Charchapatra

જોખમકારક મૌન

નેપોલિયને કહ્યું હતું કે આ દુનિયા દુ:ખી થાય છે. તેને માટે ખરાબ માણસોનાં કૃત્યો કરતાં સારાં માણસોનું મૌન વધારે જવાબદાર છે. નહીં તો આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં પણ આપણો દેશ-વરુઓનું વન બની જાય? ધર્મ ઝનૂની પાગલ કોઇ નિર્દોષ યુવતીનું જાહેરમાં ખૂન કરે અને બાકીનાં લોકો જાણે મદારીનો ખેલ જોવા ભેગાં થયાં હોય એવી રીતે તમાશો જોવા ભેગાં થાય?  મારું શું અને મારું શું આ બે પ્રશ્નો બહુ ઘાતક નીવડી રહ્યા છે.સરસ્વતીના મંદિરને રાણીવાસ બનાવનાર લંપટ શાળા સંચાલકો હોય કે કોઇ નિરાધાર વિધવાના કાયદેસરના કામ માટે લાંચ માંગનારો સરખા જ નરાધમ કહેવાય. થોડા પૈસા ખાતર ઘાતકી ભેળસળ કરનાર વેપારી પકડાઈને કયારેક ભ્રષ્ટ નીતિ રીતિ વાપરી છૂટી જાય છે. ત્યારે સારા માણસોનું મૌન એ ભેળસેળ કરતાં વધુ ઘાતકી નિવડે છે. વધતી મોંઘવારી અને બેકાયદાપણાને કારણે ઓછી મહેનતે પૈસા કમાવવા લૂંટફાટ કરનારાઓ ઠેર ઠેર ઊતરી પડયા છે અને ધાર્મિક ઝનૂનીઓ છેલ્લાં પચ્ચીસ વર્ષથી બેફામ બની રહ્યાં છે. એક પછી એક  શાસનમાં ભ્રષ્ટાચાર માઝા મૂકતો જાય છે અને આપણે ઉંહકારો ભરવાની પણ શક્તિ ગુમાવતા જઈએ છીએ.
સુરત     – ધનસુખભાઈ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

તમે સ્ત્રીઓ વિશે શું વિચારો છો?
સ્ત્રી અને પુરુષ ઘણી વખતે એકબીજા સાથે ચર્ચા કરે છે. એક બહેને મને કહ્યું હતું કે પુરુષો પાપ કરે એટલે સ્ત્રીઓએ મંદિરે જવું પડે, પૂજાપાઠ કરવા પડે. રામકથા ચાલતી હોય તો તેમાં બહેનોની સંખ્યા વધુ હોય છે. તેઓ સંતો (બની બેઠેલા, ઠગ) પાસે વધુ જાય છે. સ્ત્રીઓ ભોળવાઈ જલદી જાય છે. મારો એક મિત્ર કહે છે કે તમે સ્ત્રીઓના વિરોધી છો, પરંતુ સ્ત્રીઓ ફિલ્મની અંદર કંઈક ફેશન આવી તો એની તરત નકલ કરે છે. તેઓ વહેમ અંધશ્રધ્ધા વગેરેમાં મહદ્ અંશે વધુ માનતા હોય છે. સ્ત્રીઓ ફોન પર ચીટરને તેમની બેંક માહિતી એટીએમ કાર્ડ નંબર આપી દે છે. મારી દૃષ્ટિએ સ્ત્રીઓ ભોળી હોય છે. જો કે આજે સ્ત્રીઓ થોડી સ્માર્ટ પણ બની છે. તેમ છતાં ગામડાની ઘણી સ્ત્રીઓ વહેમમાં માનનારી છે એ હકીકત છે. હું સ્ત્રીઓનો વિરોધી નથી પણ જે હકીકત છે તે જણાવું છું. ચર્ચાને અવકાશ છે. સ્ત્રીઓના કારણે યુધ્ધ થયા છે. રામાયણ અને મહાભારત યુધ્ધ સ્ત્રીઓના કારણે જ થયાં  હતાં.
નવસારી  – મહેશ નાયક- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top