકાર (Advisor) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અમિત ખરે આ વર્ષે 30 સપ્ટેમ્બરે ઉચ્ચ શિક્ષણ સચિવના પદ પરથી નિવૃત્ત થયા હતા. અમિત ખરેએ સૌ પ્રથમ ઘાસચારા કૌભાંડનો (Scam) પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં ઘણા હાઈપ્રોફાઈલ રાજકારણીઓ, અધિકારી-સપ્લાયરો જેલમાં ગયા અને સજા પણ થઈ હતી. તેઓ પીએમઓમાં સલાહકાર તરીકે કામ કરશે. તેમનો રેન્ક અને સ્કેલ ભારત સરકારના કોઈ અન્ય સચિવ બરાબર હશે. તેમની આ નોકરી કોન્ટ્રાક્ટના આધાર પર હશે. આ સિવાય પુનઃનિમણૂંકને લઈને સરકારના તમામ નિયમ તેમના પર લાગૂ થશે. 

અમિત ખરે માનવ સંસાધન અને માહિતી પ્રસારણ વિભાગના સચિવ રહી ચૂક્યા છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે 1985 બેચના IS અધિકારી અમિત ખરેની નિમણૂક અંગે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. IAS અમિત ખરે આ પહેલા માનવ સંસાધન અને માહિતી પ્રસારણ વિભાગના સચિવ પણ રહી ચૂક્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિએ અમિત ખરેને પીએમના સલાહકાર તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી. PMO માં તેમની કરારબદ્ધ નિમણૂક ભારત સરકારના સચિવના ક્રમ અને સ્કેલ પર આપવામાં આવી. તે બે વર્ષ સુધી આ પદ પર રહેશે.

આ વર્ષે પૂર્વ કેબિનેટ સચિવ પીકે સિન્હા અને સચિવ રહેલા અમરજીત સિન્હાએ પીએમઓ છોડ્યુ હતું. ત્યારબાદ અમિત ખરેની પીએમઓમાં એન્ટ્રી થઈ છે અને તેમને પીએમ મોદીના વિશ્વાસુ સલાહકાર તરીકેનું સ્થાન મળ્યું છે. પીકે સિન્હા અને અમરજીત સિન્હા પણ પીએમ નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે કામ કરી રહ્યા હતા. અમિત ખરેને સ્પષ્ટ નિર્ણયો લેવા અને પારદર્શિતા સાથે કામ કરવા માટે ઓળખવામાં આવે છે. તેઓ કેટલાક સચિવોમાંથી એક છે, જેણે એક સાથે માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને સૂચના પ્રસારણ મંત્રાલયના કામકાજને સંભાળ્યું છે.

ભારતની નવી શિક્ષણ નીતિ 2020 અમિત ખરેના નેતૃત્વમાં અમલમાં આવી
નિષ્ણાતોએ આ નીતિને ભારતને વિશ્વ અગ્રણી બનાવવા માટેનો માસ્ટર પ્લાન ગણાવ્યો છે. અમિત ખરેએ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ઘણા ક્રાંતિકારી ફેરફારો કર્યા. આઇઆઇટી, આઇઆઇએમ જેવી રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓને વિશ્વકક્ષાની બનાવવા પર ભાર મૂક્યો. તેમણે લાંબા સમય સુધી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ સચિવનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.

Most Popular

To Top