Dakshin Gujarat

નવસારી જિલ્લામાં કોરોનાનો ફૂંફાડો, 3 વિદ્યાર્થી અને 1 શિક્ષિકા પોઝિટિવ, સ્કૂલને તાળું મારી દીધું

ખેરગામ : કોરોના (Corona) કાળમાં શિક્ષણ કાર્યને જે અસર થઈ છે, તેની ભરપાઈ થઈ શકે તેમ નથી. કોરોનાના કારણે વેપાર ધંધા રોજગારને ગંભીર અસર થઈ હતી. કોરોનાના કેસની સંખ્યા ઓછી થતાં જ રાબેતા મુજબ ધંધા-રોજગાર ફરી શરૂ થઈ ગયા હતા, પરંતુ 3 મહિના બાદ ફરી કોરોનાએ નવસારી (Navsari) જિલ્લામાં કોરોનાનો ફૂંફાડો માર્યો હોય તેમ ખેરગામની (Khergam) શાળામાં (School) શિક્ષિકા (Teacher) અને વિદ્યાર્થી (Student) કોરોના પોઝિટિવ (Positive) આવ્યા છે, જેના લીધે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આજે ખેરગામની એક વિદ્યાર્થી તથા ચીખલીની વંકાલ અને મલિયાધરા શાળાના એક – એક મળી બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે. જેમાં ખેરગામ બજારમાં આવેલી કુમારશાળામાં ફરજ બજાવતી શિક્ષિકા અને એક વિદ્યાર્થી પોઝિટિવ આવતા 1 થી 5 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે. હાલ કુમારશાળામાં 1 થી 5 ધોરણને મંગળવાર સુધી તાળું મારી દીધું છે. ઓમિક્રોનની (Omicron) દહેશતના પગલે તંત્રએ તાબડતોબ શાળામાં કામ કરતા શિક્ષકો, સ્ટાફ અને ભણતા વિદ્યાર્થી તથા તેમના વાલીઓના ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરી છે.

ચીખલીની વંકાલ અને મલિયાધરા શાળાના એક – એક મળી બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

નવસારી, ઘેજ : નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વંકાલ હાઇસ્કુલ અને મલિયાધરા પ્રાથમિક શાળાનો એક – એક મળી બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થઇ ગયું હતું અને વર્ગખંડ બંધ કરવાની તજવીજ હાથ ધરી હતી. મજીગામ ડેરા ફળિયાની રહીશ ૧૫ વર્ષીય વિદ્યાર્થિની જે વંકાલ હાઇસ્કુલમાં ધોરણ-૧૦-બમાં અભ્યાસ કરે છે. જે પોઝિટિવ આવ્યો હતો. ઉપરાંત મલિયાધરા પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના ૧૩ વર્ષીય વિદ્યાર્થી પણ પોઝિટિવ આવતા હોમ આઇસોલેટ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે બંને વિદ્યાર્થીઓના સહ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને પરિવારજનોના સેમ્પલ લેવાની અને તેમની શાળાના ધોરણ-૧૦ અને ૮ કલાસરૂમો બંધ કરવાની તજવીજ હાથ ધરી હતી.

બીજા બાળકોમાં સંક્રમણ ન ફેલાય તે માટે શિક્ષણ કાર્ય બંધ

ખેરગામની કુમારશાળાના આચાર્ય પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, શિક્ષિકા અને એક બાળકનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા બીજા બાળકોમાં સંક્રમણ ન ફેલાય તે માટે મંગળવાર સુધી શાળામાં શિક્ષણ કાર્ય બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. કુમારશાળાના ધો.1 થી 5ના જ વર્ગો હાલ ચાલે છે, જેથી આ તમામ બાળકોને બુધવારથી શાળાએ નહીં મોકલવા વાલીઓને જાણ કરવામાં આવી હતી. બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

કોરોનાના નિયમનું પાલન નહીં કરશો તો દંડ ભરવો પડશે: પોલીસની અપીલ

ખેરગામમાં કોરોનાના બે કેસ પોઝિટિવ આવતા ખેરગામ પોલીસે બજારોમાં ફરીને અપીલ કરી હતી કે કોરોનાનું નિયમોનું જે પાલન નહીં કરશે તેને દંડ ભરવો પડશે. સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને માક્સ ફરજિયાત પહેરવા અપીલ કરી છે.

વલસાડ જિલ્લામાં બુધવારે નવા 3 કેસ નોંધાયા

વલસાડ : વલસાડ જિલ્લામાં બુધવારે કોરોનાના 3 કેસ નોંધાયા હતા. જ્યારે એક દર્દીને રજા અપાઈ હતી. નવા નોંધાયેલા કેસમાં વલસાડ કુંડી ભાઈનાર ફળિયામાં રહેતો 35 વર્ષનો પુરુષ અને 30 વર્ષની મહિલા તેમજ વાપી નિસીગનાથ ટોયલ ગાર્ડન ખાતે 49 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 6291 કેસ નોંધાયા છે. જે પૈકી 5810 સાજા થયા છે. જ્યારે 22 દર્દી સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી કોરોનાના 3,21,207 ટેસ્ટ કર્યા છે, જે પૈકી 3,14,916 નેગેટિવ અને 6291 કેસ પોઝિટિવ નોંધાયા છે.

Most Popular

To Top