SURAT

ગુજરાતનાં શિક્ષણ પર સવાલ ઉઠાવતી આપ પાર્ટીને સી.આર પાટીલનો સણસણતો જવાબ

સુરત: વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓનો જુસ્સો પણ વધી રહ્યો છે. આ વખતે ભાજપ(BJP)ને પડકાર ઉભો કરનાર આમ આદમી પાર્ટી(AAP) દિલ્હી(Delhi)નાં શિક્ષણ મોડેલને આગળ કરી ગુજરાત (Gujarat)માં શિક્ષણ(Education) ખાડે ગયું હોવાના આક્ષેપ કરે છે. ત્યારે સુરતમાં અડાજણ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદઘાટન કરતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે(C.R Patil) આમ આદમી પાર્ટીને જવાબ આપતા કહ્યું હતું કે, કેટલાક લોકો પોતે બનાવેલી સ્કૂલો પર અહીં લોકોને ભરમાવવાનું કામ કરી રહ્યા છે. પરંતુ તે ભુલી રહ્યા છે કે, ગુજરાતમાં 40 હજાર સ્કૂલો છે અને તેમાં પણ દેશમાં એક માત્ર સુરત શહેર એવું છે જ્યાં સાત અલગ અલગ ભાષાની સ્કૂલોમાં જુદા જુદા રાજ્યના બાળકોને મફત શિક્ષણ આપવાની વ્યવસ્થા છે.

  • સુરતમાં 7 ભાષામાં સ્કૂલો છે: ખાનગી સ્કૂલોના 21 હજાર બાળકો સરકારી સ્કૂલમાં આવ્યા
  • ખોટી વાતો કરનારા સુરત આવીને તપાસ કરી જુવે ‘કેવું શિક્ષણ આપીએ છીયે’
  • દિલ્હીમાં શ્રેષ્ઠ શિક્ષણના દાવાને સી.આર.પાટીલે સુરતમાં જવાબ આપ્યો

મનપા દ્વારા ગુરૂવારે અડાજણ સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને સુમન સ્કૂલમાં ઈન્ટરએક્ટિવ સ્માર્ટ બોર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ગુજરાતના શિક્ષણને શ્રેષ્ઠ ગણાવી આડકતરી રીતે દિલ્હીના સીએમ કેજરીવાલને પડકાર ફેંક્યો હતો. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખાનગી સ્કૂલોમાંથી ૨૧ હજાર કરતાં વધુ બાળકોએ સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે. તમામ શાળાઓમાં સ્માર્ટ બોર્ડ લગાવાયાં છે. ગુજરાતમાં ખોટી વાતો કરનારાઓએ ગુજરાતની શાળાની મુલાકાત લેવી જોઈએ. થોડા દિવસો પહેલાં જ કેજરીવાલે ટ્વીટરના માધ્યમથી માહિતી આપી હતી કે દિલ્હીમાં ખાનગી સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલોમાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવેશ મેળવી રહ્યા છે. દિલ્હીમાં શિક્ષણનું સ્તર વધવાની સાથે જ ગરીબ અને મધ્યમવર્ગનાં બાળકો સરકારી શાળામાં ભણી રહ્યાં છે. જેથી હવે સી.આર. પાટીલે તેમને વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે કેટલાક લોકો પોતે બનાવેલી સ્કૂલો પર અહીં લોકોને ભરમાવવાનો પ્રયત્ન કરે છે. સરકારની શિક્ષણ આપવાના આ પ્રયત્નથી લોકો ખૂબ પ્રભાવિત થયા છે અને પોતાનાં બાળકોને સરકારી સ્કૂલોમાં દાખલ કરી રહ્યા છે.

સુમન સ્કૂલમાં ઈન્ટરએક્ટિવ સ્માર્ટ બોર્ડનું લોકાર્પણ
સુરત પાલિકાની સુમન સ્કૂલમાં ઈન્ટરએક્ટિવ સ્માર્ટ બોર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 50 શાળા, સુમન સ્કૂલની ૨૩ શાળાઓ અને ૧૬૯ ઈન્ટરએક્ટિવ સ્માર્ટ બોર્ડ દ્વારા આધુનિક પદ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું શરૂ કરવામા આવ્યું છે. આ બન્ને પ્રોજેક્ટ માટેનું લોકાર્પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કરાયું હતું.

Most Popular

To Top