Dakshin Gujarat

ડાંગના આ જાણીતા ડુંગર નજીક જંગલમાં એકાએક દવ ફાટી નીકળતાં અફરા તફરીનો માહોલ સર્જાયો

સાપુતારા: (Saputara) તાજેતરમાં જ પાનખર પૂર્ણ થઇ હોવાથી જંગલમાં (Jungle) ઠેર ઠેર સૂકા પાંદડાઓના ઢગલા થઇ ગયા છે. જેથી ડાંગ જિલ્લાનાં ઉત્તર અને દક્ષિણ વન વિભાગનાં (Forest Department) નેજા હેઠળ જુદા-જુદા વિસ્તારમાં માર્ગોની સાઈડમાં ફાયર (Fire) લાઈન બનાવવાની કામગીરી પણ ઘનિષ્ટ રીતે હાથ ધરાઈ છે. વન વિભાગ દ્વારા જંગલોને નુકસાન ન થાય તે માટે ફાયર લાઈન બનાવી સૂકો કચરો સળગાવી દેવામાં આવે છે. ત્યારે ડાંગ જિલ્લાનાં (Dang District) દક્ષિણ વન વિભાગનાં ગલકુંડ રેન્જનાં કાંચનઘાટ પાસેનાં ઘોરપડ્યા ડુંગર નજીકનાં જંગલમાં એકાએક દવ ફાટી નીકળતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

  • ડાંગનાં ગલકુંડ રેન્જનાં ઘોરપડ્યા ડુંગર નજીકનાં જંગલમાં દવ ફાટી નીકળ્યો
  • દવ આકસ્મિક રીતે મહારાષ્ટ્રમાં લાગ્યો હોવાથી ફેલાઈને કાંચનઘાટ જંગલ વિસ્તારમાં ફેલાયો

કાંચનઘાટ જંગલ વિસ્તારમાં લાગેલા ભયાનક દવનાં પગલે જંગલની વનસ્પતિ અને સૂકા ઝાડ બળીને ખાખ થઈ જવા પામ્યા હતા. ગલકુંડ રેન્જ નજીક લાગુ જંગલ વિસ્તાર મહારાષ્ટ્રને જોડતો હોવાથી આ દવ મહારાષ્ટ્રનાં જંગલમાંથી લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. ડાંગ જિલ્લાનાં કાંચનઘાટ નજીક જંગલ વિસ્તારમાં દવ લાગ્યાની જાણ ડાંગ ગલકુંડ રેન્જનાં આર.એફ.ઓ. બી.ઓ.પરમારને થતાં તેઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઈ દવને કાબુમાં લેવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો.

આ બાબતે બી.ઓ.પરમારે જણાવ્યું હતું કે, ‘ગલકુંડ રેન્જનો કાંચનઘાટ જંગલ વિસ્તાર મહારાષ્ટ્રનાં સરહદને અડીને આવેલો છે. જેથી આ દવ આકસ્મિક રીતે મહારાષ્ટ્રમાં લાગ્યો હતો અને દવ ફેલાઈને કાંચનઘાટ જંગલ વિસ્તારમાં ફેલાયેલો હતો. દવ લાગ્યાની જાણ અમોને થતા હાલમાં વનકર્મીઓની ટીમે આ દવને કાબુમાં લેવા માટે ઓપરેશન હાથ ધર્યુ છે. સાંજ સુધીમાં આ દવ કાબુમાં આવી જશે.’

Most Popular

To Top