Gujarat

દાદાની સરકાર ઈમ્પેકટ ફીની મુદતમાં ચાર માસનો વધારો કરવા વિધાનસભામાં વિધેયક લાવી

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવાના ઇમ્પેક્ટ ફીના (Impect Fee) કાયદાને નબળો પ્રતિસાદ મળ્યો હતો. તેની સાથો સાથે ઘણા શેહરી વિસ્તારના લોકો અરજી કરવામાં જરૂરી ડોકયુમેન્ટ (Document) ભેગા કરવામાં સમય નીકળીજતાં અરજી કરી શકયા નથી. જેના પગલે દાદાની સરાકર હવે ચાર માસનું એકસન્ટેશન લાવી રહી છે. રાજય સરકારે આ કાયદાની મુદ્દતમાં ચાર મહિનાનો વધારો કરવાનું નક્કી કર્યું છે. આ માટે સરકાર વિધાનસભાના બજેટ સત્રમાં ઇમ્પેક્ટ ફીનું વિધેયક લાવી રહી છે.

રાજ્યના નાના-મોટા શહેરોમાં ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદે બાંધકામો નિયમિત કરતા આ કાયદામાં કેટલીક વિસંગતતાઓ રહેલી હતી. લોકોએ કરેલી મોટાભાગની અરજીઓ રદ કરી દેવામાં આવી હતી જેના કારણે સરકારનો હેતુ સર્યો ન હતો. સરકારે ઓનલાઇનની સાથે ઓફલાઇન અરજીઓ સ્વિકારવાની તૈયારી પણ બતાવી હતી પરંતુ લોકોએ મોળો પ્રતિસાદ આપ્યો હતો.જયારે તેની મુદત 16મી ફેબ્રુ.એ પૂર્ણ થઈ જવા પામી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી સરકારે ઓક્ટોબર 2022માં વટહુકમ બહાર પાડીને રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લામાં બિન અધિકૃત થયેલા બાંધકામોને નિયમિત કરવા ઇમ્પેક્ટ ફીનો કાયદો બનાવ્યો હતો. અરજી કરવા માટે 17મી ઓક્ટોબર 2022 રાખવામાં આવી હતી.

રાજ્યમાં કોર્પોરેશન વિસ્તારોમાં 42 ટકા અને નગરપાલિકાવિસ્તારમાં 82 ટકા જેટલી મિલકતો અનધિકૃત હોવાનો અહેવાલ મળતાં સરકારે ઇમ્પેક્ટ ફી લાગુ કરી હતી. આ પહેલાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2011માં ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલી બનાવ્યો હતો. વિધાનસભાનું સત્ર મળ્યું ત્યારે સરકારે વિધેયક લાવીને આ કાયદો પસાર કરાવ્યો હતો પરંતુ તેની મુદ્દત 16મી ફેબ્રુઆરી 2023ના રોજ પુરી થઇ ગઇ હતી. હવે જે વિધેયક આવે છે તેમાં સરકારે ચાર મહિનાનો સમય વધારી આપવાનું નક્કી કર્યું છે. નવા વિધેયકમાં સરકાર બેટરમેન્ટ ચાર્જ સહિતના પ્રકીર્ણ ચાર્જિસમાં ઘટાડો કરવા સુધીની સુધારા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ અત્યાર સુધીમાં આવેલી અરજીઓ પૈકી માત્ર 25 ટકા ને જ મંજૂરી આપવામાં આવી છે.

હાલ ઇમ્પેક્ટ ફીની મુદ્દત પૂરી થયેલી હોવાથી મુકરર સત્તાધિકારી, કોઇપણ અનધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે નવી અરજીઓ સ્વિકારી શકશે નહીં. વિધેયકમાં જણાવાયું છે કે સરકારે વટહુકમ પ્રસિદ્ધ કર્યા પછી રાજ્ય વિધાનસભાની ચૂંટણીના કારણે આચાર સંહિતા લાગુ પાડવામાં આવી હોવાથી મુદ્દત દરમ્યાન ઇમ્પેક્ટ ફી દ્વારા બાંધકામો નિયમિત કરવા ખૂબ ઓછી અરજીઓ આવી હતી. રાજ્ય સરકારને આ અધિનિયમના ઉદ્દેશને પાર પાડવા માટે તેટલો સમય અપૂરતો જણાયો છે અને ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટેની અરજી કરવા માટે ચાર મહિનાની મુદ્દત લંબાવવી જરૂરી જણાઇ છે. તેથી અધિનિયમની કલમ-5માં યોગ્ય સુધારો કરવા ધાર્યું છે.

Most Popular

To Top