SURAT

કરોડોના હીરા ખરીદયા બાદ દંપતીએ હાથ ઊંચા કરી દેતાં સરથાણાનો વેપારી દોડતો થઈ ગયો

સુરત: (Surat) સુરતના સરથાણા વિસ્તારમાં ડાયમંડ (Diamond) કંપની ધરાવતા હીરાના વેપારી સાથે છેતરપિંડી (Cheating) થઈ છે. એક દંપતીએ પોતે મોટા ઉદ્યોગપતિ હોવાની મોટી મોટી વાતો કરી ઊંચા નફાની લાલચ આપી આ હીરાના વેપારી પાસેથી કરોડોના હીરા ખરીદી લીધા હતા અને બાદમાં પેમેન્ટ આપ્યું નહોતું. ઉઘરાણી માટે અનેકોવાર ધક્કા ખાધા બાદ પણ દંપતીએ પેમેન્ટ નહીં આપતા આખરે વેપારીએ પોલીસને ફરિયાદ કરી છે.

  • સરથાણાની સંસ્કૃત રેસિડેન્સીમાં રહેતા બ્રિજેશ વેકરીયા સાથે છેતરપિંડી
  • દેવેન્દ્રસિંહ બોરા અને તેની પત્ની અમ્રિતા બોરાએ ઠગાઈ કરી
  • 3.16 કરોડના હીરા ખરીદયા બાદ પેમેન્ટ નહીં કર્યું
  • સરથાણા પોલીસે ફરિયાદ લઈ તપાસ શરૂ કરી

પ્રાપ્ત માહિતી અનુસાર ઓએસબીસી ઇન્ફોટેક તથા ધન પુષ્ટિ ડાયમંડ કંપનીનું નામ આપી પોતે હીરાના મોટા વેપારી છે તેવી ઓળખ આપી બોરા દંપતિએ સરથાણાના વેપારી પાસેથી રૂ. ૩.૧૬ કરોડના હીરા ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી. આ કેસની વિગત એવી છે કે, સરથાણા જકાતનાકા સંસ્કૃત રેસીડેન્સી ખાતે રહેતા બ્રિજેશભાઈ મનસુખભાઈ વેકરીયા હીરાના લે વેચનો ધંધો કરે છે. બ્રિજેશ વેકરીયા સાથે દેવેન્દ્રસિંહ મદન બોરા અને તેની પત્ની અમ્રિતાબેન દેવેન્દ્રસિંહ બોરા (બંને રહે. શ્યામ લક્ઝરી એપાર્ટમેન્ટ આગમ આર્કેડ રિલાયન્સ મોલ ની પાસે વેસુ ઉમરા)ની મુલાકાત કરી હતી. આ દંપતીએ પોતાની ઓએસબીસી ઇન્ફોટેક તથા ધન પુષ્ટિ ડાયમંડ કંપનીનું નામ આપી પોતે હીરાના મોટા વેપારી છે તેવી ઓળખ આપી બ્રિજેશભાઈ વેકરીયાને સારા નફાની લાલચ આપી હતી અને બ્રિજેશભાઈ પાસેથી બોરા દંપતિએ રૂપિયા 3 16 કરોડની કિંમતના કુલ 1335.17 કેરેટ હીરા મેળવ્યા હતા અને વાયદા પ્રમાણે નફો તેમ જ હીરા પણ પરત નહીં કરી છેતરપિંડી આચરી હતી.

કરોડો રૂપિયાના હીરા પચાવી પાડનાર દંપતીની છેતરપિંડીનો ભોગ બનેલા વેપારી બ્રિજેશભાઈ વેકરિયાએ ઠગ બોરા દપંતી પાસે પેમેન્ટ અથવા માલ પરત કરી દેવા વારંવાર ઉઘરાણી કરી હતી. છતાં પણ બોરા દંપતીએ કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ નહીં આપતા હીરાના વેપારીએ આખરે ઠગ બોરા દંપતી સામે બ્રિજેશભાઈએ ફરિયાદ આપતા સરથાણા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top