National

રાહુલ ગાંધીની ટિપ્પણી અને અદાણી-હિડનબર્ગ મુદ્દે સંસદમાં ભારે ધમાલ

નવી દિલ્હી : લોકસભામાં સોમવારે રાહુલ ગાંધીની (Rahul Gandhi) ‘લોકશાહી જોખમમાં છે’ ટિપ્પણી પર ભારે હોબાળો મચતા ગૃહને એક દિવસ માટે મોકુફ રાખવામાં આવ્યું હતું. રાહુલે આ ટિપ્પણી તેમની હાલની બ્રિટન મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં કરી હતી. આ જ મુદ્દા પર રાજ્યસભામાં પણ સત્તાધીશ ભાજપ અને વિરોધ પક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપ થયા હતા અને આ ધમાલ વચ્ચે ગૃહને સોમવાર માટે મોકુફ રાખવામાં આવ્યું હતું. વરિષ્ઠ મંત્રીઓ રાહુલ પાસે માફીની માગ કરી રહ્યા હતા. બજેટ સત્રના બીજા ભાગના પ્રથમ દિવસે ભાજપ-કોંગ્રેસ વચ્ચેની લડાઈ વધી હતી, ભાજપના સાંસદો રાહુલ પાસે માફીની માગ કરી રહ્યા હતા જ્યારે વિરોધ પક્ષોએ વળતો હુમલો કરતા અદાણી-હિન્ડનબર્ગ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિની (જેપીસી) માગ કરી રહ્યા હતા.

લોકસભામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ ભારતીય લોકશાહી પર પોતાની ટિપ્પણી મારફતે લંડનમાં ભારતને બદનામ કરવાના અને દેશના ગૌરવ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કર્યા હતા. રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે માગ કરી હતી કે રાહુલના નિવેદનની ટીકા કરવામાં આવે જો કે કોગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગોયલની માગનો વિરોધ કર્યો હતો અને રાહુલની ટિપ્પણીનો મુદ્દો સંસદમાં ઉઠાવવા બદલ સરકારની ટીકા કરી હતી.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ રાહુલે લંડનમાં આરોપ લગાવ્યો હતો કે ભારતીય લોકશાહીનું માળખું ‘ક્રૂર હુમલા’ હેઠળ છે અને દેશના સંસ્થાનો પર સંપૂર્ણ પાયે હુમલો થઈ રહ્યો છે. જોશીએ કહ્યું હતું ‘કટોકટી’ દરમિયાન આધારભૂત હકો કચડી નાંખવામાં આવ્યા અને જ્યારે કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલો વટહુકમ ફાડી નાંખવામાં આવ્યો હતો ત્યારે લોકશાહી ક્યાં ગઈ હતી.

રાજનાથે માગ કરી હતી કે ગૃહ દ્વારા રાહુલની ટિપ્પણીની ટીકા કરવામાં આવે અને તેમને માફી માગવા કહેવામાં આવે. ભાજપના સભ્યોએ રાહુલ ગાંધી પર રાજદ્રોહનો કેસ દાખલ કરવાની પણ માગ કરી હતી. સત્તાધીશ એનડીએના સભ્યો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસના સભ્યો પણ પ્રદર્શન કરતા ગૃહના મધ્યમાં આવી ગયા હતા.
બંને પક્ષો એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા હતા. ભારે ધમાલ વચ્ચે પહેલાં ગૃહને બપોર સુધી મોકુફ રાખવામાં આવ્યું હતું પણ ત્યારબાદ ફરીથી ગૃહની કાર્યવાહી ચાલુ થતા જ બંને પક્ષો ફરીથી એક બીજા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા અને ભારે ધમાલ વચ્ચે ગૃહની કાર્યવાહી આખા દિવસ માટે મોકુફ રાખવામાં આવી હતી.

આ જ પ્રકારના દ્રશ્યો રાજ્યસભામાં પણ સર્જાયા હતા અને તેને પણ પહેલાં લન્ચ સુધી અને ત્યારબાદ આખા દિવસ માટે મોકુફ રાખવામાં આવ્યું હતું. ખડગે દ્વારા સંસદથી વિજય ચોક સુધી પ્રદર્શન રેલી કાઢવામાં આવી હતી ત્યારબાદ તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદી દેશને સરમુખ્ત્યાર તરીકે ચલાવે છે.

Most Popular

To Top