ગરીબોની સરખામણીમાં અમીરો પાસે વધતી દોલત દેશની વ્યવસ્થા માટે હિતકારી નથી

ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેર તણી ભસ્મકણી ના લાધશે… કવિ ઉમાશંકર જોશીએ કહેલા આ વાક્યમાં ઘણો અર્થ સમાયેલો છે. કવિએ આ પંક્તિમાં એવો સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે કે દરેક વ્યક્તિ જીવનનિર્વાહ કરી શકે તે માટેની વ્યવસ્થા હોવી જોઈએ. કોઈ ધનિક પાસે લખલૂંટ પૈસો અને ગરીબ પાસે ખાવાના ફાંફાં હોય તો તેવી વ્યવસ્થા લાંબો સમય ચાલી શકતી નથી. આ કારણે જ ધનિકો પાસે દાન કરાવીને તેને જરૂરીયાતમંદોમાં વહેંચવામાં આવે છે. આ વાત અત્યારે એટલા માટે યાદ આવી કે કોરોના મહામારી દરમ્યાન જ્યાં એક તરફ દેશમાં ગરીબોને ખાવાનાં ફાંફા પડી ગયાં હતાં તો બીજી તરફ દેશમાં આ દરમિયાન અમીરોની સંખ્યા વધી ગઈ છે. બિન સરકારી સંગઠન ઑક્સફેમ ઇન્ડિયાના એક હેવાલ મુજબ 2021માં ભારતમાં અબજપતિઓની સંખ્યા 102થી 39% વધીને 142 થઈ ગઈ, જે ભારતમાં અમીર અને ગરીબ વચ્ચે વધી રહેલી અસમતુલા બતાવી રહી છે.

સોમવારે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ 2022ના પ્રથમ દિવસે ઑક્સફેમ ઇન્ડિયા તરફથી વાર્ષિક અસમાનતા સરવે જારી કરવામાં આવ્યો હતો. આ સરવે પ્રમાણે કોરોના કાળમાં ભારતીય અબજપતિઓની કુલ સંપત્તિ બમણી થઈ ગઈ છે. એમની અમીરીનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે ટોપ-10 અમીરો પાસે એટલી દોલત છે કે તેઓ દેશની તમામ શાળા અને કૉલેજોને આગામી 25 વર્ષો સુધી ચલાવી શકે છે. દેશના સૌથી અણીર 10 ટકા લોકો પાસે દેશની જ 45 ટકા સંપત્તિ છે. જ્યારે દેશની 50 ટકા વસ્તી એટલી ગરીબ છે કે તેની પાસે માત્ર 6 ટકા જ દોલત છે. સરવે પ્રમાણે જો ભારતના ટોપ-10 અમીર લોકો પર જો 1 ટકો જ વધારાનો ટેક્સ લગાડવામાં આવે તો આ નાણાંમાંથી જ દેશને 17.7 લાખ એક્સ્ટ્રા ઑક્સિજન સિલિન્ડર્સ મળી શકે તેમ છે. આ જ રીતે જો દેશના 98 અમીર પરિવારો પર એક ટકા વધારાનો ટેક્સ લગાવાય તો એ પૈસાથી આયુષ્માન ભારત યોજનાને આગામી સાત વર્ષો સુધી ચલાવી શકાય તેમ પણ છે.

સરવે પ્રમાણે દેશના 55.5 ટકા ગરીબો પાસે જેટલી દોલત છે તેટલી દોલત દેશના માત્ર 98 અમીરો પાસે છે. દેશના 142 અબજોપતિઓની કુલ સંપત્તિ રૂપિયા 53 લાખ કરોડ (719 અબજ ડૉલર) છે. જે 98 અમીર પરિવારો છે તેમની કુલ સંપત્તિ ભારત સરકારના ટોટલ બજેટના લગભગ 41 ટકા છે. જો ભારતના ટૉપ 10 અમીરો રોજના આશરે 1 મિલિયન ડૉલર એટલે કે 7.4 કરોડ રૂપિયા ખર્ચ કરે તો પણ એમની સંપત્તિ ખર્ચાતા 84 વર્ષો લાગી જાય તેમ છે. જો દેશના અમીરો પર વૅલ્થ ટેક્સ લગાવાય તો 78.3 અબજ ડૉલર એટલે કે 5.8 લાખ કરોડ રૂપિયા એકત્ર કરી શકાય. આ નાણાંથી સરકારનું હેલ્થ બજેટ 271 ટકા વધી શકે છે.

આ સરવે એ બતાવી આપ્યું છે કે દેશમાં અમીરો અને ગરીબો વચ્ચે નાણાંના મામલે કેટલી મોટી ભેદરેખા છે. ભારત એવો દેશ છે કે જ્યાં નાણાં કે પછી સોના-ચાંદી સહિતની કિંમતી વસ્તુઓનો સંગ્રહ કરવાની વૃત્તિ છે. અમીરો પાસે રહેલી દોલત મોટાભાગે બજારોમાં આવતી નથી અને તેની મોટી અસર અર્થવ્યવસ્થા પર પણ થાય છે. અમીરો પાસેથી નાણાં બજારોમાં ફરતાં થાય તો ઈકોનોમી પણ સુધરતી હોય છે. ભૂતકાળમાં જ્યારે મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે તેમણે ઉદ્યોગપતિઓના એક સંમેલનમાં ઉદ્યોગપતિઓને એવી અપીલ કરી હતી કે તેમની પાસે રહેલા અબજો નાણાં તેઓ બજારમાં ફરતા કરે.

અમીરો પાસે નાણાં પડી રહેવાથી તે ફરતા નથી. સરવાળે ગરીબો મહેનત કરવા છતાં પણ તેમની સુધી નાણાં પહોંચતા નથી. બજારોમાં નવી રોજગારી ઊભી થતી નથી અને તેને કારણે અમીરો અને ગરીબો વચ્ચેનો તફાવત વધતો જ થાય છે. કોરોનામાં પણ મોટાભાગે આ જ સ્થિતિ સર્જાઈ હતી. સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવતાં બજારોમાં જે નાણાંનો ફ્લો વહેતો હતો તે અટકી ગયો અને તેને કારણે ગરીબ વધુ ગરીબ થઈ ગયા અને અમીર વધુ અમીર થઈ ગયા. સરવેની વિગતોને હવે ભારત સરકારે ગંભીરતાથી લેવી જોઈએ. ભારતમાં અમીરો અને ગરીબો વચ્ચેનો તફાવત જેમ વધતો રહેશે તેમ તેમ સમસ્યાઓ વધતી જશે. ગુનાખોરી પણ વધતી જશે. સરકારે એવા પગલાઓ લેવા જોઈએ કે જેથી આવી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય. જો સરકાર નહીં સમજે તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે તે નક્કી છે.

Most Popular

To Top