Gujarat

ચીનમાં તબાહી મચાવનાર ઓમિક્રોનના સબ વેરિએન્ટ BF.7ના ગુજરાતમાં 3 કેસ

ગાંધીનગર: ચીન, અમેરિકા, જાપાન, કોરિયા અને બ્રાઝિલમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોન (Omicron) સબ વેરિયન્ટ BF.7ની એન્ટ્રી ગુજરાતમાં (Gujarat) પણ થઈ ગઇ છે. અમદાવાદમાં (Ahmedabad) બે કેસ તથા વડોદરામાં (Vadodra) એક કેસ નોંધાયો છે. જેના પગલે હવે રાજ્ય સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પણ રાજ્યોને એલર્ટ રહેવા તાકીદ કરી છે. બીજી તરફ રાજ્યના આરોગ્ય વિભાગે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દવાઓનો પૂરતો જથ્થો હોવા અંગે ચોકસાઈ રખાઈ રહી છે. આ ઉપરાંત માસ્ક પહેરવાની સૂચના પણ આવી રહી છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-1 ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથેની આ બેઠકમાં રાજ્યમાં કોરોના સામેની સુરક્ષા માટે અગમચેતીના ભાગરૂપે તમામ વ્યવસ્થાઓથી સજ્જ થવા માટે આરોગ્યમંત્રી તરફથી સૂચના આપવામાં આવી હતી. પટેલે વધુમાં ઉપલબ્ધ બેડ તથા દવાઓનો જથ્થો, ઓક્સિજન ટેન્ક વગેરે વ્યવસ્થા અંગે પણ ચર્ચા થઈ હતી. અમદાવાદ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓના ફરજિયાત કોરોના ટેસ્ટિંગ અને ટેસ્ટિંગ કરવા માટેની પણ સૂચના આરોગ્યમંત્રી તરફથી આપવામાં આવી હતી.

હાલમાં રાજ્યમાં રોજના 2થી 3 કેસ નોંધાય છે. જ્યારે રાજ્યમાં દરરોજ 8થી 10 હજાર જેટલા કોરોના ટેસ્ટ થાય છે.
ગુજરાત બાયોટેક્નોલોજી સંશોધન કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહેલા જીનોમ સિક્વન્સિંગ દરમિયાન આ માહિતી બહાર આવી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ વર્તમાન સ્થિતિ પર નજર રાખવા માટે સતત સર્વેલન્સની જરૂરિયાત છે, એ બાબત પર ભાર મૂક્યો હતો.

ચીનમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટનો સબ વેરિએન્ટ BF.7ના કેસો વધુ જોવા મળી રહ્યા છે. ઓમિક્રોન BF.7 લોકોને જલદી શિકાર બનાવવાની તાકાત રાખે છે. જેનાં લક્ષણ પણ સંક્રમિત થયા બાદ જલદી જોવા મળે છે. જેનાથી લોકો સરળતાથી સંક્રમિત થઈ જાય છે. BF.7 વેરિએન્ટ શ્વસન તંત્રના ઉપરી ભાગને ઇફેક્ટ કરે છે. જેના કારણે તાવ, ઉધરસ, ગળામાં ખારાશ, નાકમાંથી પાણી નીકળવું, નબળાઈ અને થાક લાગે છે. આ વેરિએન્ટ જેની ઇમ્યુન સિસ્ટમ નબળી હોય છે, તેને ઝડપી શિકાર બનાવે છે.

Most Popular

To Top