Business

દક્ષિણ ભારતમાં કમોસમી વરસાદ અને સાયક્લોનની અસર સુરતના ટેક્સટાઈલના વેપાર પર

સુરત : દક્ષિણ ભારતમાં કમોસમી વરસાદ (Rail) અને સંભવિત સાયક્લોનની (Cyclone) અસર સુરતના ટેક્સટાઈલ (Surat Textile) વેપાર પર પણ પડી છે. દક્ષિણ ભારતનો સૌથી મોટા તહેવાર પૈકીના પોંગલ અને નાતાલ તહેવાર પર વર્ષે માત્ર સુરતથી જ 1200થી 1500 કરોડ રૂપિયાનો ટેક્સટાઈલનો માલ જતો હોય છે જ્યારે આ વર્ષે હજી સુધી માત્ર 400થી 500 કરોડનો માલ ગયો છે. તેના કારણે સુરતના વેપારીઓમાં ચિંતાનો માહોલ છે.

  • પોંગલ અને નાતાલ તહેવાર પર સુરતથી 1200થી 1500 કરોડ રૂપિયાનો ટેક્સટાઈલનો માલ જાય છે
  • આ વર્ષે હજી સુધી માત્ર 400થી 500 કરોડનો માલ જતા સુરતના વેપારીઓમાં ચિંતાનો માહોલ

દક્ષિણ ભારતમાં પોંગલ એક મોટો તહેવાર છે. તેમાં ત્રણ દિવસ સુધી લોકો નવા કપડા પહેરે છે. ચોખાની અવનવી વાનગીઓ બનાવે છે. પોંગલ 13-14-15 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવશે. દર વર્ષે પોંગલના એક મહિના પહેલા સુરતથી ટેક્સટાઈલનો માલ જતો હોય છે. દર વર્ષે 1200થી 1500 કરોડ રૂપિયાનો માલ જતો હોય છે. આ વર્ષે હજી સુધી 400થી 500 કરોડ રૂપિયાનો માલ રવાના થયો છે. સાઉથના વેપારીઓ હાલ કોઈ રસ દાખવતા નથી. તેવામાં સાઉથમાં કમોસમી વરસાદ પડ્યો છે. ચેન્નાઈ સહિતના દરીયા કિનારાના વિસ્તારોમાં સાયક્લોન વાવાઝોડાની અસર જણાઈ રહી છે. આજરોજ પણ ચેન્નાઈમાં વાવાઝોડાની થોડી અસર જોવા મળી છે. તેના કારણે સાઉથના વેપારીઓ પોતે ચિંતામાં છે. એટલે હાલમાં કેટલાક વેપારીઓ માલ મંગાવવાના મુડમાં નથી. જો માલ મંગાવી લે અને મોટા પાયે વાવાઝોડું ત્રાટકશે તો તેઓનો માલ ત્યાં કોઈ ખરીદશે નહીં તેથી હાલ ત્યાં વેપારીઓ રાહ જુઓની નિતી અપનાવી રહ્યા છે. બીજી તરફ ત્યાં કેટલાક વેપારીઓ પાસે દિવાળીનો પણ માલ પડેલો છે. આ બાબતે ફોસ્ટાના પ્રવક્તા રંગનાથ શારડાએ જણાવ્યું હતું કે પોંગલના 10 દિવસ પહેલા માલ ડિસ્પેચ કરવાનું બંધ કરી દેવાય છે. હાલ વેપારીઓ ઓર્ડર નથી આપતા ત્યારે સુરતના વેપારીઓને ચિંતા થઈ છે. કેટલાક વેપારીઓ પાસે દિવાળીનો માલ પડેલો છે તેથી પણ આ વખતે પોંગલમાં 50 ટકા પણ ઓર્ડર મળ્યો નથી.

Most Popular

To Top