National

દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ ધરપકડ કરી

દિલ્હી: દિલ્હીના (Delhi) આરોગ્ય મંત્રી (Health Minister) સત્યેન્દ્ર જૈનની મની લોન્ડરિંગ (Moneylaundering) કેસમાં ઈડીએ ધરપકડ (Arrest) કરી છે. મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ સત્યેન્દ્ર જૈન સામે કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોલકાતા સ્થિત કંપની સાથે સંકળાયેલા હવાલા વ્યવહારો સંબંધિત કેસમાં તેઓની ધરપકડ કરવામાં આવી છે. સત્યેન્દ્ર જૈન વ્યવસાયે આર્કિટેક્ટ છે. અન્નાના આંદોલનમાં તેઓએ મોટી તેમજ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમજ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે તેઓને પોતાની કેબિનેટમાં સામેલ કર્યા હતા.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે જૈન સામે અગાઉ પણ ઘણા આરોપો લાગ્યા છે. તેમજ દિલ્હી સરકારના તેઓ સૌથી વઘુ વિવાદાસ્પદ નેતા રહ્યાં છે. જૈનની ધરપકડ બાદ દિલ્હીની આપ સરકાર પર સવાલો ઊઠી રહ્યાં છે. આ પહેલા પણ દિલ્હીના કેટલાક મંત્રી પોલીસની રડારમાં આવી ચુક્યા છે. જૈનની પુત્રી સૌમ્યા જૈનને દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક માટે સલાહકાર બનાવવામાં આવી ત્યારે ઘણો હોબાળો થયો હતો. જૈન પર આરોપ છે કે તેણમે શૈલ કંપનીની મદદથી પોતાની ગેરકાયદેસર સંપત્તિને વ્હાઇટ મનીમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલાની તપાસ સીબીઆઈ પાસે ગઈ હતી. એપ્રિલમાં પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જૈન વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને જૈનના પરિવાર અને કંપનીઓની રૂ. 4.81 કરોડની મિલકતો જપ્ત કરી હતી. આ પછી ભાજપે AAP સરકાર પર નિશાન સાધતા જૈનના રાજીનામાની માંગ કરી હતી.

સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ 8 વર્ષથી નકલી કેસ ચાલી રહ્યો છે. અત્યાર સુધી EDને ઘણી વખત બોલાવવામાં આવી છે. શરૂઆતમાં EDને તેઓ સામે કાર્યવાહી કરતા કોઈ પ્રુફ મળ્યું ન હતું પરંતુ બની શકે કે ચૂંટણીના કારણે તેઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓ થોડા દિવસોમાં મુક્ત થઈ જશે કારણ કે આ કેસ સંપૂર્ણ રીતે નકલી છે. વઘુમાં તેઓએ કહ્યું હતું કે હિમાચલમાં બીજેપી ખરાબ રીતે હારી રહી છે. તેથી જ આજે સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી છે.

સત્યેન્દ્ર જૈનની ધરપકડની સાથે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. ભાજપ નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યુ કે, જે ખોટુ કરશે તેના સામે પગલા ભરાવાના નક્કી છે. તો કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યુ કે, કેન્દ્રીય એજન્સીઓ પર વિશ્વાસ ન કરી શકાય કારણ કે તે ભાજપના ઈશારા પર કામ કરી રહી છે. 

Most Popular

To Top