Dakshin Gujarat

ડાંગમાં છેલ્લા કેટલાક દિવસની મેઘમહેરને પગલે સ્થળો મનમોહક બનતા પ્રવાસીઓનો ઘસારો

સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લામાં (Dang District) ધીમી ધારનો સાર્વત્રિક વરસાદ (Rain) યથાવત રહેતા સમગ્ર સ્થળોનું વાતાવરણ આહલાદક બની ગયું હતું. રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘમહેરે માઝા મુકતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી છે. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં હાલનાં તબક્કે વિધિવત મેઘમહેર યથાવત રહેતા ડાંગી ખેડૂતો રોપણીમાં વ્યસ્ત બન્યા છે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે જોવાલાયક સ્થળોમાં વઘઇનો ગીરાધોધ, ગિરમાળનો ગીરાધોધ, બોટનીકલ ગાર્ડન, ડોન હિલ રિસોર્ટ, મહાલ કેમ્પ સાઈટ, કીલાદ કેમ્પ સાઈટ સહીતનાં સ્થળો મનમોહક (Delightful) બની જતા દિવસેને દિવસે અહી પ્રવાસીઓનો ઘસારો નોંધાઈ રહ્યો છે.

  • વરસાદી માહોલની સાથે ગાઢ ધુમ્મસ છવાતા પ્રકૃતિનું કુદરતી સૌંદર્ય નીખરી આવ્યું
  • સાર્વત્રિક વરસાદ યથાવત રહેતા સમગ્ર સ્થળોનું વાતાવરણ આહલાદક

ગુરુવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, વઘઇ, આહવા સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં ધીમી ધારનો સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે પણ હાલમાં રોજેરોજ સમયાંતરે વરસાદી માહોલની સાથે સર્જાતી ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર પ્રવાસીઓને પ્રકૃતિનાં કુદરતી સૌંદર્યની યાદગીરી આપી રહ્યુ છે. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર બુધવારે સાંજે 6 વાગ્યાથી ગુરુવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમ્યાન આહવામાં 23 મી.મી., વઘઇમાં 07 મી.મી., સુબિરમાં 25 મી.મી. અર્થાત 1 ઈંચ, જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 43 મી.મી. અર્થાત 1.72 ઈંચ જેટલો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.

મધુબન ડેમમાંથી 2.50 લાખ ક્યુસેક પાણી છોડાયું

દમણ : મધુબન ડેમમાંથી 2.50 લાખ ક્યુસેક પાણી દમણ ગંગા નદીમાં છોડતાં દમણ સહિતના આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરાયા હતા. છેલ્લા 5 દિવસથી દાનહ અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતા મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડતાં પાણીની આવક વધતાં ડેમની સપાટી ભયજનક સ્થિતિની લગોલગ આવી જતાં ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારે બુધવારના રોજ મોડી સાંજે મધુબન ડેમમાંથી 2.50 લાખ ક્યૂસેક પાણી યોજનાબદ્ધ રીતે છોડવાનું નક્કી કરતાં સેલવાસ અને દમણ સહિતના આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સચેત કરવામાં આવ્યા હતા. ત્યારે દમણમાં પણ નદી કિનારા પાસે આવેલા નીચાણવાળા વિસ્તાર ખારીવાડ, ખારાવાડ સહિતના અન્ય વિસ્તારોમાં રહેતા લોકોને પ્રશાસન દ્વારા માઈક મારફતે સચેત રહેવા જણાવ્યું હતું.

સાથે ડેમ મારફતે નદીમાં છોડાયેલું પાણી પ્રદેશમાં ફેલાઈ અને હોનારત સર્જે એ પહેલા જ પ્રશાસને તકેદારીના ભાગ રૂપે તમામ શેલ્ટર હાઉસને ખોલી નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતરીત કરવાની કાર્યવાહી પણ કરવાની તૈયારી દાખવી હતી. દમણ પોલીસ દ્વારા પણ મોટી દમણ અને નાની દમણને જોડતાં પુલ ઉપર રાત્રી દરમ્યાન બેરી ગેટ્સ મુકી પેટ્રોલિંગ કાર્ય શરૂ કર્યું હતું. સદનસીબે દરિયાની ભરતીનું જોર ઘટતાં અને લો-ટાઈડ શરૂ થઈ જવાને લઈ ડેમમાંથી છોડાયેલો ધમધસતા પાણીનો પ્રવાહ દરિયામાં સમાઈ ગયો હતો.

Most Popular

To Top