National

કોવિડ-૧૯ની સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટ એક રાષ્ટ્રીય આયોજન ઇચ્છે છે.

દેશ જ્યારે કોવિડ-૧૯ના બીજા મોજા સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે સર્વોચ્ચ અદાલતે આજે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે તે આ વાયરસથી ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઓક્સિજન તથા આવશ્યક દવાઓના પુરવઠા સહિતના મુદ્દાઓ પર એક રાષ્ટ્રીય આયોજન ઇચ્છે છે.

દેશભરમાં પ્રવર્તતી ગંભીર સ્થિતિની સ્વયંભૂ નોંધ લેતા ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેના વડપણ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે તે દેશમાં કોવિડ-૧૯ના રસીકરણની પધ્ધતિ અને રીત અંગેની બાબતે પણ વિચારણા કરશે. જસ્ટિસ રાવ અને જસ્ટિસ ભટનો પણ સમાવેશ ધરાવતી બેન્ચે જણાવ્યું હતું કે તે રોગચાળા દરમ્યાન લૉકડાઉન જાહેર કરવા માટે હાઇકોર્ટોની અદાલતી સત્તાઓને લગતા પાસાનું પણ પરીક્ષણ કરશે.

તેણે વધુમાં જણાવ્યું હતું કે ઓછામાં ઓછી છ વડી અદાલતો કોવિડ-૧૯ની બાબતો અંગેની સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે આ સ્વયંભૂ કાર્યવાહીમાં મદદ કરવા માટે અદાલતના મિત્ર તરીકે વરિષ્ઠ ધારાશાસ્ત્રી હરીશ સાલ્વેની નિમણૂક કરી હતી. બેન્ચે કેન્દ્રને નોટિસ જારી કરી હતી અને જણાવ્યું હતું કે તે આ બાબતની સુનાવણી શુક્રવારે કરશે. અમે એક બેન્ચ અને એક કોર્ટ તરીકે ચોક્કસ મુદ્દાઓની સ્વયંભૂ નો઼ંધ લેવા ઇચ્છીએ છીએ. એમ બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતાને જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર હાઇકોર્ટો સમક્ષ પણ નેશનલ પ્લાન રજૂ કરી શકે છે. બેન્ચે નોંધ્યું હતું કે હાઇકોર્ટો સમક્ષના કેટલાક મુદ્દાઓ તે પાછા ખેંચી શકે છે અને તેમની સાથે હાઇકોર્ટોને કામ પાર પાડવા દઇ શકે છે.

સુપ્રીમ કોર્ટે આ નિરીક્ષણ કર્યું તેના પછી સુપ્રીમ કોર્ટ બાર એસોસીએશને પણ તેના પ્રમુખ મારફતે એક અરજી દાખલ કરીને આ સુઓ મોટો સુનાવણીમાં પોતાને પક્ષકાર બનાવવાની વિનંતી કરી હતી અને જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં આ બાબતો સાથે કામ પાર પાડવા માટે હાઇકોર્ટો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.

Most Popular

To Top