Editorial

કોવિડ-19ના વાયરસના ઉદ્ભવનો વિવાદ ફરી ધુણવા માંડ્યો


વર્ષ ૨૦૧૯ના ડીસેમ્બર માસમાં ચીનના વુહાન શહેરમાં એક ભેદી રોગચાળો શરૂ થયો અને ૨૦૨૦ની શરૂઆતના મહિનાઓમાં તો ધીમે ધીમે વિશ્વભરમાં ફેલાવા માંડ્યો. આ રોગચાળો એક નવા પ્રકારના કોરોનાવાયરસથી (Corona Virus) થતો હોવાનું જાહેર થયું, જે વાયરસને સાર્સ કોવ-ટુ નામ સત્તાવાર રીતે આપવામાં આવ્યું, અને આ વાયરસથી થતાં રોગને કોવિડ-૧૯ નામ આપવામાં આવ્યું. જો કે આ રોગચાળો વિશ્વભરમાં મોટે ભાગે કોરોનાના રોગચાળા (Pandemic) તરીકે જજાણીતો થયો. આ વાયરસ માણસોમાં ક્યાંથી આવ્યો, ક્યાંથી ઉદભવ્યો તે બાબતે સતત ચર્ચાઓ ચાલતી રહી છે. ચામાચીડિયામાંથી આ વાયરસ આવ્યો હોવાની થિયરી છે તો આ વાયરસ કુદરતી નહીં પણ કૃત્રિમ રીત જન્મ્યો છે અને ચીન (China) જૈવિક શસ્ત્ર તરીકે આ વાયરસ વિકસાવતું હતું અને સંશોધનો દરમ્યાન લેબોરેટરીમાંથી લીક થયો છે તેવી થિયરી પણ સમયે સમયે રજૂ થતી રહી છે અને આ વાયરસના રોચગાળા માટે ચીન સામે આંગળી ચિંધામણા થતા રહ્યા છે. આ વાયરસના ઉદભવ અંગે ઘણો ગુંચવાડો છે ત્યારે આ વાયરસ ચીનની લેબોરેટરીમાંથી લીક થયો છે તેવી થિયરીને બળ આપે તેવો એક અહેવાલ હાલમાં બહાર આવ્યો છે.

દુનિયાભરમાં રોગચાળો સર્જનાર કોરોનાવાયરસ કુદરતી રીતે સર્જાયો છે કે ચીનની લેબોરેટરીમાંથી લીક થયો છે તે વિશે હજી કોઇ સ્પષ્ટતા થતી નથી ત્યારે આ વાયરસ ચીનની લેબોરેટરીમાં વિકસાવવામાં આવતો હતો અને ત્યાંથી લીક થયો છે તેવી થિયરીને બળ આપે તેવી વધુ એક ઘટનામાં એવો ઘટસ્ફોટ થયો છે કે જ્યાંથી આ રોગચાળો શરૂ થયો હતો તે ચીનના વુહાન શહેરમાં આવેલી વાયરોલોજી લેબના ત્રણ સંશોધકો નવેમ્બર ૨૦૧૯માં બિમાર થઇ ગયા હતા અને તેમને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. અગાઉ જે જાહેર થયો ન હતો તેવા એક અમેરિકી ગુપ્તચર અહેવાલમાં આ ઘટસ્ફોટ થયો છે. વૉલ સ્ટ્રીટ જર્નલમાં પ્રગટ થયેલ આ અહેવાલ જણાવે છે કે વુહાન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીના ત્રણ સંશોધકો વર્ષ ૨૦૧૯ના નવેમ્બરમાં બિમાર પડી ગયા હતા અને તેમણે હોસ્પિટલમાં સારવારની માગણી કરી હતી. આ એના થોડાક સમય પહેલા બન્યું હતું જ્યારે વુહાન શહેરમાં ભેદી રોગ ફેલાવાનું શરૂ થયું હતું અને બાદમાં ચીને તેને રોગચાળો જાહેર કર્યો હતો. અમેરિકી વિદેશ વિભાગની ફેક્ટ શીટમાંથી આ અહેવાલ બહાર આવ્યો છે.

જો કે આ અહેવાલ અંગે બે ગુપ્તચર અધિકારીઓના વિધાનોમાં પણ થોડો વિરોધાભાસ છે. એક અધિકારી કહે છે કે આ અહેવાલ એક આંતરરાષ્ટ્રીય ભાગીદાર તરફથી મળ્યો હતો, તે મહત્વનો છે પરંતુ તેમાં તપાસની જરૂર છે, જ્યારે બીજા અધિકારી કહે છે વિવિધ સૂત્રો તરફથી મળેલો આ અહેવાલ ઘણો મજબૂત છે. જ્યારે ચીને અને વુહાન લેબે આ અહેવાલ ખોટો ગણાવીને ફગાવી દીધો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાઓ લિજિઆને જણાવ્યું હતું કે આ અહેવાલ ખોટો છે, વુહાન લેબોરેટરીએ માર્ચમાં જ જણાવી દીધું હતું કે આ સંસ્થામાં ચેપનો કોઇ કેસ બન્યો નથી. વુહાનની આ લેબના ડાયરેકટર યુઆન ઝિમિંગે વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલને સ્પષ્ટ જુઠાણું ગણાવી ફગાવી દીધો છે. બીજી બાજુ, અમેરિકાના ટોચના આરોગ્ય નિષ્ણાત અને સરકારના સલાહકાર ડૉ. એન્થની ફૌસી કહે છે કે પોતે હજી એ વાત માની શકતા નથી કે કોવિડ-૧૯ ફેલાવનાર કોરોનાવાયરસ પ્રાકૃતિક રીતે વિકસ્યો છે. ૧૧મી મેના રોજ પોલિટિફેક્ટ કાર્યક્રમમાં ડો. ફૌસીને આ વાયરસના મૂળ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે આ જવાબ આપ્યો હતો. તેમણે કહયું હતું કે આપણે તપાસ ચાલુ રાખવી જોઇએ. જ્યારે કે બાઇડન પ્રશાસને પણ આ વાયરસના મૂળ અંગે સંપૂર્ણ તપાસ યોજવાની માગણી ચાલુ રાખી છે. આવી માગણી વિશ્વમાં અનેક સ્થળેથી થતી રહી છે પણ કોઇ નક્કર તપાસ નથી થઇ રહી તે પણ એક કઠોર વાસ્તવિકતા છે.

આમ તો આ પહેલા ઘણા વાયરસો મોટે ભાગે વન્ય જીવો કે પક્ષીઓમાંથી માણસોમાં આવ્યા હોવાનું જણાયું છે. ચામાચીડિયા જેવા ઉડી શકતા સસ્તન જીવો વિવિધ પ્રકારના વાયરસોનું આશ્રયસ્થાન ગણાય છે અને તેમનામાંથી કેટલાક વાયરસો માણસોમાં પ્રવેશ્યા હોવાનું મનાય છે. જ્યારથી વન્ય વિસ્તારો પર માણસનું અતિક્રમણ વધી ગયું છે ત્યારથી માણસ વાયરસના વાહક પ્રાણીઓના સંપર્કમાં વધુ આવતો થયો છે અને તેથી તેમાં વાયરસ પ્રવેશવાનો ભય વધતો ગયો છે. જો કે હાલના કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુ બાબતે ઘણો ગુંચવાડો છે. આ વાયરસ જે રીતે ફેલાયો તે બાબતે ઘણી શંકાઓ જન્માવી છે. વળી, આ વાયરસનો રોગચાળો જ્યાંથી શરૂ થયો હોવાનું કહેવાય છે તે વુહાનના વેટ માર્કેટની નજીક જ વુહાન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી નામની સંસ્થા આવેલી છે તે વાયરસો પર સંશોધન કરતી એક અગ્રણી લેબોરેટરી છે. એક ખંધા અને આક્રમક દેશ તરીકેની ચીનની છાપ અને વુહાનમાં આ વાયરસ લેબની હાજરીએ લોકોની શંકાને બળ પુરું પાડ્યું છે. ચીન પોતાને ત્યાંથી વાયરસ લીક થયો હોવાનો સ્પષ્ટ ઇન્કાર કરે છે પણ ઘણાને તેની વાત પર ભરોસ બેસતો નથી. વળી, આ બાબતે પુરી તપાસ પણ થતી નથી, થઇ શકતી નથી. આ કોરોનાવાયરસના ઉદભવ અંગેનું રહસ્ય ક્યારેય ઉકેલાશે કે કેમ? તે બાબત સામે હાલ તો મોટો પ્રશ્નાર્થ જ છે.

Most Popular

To Top