Editorial

ભારતમાં સાયબર ગુનાખોરી વૈશ્વિક સરેરાશ કરતા બમણી: આઘાત અને ચિંતાની બાબત

આજે ઇન્ટરનેટને કારણે આપણા ઘણા કાર્યો સરળ થઇ ગયા છે. નાણાકીય વ્યવહારો કરવાનું પણ ઘણુ સરળ બની ગયું છે. નેટબેકિંગ જેવી સુવિધાને કારણે વ્યક્તિ ઘરમાં કે ગમે ત્યાં બેઠા બેઠા પોતાના બેંક ખાતાનું બેલેન્સ જાણી શકે, વિવિધ પ્રકારના બિલોની ચુકવણી કરી શકે, સેંકડો કે હજારો કિલોમીટર દૂર બેઠેલા પોતાના કોઇ સંબંધી કે મિત્રને નાણા મોકલી શકે, ઘણુ થઇ શકે છે. પહેલા ઘણા નાણાકીય વ્યવહારો માટે બેંકમાં જવું પડતું હતું, જે હવે ઘર કે ઓફિસમાં બેઠા બેઠા થઇ શકે છે.

પરંતુ આ સગવડો વધવાની સાથે જોખમ પણ વધ્યું છે. ઓનલાઇન વ્યવહારો કરનાર વ્યક્તિ જો પુરતી કાળજી નહીં રાખે તો તેનુ બેંક ખાતુ સફાચટ થઇ જઇ શકે છે. નાનકડી ભૂલ કે ગફલત ક્યારેક મોટી નુકસાનીમાં પરિણમી શકે છે. ઇન્ટરનેટને કારણે નાણાકીય વ્યવહારો સરળ બન્યા છે, તે સાથે જ બીજાના નાણા પર ઘાત લગાવીને બેઠેલા અને તક જોઇને તફડંચી કરી લેનારાઓનો એક વિશાળ સમૂહ પણ અસ્તિત્વમાં આવ્યા છે.

દુર્ભાગ્યે કોઇ પણ વસ્તુનો દુરુપયોગ કરનારાઓની સંખ્યા આપણા દેશમાં મોટી જ રહે છે અને જેમને સાયબર અપરાધ કહે છે તેવા ગુનાઓ આચરનારાઓનું પ્રમાણ પણ આપણા દેશમાં ઘણુ મોટું થઇ ગયું છે. હાલમાં બહાર આવેલી વિગત પ્રમાણે ૨૦૨૧ના વર્ષમાં ભારતે સાયબર ક્રાઇમમાં તેના અગાઉના વર્ષ કરતા મોટો ઉછાળો જોયો છે અને તે વર્ષે દેશભરમાં બાવન હજાર સાયબર અપરાધના બનાવો નોંધાયા હતા, અને વણનોંધાયેલા બનાવો તો ઘણા હશે. અને વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે ભારતમાં સાયબર અપરાધોનું પ્રમાણ આવા અપરાધોની વૈશ્વિક સરેરાશના બમણા જેટલું છે એમ ખુદ આપણા દેશના સાયબર સુરક્ષાના સંકલનકારે કહ્યું છે.

ભારતીય સાયબરસ્પેસમાં સાયબર અપરાધોના બનાવોની સંખ્યા વૈશ્વિક સરેરાશની સરખામણીમાં લગભગ બમણા જેટલી છે એમ નેશનલ સાયબર સિક્યુરિટી કોઓર્ડિેનેટર એમ. યુ. નાયરે હાલમાં જણાવ્યું હતું. સિનર્જીય કન્ક્લેવ ૨૦૨૩ ખાતે એલાઇનિંગ ટેકનોલોજીસ ટુ ફ્યુચર કન્ફ્લીક્ટ્સ સેસનને સંબોધન કરતા નાયરે જણાવ્યું હતું કે છેલ્લા દસ મહિનામાં રેન્સમવેર એટેક પેમેન્ટો ૧.૫૪ અબજ ડોલર જેટલા થયા છે જે ૨૦૨૨થી બમણા છે. આ ચુકવણીઓ તો હિમશીલાની ટોચ જેવી છે કારણ કે આવા ઘણા બનાવો તો નોંધાયા વિનાના રહેતા હોય છે એમ તેમણે જણાવ્યું હતું.

નાયરે જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનામાં ૨૧૨૭ બનાવોની સરેરાશનથી ભારતીય સાયબરસ્પેસમાં સાયબરબનાવો બન્યા છે જે ૧૧૦૮ની વૈશ્વિક સરેરાશ કરતા ઘણા વધારે છે. તેમણે કહ્યું હતું કે આ વિશ્વના દેશો માટે એ સમય આવી ગયો છે કે તેઓ સાયબરસ્પેસ પર વિધ્વંસક વ્યવહારોને રોકવા માટે સહકાર કરે. આ દિશામાં એવી ઘણી પહેલ યુએન અને પ્રાદેશિક ફોરમો દ્વારા કરવામાં આવી છે જ્યારે વિશ્વના દેશો સાયબરસ્પેસની આવી સમસ્યાઓનો ઉકેલ ઇચ્છે છે જ્યારે આવા બનાવો રાષ્ટ્રીય સરહદોની અંદર પુરતા મર્યાદિત રહેતા નથી એમ તેમણે કહ્યું હતું.

વૈશ્વિક સ્તરે સાયબર ક્રાઇમને નાથવા માટે વિશ્વના દેશો એકબીજા સાથે સારો સહકાર કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પ્રયાસોની બાબતમાં નાયરે જણાવ્યું હતું કે યુએન ગ્રુપ ઓફ ગવર્મેન્ટ એક્સપર્ટ્સની રચના એ આ દિશામાં એક નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય પ્રયાસ છે. વધુમાં આઇસીટીઝનો ઉપયોગ અપરાધી હેતુઓ માટે કરવાની બાબતનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્ીય સહકાર માટે એક એડહોમ કમિટિની રચના કરવામાં આવી છે. સાયબર ક્રાઇમને નાથવા આંતરરાષ્ટ્રીય સહકાર તો થાય છે પરંતુ આપણા દેશની અંદર આપણા જ દેશના ગુનાખોરો દ્વારા થતા સાયબર અપરાધો આપણા માટે મોટી ચિંતાની વાત છે.

ભારતમાં સાયબર અપરાધો મોટે ભાગે ફિશિંગ દ્વારા વધુ થાય છે. ઇન્ટરનેટ વ્યવહાર વધ્યા છે પરંતુ આ વ્યવહારો કરનારા ઘણા લોકોમાં હજી તે માટેની પુરતી કાબેલિયત નથી તેનો લાભ સાયબર અપરાધીઓ બરાબર ઉઠાવે છે. કોઇ અજાણ્યા નંબર પરથી ફોન આવે, કોઇ સ્કીમની કે નાણાકીય લાભની લાલચ આપવામાં આવે, ફોન રિસિવ કરનારને કોઇ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે કે પછી લિંક ખોલવાનું કહેવામાં આવે અને તેમ કરતા જ થોડી વારમાં તો તે વ્યક્તિના ખાતામાંથી નાણા ખેંચાઇ ગયા હોય! આવા ગોરખધંધાઓ કરનારાઓ દેશમાં ઠેરઠેર છે અને ઝારખંડનું એક જામતાડા નામનું ટાઉન તો આના માટે દેશભરમાં કુખ્યાત બની ગયું છે, જે ટાઉન સાયબર અપરાધીઓથી ભરેલું છે.

સાયબર અપરાધો માત્ર નાણાકીય વ્યવહારો પુરતા જ મર્યાદિત નથી. કોઇના ફેસબુક વગેરેના એકાઉન્ટ હેક કરવા, તેમાં વાંધાજનક સામગ્રી મૂકી દેવી, કોઇના મેઇલ એકાઉન્ટ હેક કરવા વગેરે બનાવો પણ બનતા હોય છે, જો કે ભારતમાં સાયબર અપરાધો મોટે ભાગે નાણાકીય પ્રકારના જ વધારે હોય છે. જાન્યુઆરી ૨૦૨૦થી જૂન ૨૦૨૩ સુધીમાં ભારતમાં ૭પ ટકા આવા ગુનાઓ નાણાકીય પ્રકારના હતા. તેમાં પણ પ૦ ટકા નાણાકીય સાયબર ગુનાઓ યુપીઆઇ કે ઇન્ટરનેટ બેંકિંગને લગતા હોય છે. સાયબર અપરાધો સામે લોકોને સુરક્ષિત બનાવવા માટે વ્યાપક લોક જાગૃતિના પ્રયાસોની જરૂર છે અને સાયબર અપરાધ અંગે કડક કાયદાઓની જરૂર છે.

Most Popular

To Top