Charchapatra

ચીની કમ નમક કમ

ચીની અર્થાત્ ખાંડ, નમક અર્થાત્ મીઠું. આ બંને પદાર્થોની રોજિંદા આહારમાં આવશ્યકતા ખરી પરંતુ એનો બને એટલો ઓછો ઉપયોગ થાય એ ખૂબ જરૂરી છે. ડોકટરોની એવી સલાહ છે એનું વધતું પ્રમાણ તંદુરસ્તી માટે નુકસાનકારક છે. આ બંને સફેદ ઝેર સમાન છે. એની વધુ પડતી માત્રાથી શરીરમાં સુગર અને પ્રેસરની બિમારી આવે છે. આ બંને છૂપા રૂસ્તમ છે. શરીરમાં કયારે દાખલ થઇ જાય એની ખબર પણ પડતી નથી. જો કે કેટલાકને વધુ પડતા સેવનથી અને કેટલાકને એ વારસામાં આવે છે. આગળ જતાં એની ગંભીર અસર જોવા મળે છે. અનેક પ્રકારની બિમારી શરીરમાં દાખલ થાય છે. સુગર અને પ્રેસર એક એવા પ્રકારના મહેમાન છે કે એ અંત સમય સુધી ઘર કરી જાય છે.

એનાથી વ્યકિત હેરાન પરેશાન થાય છે. પરંતુ એ સાથે કહેવું જોઇએ કે એનાથી ડરી જવાની જરૂર નથી. ફેમિલી ડોકટરની સલાહ અને દવાથી એને કાબૂમાં રાખી શકાય છે. પરેજી પણ પાળવી જરૂરી છે. તદુપરાંત નિયમિત રોજ અર્ધો કલાકની હળવી કસરત સાથે ચાલવાનું રાખો. જીવન ચલને કા નામ ચલતે રહો સુબહ શામ એ ગીતને જીવનમંત્ર બનાવી શરીરને તંદુરસ્ત રાખી શકાય એમ છે. સાયન્સ ટેકનોલોજી એટલી બધી એડવાન્સ છે જેના કારણે કોઇ પણ વ્યકિત લાંબુ અને તંદુરસ્ત હવે જીવન જીવી શકે છે. નિયમિત સુગર પ્રેસર ચેક કરાવતાં રહેવું. એ સાથે ખોરાકમાં મર્યાદા જાળવવી અતિ આવશ્યક છે. સુરતીલાલાઓએ વિશેષ એટલું યાદ રાખવું કે બને એટલા બહારના વધુ પડતા ચટાકા બંધ કરી દેવા જોઇએ. જીવવા માટે ખાવાનું છે. ખાવા માટે જીવવાનું નથી એ યાદ રહે. અપના ઔર અપનો કા ખ્યાલ રખે.
સુરત     – જગદીશ પાનવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

છૂટાછેડા કેટલા યોગ્ય?
હાલ સમાજમાં પરિવર્તન આવ્યું છે. લગભગ દહેજ પ્રથા પહેલાં હતી. હવે લગભગ દહેજ પ્રથા નાબૂદ થઈ ગઈ છે. આ એક ફાયદો સમાજને થયો છે. હાલ લગભગ એરેન્જ મેરેજના બદલે પ્રેમલગ્ન વધુ થઈ રહ્યાં છે. પ્રેમલગ્નમાં કેટલાંક પરિવારમાં પ્રેમલગ્નની સંમતિ નથી મળતી. લગ્ન કોઇ પણ રીતે થયું હોય, પણ લગ્નજીવન કેટલું સફળ રહેશે તે દંપતી અને કુટુંબ ઉપર આધારિત રહે છે. હાલ વર્તમાન નવી પેઢીમાં નાની મોટી બાબતોમાં છૂટાછેડાને નિમંત્રણ આપી દે છે. વિવાહિત જીવનમાં પરિવાર પ્રત્યેની ભાવનાનો અભાવ જોવા મળે છે. આધુનિક સુખ સગવડો, મોજશોખની વધુ પડતી અપેક્ષા જોવા મળે છે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોવો જોઇએ.

એ પ્રેમમાં ત્યાગ અને સમર્પણની ભાવના જોવા મળતી નથી. એકબીજા વચ્ચે ખેંચતાણ જોવા મળે છે. કેટલાંક દંપતી પોતાના અહંકારથી વિશેષ પ્રેમ કોઇને જ કરતાં નથી, પરિણામે સંબંધ માત્ર કહેવા પૂરતો રહી જાય છે અને વિવાહિત જીવન સમસ્યાઓનો દરિયો બની જાય છે. પરિણામે લગ્નજીવનનું ભંગાણ થાય અને છૂટાછેડામાં પરિણમે છે. કેટલીક વાર માવતર પક્ષ તરફથી અયોગ્ય પ્રોત્સાહનના કારણે છૂટાછેડા થાય છે અને દુશ્મનાવટ ઊભી થાય છે. છૂટાછેડા થયા બાદ મોટી રકમની માંગણી થાય છે. જે લાખો રૂપિયામાં પરિણમે છે. સંબંધ ના રાખવો હોય તો વડીલોએ રાજીખુશીથી છૂટાછેડાની પ્રક્રિયા કરવાના બદલે આર્થિક રીતે પાયમાલ કરવાની પ્રક્રિયા શરૂ થાય છે. દહેજ પ્રથા નાબૂદ થઈ પણ છૂટાછેડા બાદ લાખો રૂપિયા પડાવવાની પ્રથા નાબૂદ થઈ નથી. ક્યારેક પતિ, પત્નીને સાથે રાખવા તૈયાર હોય  છે પણ પત્ની સાથે રહેવા તૈયાર નથી હોતી અને છૂટાછેડા આપવા પણ તૈયાર નથી હોતી. આવા સંજોગ ઘણી વાર જોવા મળે છે.
વડોદરા   – જયંતીભાઈ ઉ. પટેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top