Madhya Gujarat

કાદવ, કીચડ અને ગંદકીના ઢગથી દાહોદ બન્યુ સ્માર્ટ વેસ્ટ સિટી

દાહોદ: દાહોદ શહેરને સમાર્ટસીટીમાં સામેલ કર્યા બાદ આધુનિક સુવિધાથી પરિપૂર્ણ સ્માર્ટ સીટી દાહોદ કેવું બનશે?તેવી વિવિધ પ્રકારની પરી કલ્પના દાહોદવાસીઓએ કરી હશે.. પરંતુ 1000 કરોડની સ્માર્ટસીટી યોજનામાં સ્માર્ટ સીટી અંતર્ગત દાહોદમાં 50% થી પણ વધારે કામગીરી કર્યા બાદ પણ સુખ સુવિધાની નામે મીંડું છે.સ્માર્ટ સિટીના નામે પ્રજા છેતરાઈ હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. લોકહિતમ કરણીયમનું સૂત્ર અપનાવી દાહોદવાસીઓને સુખાકારી તેમજ સુવિધા યુક્ત સેવા આપવાની ગુલબાંગો પોકારતી પાલિકા તંત્રની પોલ પ્રજા સમક્ષ ખુલવા પામી છે.

એક તરફ સ્માર્ટ સિટીના નામે ખર્ચાયેલા નાણા બીજી તરફ નગરપાલિકા દ્વારા કરાયેલા કરોડો રુપિયાના કામોની વચ્ચે દાહોદ શહેરના તમામ વોર્ડના  ડામરના હોય કે RCC તમામ રસ્તા ભૂતકાળમાં સ્માર્ટ સિટીના નામે ખોદાયા..અને ત્યારબાદ તબક્કા વાર રીસર્ફેસિંગમાં  પુનઃ રસ્તા બનાવવામાં આવ્યા.પરંતુ પ્રજાના વેરારૂપે ભરેલા કરોડો રૂપિયાના આંધણ કર્યા બાદ પણ દાહોદ શહેરના તમામ વિસ્તારોના રસ્તાઓ હાલ તૂટેલી હાલતમાં નજરે પડી રહ્યા છે.ઠેર-ઠેર ખાડાઓ પડી જતા કાદવ કિચડ વાળુ સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે. સાથે-સાથે દાહોદમાં કચરા કલેક્શન માટે  ડોર ટુ ડોર કચરા કલેક્શન કરવા માટે નીકળતી ગાડીઓ ફક્ત અને ફક્ત કાગળ પર જ ચાલતી હોય તેમ જોવાય છે.

કાગળ પર ચાલતી ઢોર ટુ ડોર કચરા કનેક્શન ગાડીઓ તેમજ વાસ્તવિકતામાં કચરો કલેક્શન કરતી ગાડીઓમાં પણ તફાવત જોવા મળી રહ્યો છે.હાલ આખા દાહોદ શહેરમાં ગણતરીની ચાર કે પાંચ ગાડીઓ દ્વારા કચરા કનેક્શન કરવામાં આવી રહ્યો છે. જેના પગલે ઠેર-ઠેર ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. અધુરામાં પૂરું પાલિકા તંત્ર ગંદકીના મામલે કોઈ નક્કર કામગીરી કરવાની બદલે સ્માર્ટ સિટીના સર્વેક્ષણમાં આંકડાઓની બાજીગરી કરી પોતાની નાકામયાબી પર  ઢાંકપીછોડો કરતી જોવા મળી રહી છે. તેમજ  દાહોદ શહેરને પીવાનું શુદ્ધ પાણી સમયસર આપવામાં પણ પાલિકા તંત્ર વામણું પુરવાર થયું છે.

રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે  કડાણા જળાશય આધારિત પીવાની પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે.તો બીજી તરફ પાટાડુંગરી જળાશયમાં પણ પૂરતો જથ્થો હોવા છતાં દાહોદ દાહોદ શહેરના કેટલાક વિસ્તારોમાં ત્રણ દિવસે તો કેટલાક વિસ્તારોમાં પાંચ દિવસે પાણી આપવામાં આવતા સુખ સુવિધાથી પરિપૂર્ણ સ્માર્ટ સિટીની ઝંખના કરતા દાહોદ વાસીઓને પીવાના પાણી માટે રીતસર વલખા મારવા મજબૂર બન્યા છે. હાલ ચોમાસાની સિઝન ચાલતી હોય નગરમાં આવેલા ખુલ્લા પ્લોટો  ખાન ઉકરડા બની જવા પામ્યા છે.

તેમજ ઠેર-ઠેર ગંદકીની ભરમારોથી પાણીજન્ય તેમજ મચ્છર જન્ય રોગો ફાટી નીકળવાના અણસાર પણ જોવાઈ રહ્યા છે.ચોમાસા દરમિયાન પાણીજન્ય તેમજ મચ્છર જન્ય રોગ ન ફેલાય તે માટે  પાલિકાતંત્રમાં સમાવિષ્ટ મલેરિયા વિભાગ, તેમજ સેનેટરી વિભાગ ગાઢ નિંદ્રામાં પોઢી ગયું હોય તેમ જોવાઈ રહ્યું છે.ચોમાસુ મધ્યમાં છે. પરંતુ પાલિકાના ઉપરોક્ત વિભાગ દ્વારા ચોમાસાની ઋતુ  દરમિયાન પાણીજન્ય તેમજ મચ્છર જન્યની રોગોને નાથવા માટે કોઈ નક્કર કામગીરી કરી હોય તેવું પણ પ્રજા સમક્ષ દેખાયું નથી.અધુરામાં પૂરું ઘરવેરા, સફાઈવેરા,પાણી વેરા,ખાસ પાણી વેરા, ખાસ સફાઈવેરા , દિવાબત્તી વેરા સહિતના વિવિધ વેરા ભરતા દાહોદ વાસીઓને પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે પાલિકા તંત્ર તરફથી ઘોર નિરાશા જ મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે “અંધેર નગરી ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા” ઉક્તિને સાર્થક કરતા પાલિકા તંત્રમાં  અંધેર વહીવટ ચાલતો હોય તેમ ચૂંટાયેલી પાખના સભ્યો દાહોદ વાસીઓને પડતી સમસ્યાઓ તેમજ અસુવિધાઓને દૂર કરવાના બદલે તમામ દોષનો ટોપલો સ્માર્ટ સિટી પર ઢોળી અમે તો ફક્ત લાભાર્થી છે.તેમ લૂલો બચાવ કરી પોતાની જવાબદારીમાંથી છટકી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. જોકે આ તમામ બાબતોની વચ્ચે પાલિકા તંત્ર જાગ્યા ત્યાંથી સવાર સમજી દાહોદ વાસીઓની પડતી મુશ્કેલીઓ તેમજ હાલાકીઓને ગંભીરતાથી લઇ કોઈ નક્કર એક્શન પ્લાન બનાવી પ્રજાલક્ષી કામ કરે તેવી લાગણી તેમજ માંગણી પ્રવર્તમાન સંજોગોમાં દાહોદવાસીઓમાં ઉઠવા પામી છે.

Most Popular

To Top