National

ભારતમાં કોરોનાથી મૃત્યુઆંક સત્તાવાર રીતે દર્શાવાય છે તેના કરતા દસ ગણો હોવાનો વિશ્લેષકોનો અંદાજ

ભારતમાં કોરોનાવાયરસના રોગચાળાના બીજા મોજાએ રીતસરનો કોહરામ મચાવી દીધો છે અને દેશમાં એક જ દિવસના કેસોના આંકડાએ જ્યારે ત્રણ લાખનો આંક વટાવી દીધો છે ત્યારે કેટલાક વિશ્વલેષકોના અંદાજો સૂચવી રહ્યા છે કે ભારતમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી મૃત્યુઓનું પ્રમાણ સરકારી આંકડાઓમા જેટલું બતાવવામાં આવી રહ્યું છે તેના કરતા ખરેખર દસ ગણું છે.

દેશના સ્મશાનગૃહોમાં મૃતદેહોની જાણે વણઝાર આવી રહી છે અને સતત ચિતાઓ જલી રહી છે તેના પરથી અંદાજ કાઢવામાં આવી રહ્યો છે કે સરકાર જે આંકડાઓ બતાવી રહી છે તેના કરતા તો કોરોનાવાયરસથી મૃત્યુઆંક ઘણું જ વધારે છે.

ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારમાંથી આવતા સમાચારોએ જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં આ રાજ્યોમાં કોરોનાવાયરસથી મૃત્યુ પામેલા લોકોની ઓછામાં ઓછી ૧૮૩૩ લાશો સ્મશાનગૃહોમાં લાવવામાં આવી હતી જ્યારે આ સમયગાળા માટે આ રાજ્યોના સત્તાવાર આંકડા કોરોનાવાયરસથી મૃત્યુઆંક ફક્ત ૨૨૮ દર્શાવતા હતા!

વધેલા મૃત્યુઆંકને કારણે સ્મશાનગૃહો અને કબ્રસ્તાનો પરનો બોજ વધી ગયો છે અને આ સ્થળોના કર્મચારીઓ સતત કામ કરી રહ્યા છે. અનેક સ્થળે જોવા મળી રહ્યું છે કે હોસ્પિટલોમાંથી એક પછી એક મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. દિલ્હી તથા કેટલાક અન્ય શહેરોમાં એવી સ્થિતિ સર્જાઇ હતી કે સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર કરવા માટે જગ્યા ઓછી પડતા બીજા સ્થળોએ કામચલાઉ સ્મશાનઘાટ બનાવીને ત્યાં ચિતાઓ બાળવામાં આવી હતી. ચેપના નવા કેસોના પ્રમાણમાં મૃત્યુઆંક ખૂબ જ ઓછો દર્શાવવામાં આવી રહ્યો છે તેના પરથી પણ એવું સમજાય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો મૃત્યુઓના સાચા આંકડા સંતાડી રહી છે.

Most Popular

To Top