Charchapatra

ચંદ્રયાન-3

ચંદ્રયાન-3ને અવકાશમાં છોડતાં પહેલાં વૈજ્ઞાનિકો મંદિરે જતાં જોવામાં આવ્યાં. તરત જ ટ્વિટર પર કમેંટ્સનો મારો ચાલ્યો, ‘જો તમારે ભગવાનને પ્રાર્થના કરવી પડે તો તમારું વિજ્ઞાન ક્યાં છે?’સૌશલ મિડિયાના આગમન બાદ લોકો ગમેતેમ લવારા કરતાં થયાં છે. સૌ બેફિકરા અને નશરમી થઈ ગયાં છે. મનુષ્યે નાસ્તિક રહેવું કે આસ્તિક એ વ્યક્તિગત પસંદગીનો પ્રશ્ન છે. હું 39 વર્ષથી મંદિર, મસ્જિદ, ચર્ચ ગયો નથી કે પૂજા પ્રાર્થના કર્યાં નથી. મને દૃઢ શ્રદ્ધા છે કે, જેને તમે ઈશ્વર કહો છો અને જેને હું અકળ તત્ત્વ કહું છું તેના ચાર હાથ સદા મારે મસ્તકે હોય છે. આમ જોવા જઈએ તો પ્રાર્થના કે ઈબાદત ન કરવા વિષે મન્સૂર ફકીરથી લઈ કબીર સાહેબ કે આંગ્લ કવિ એસ ટી કોલરીજ સુધીના અનેક લેખકો, કવિઓ, તત્ત્વચિંતકો મળી આવશે.  સ્વામી વિવેકાનંદ કહેતાં, ‘રંકોને રામ નહીં, રોટી આપો’.

પ્રાર્થના કરનાર નિજ શાંતિ અર્થે પ્રાર્થના કરતો હોય છે. મને કર્મથી શાંતિ મળતી હોય તો મને તે મુબારક. વૈજ્ઞાનિકો મંદિર જઇ પ્રાર્થના કરે તેનો અર્થ એ નથી કે તેઓને પોતાની કાબેલિયતમાં શંકા છે. આપણે સૌ જાણીએ છીએ કે થવા કાળ થાય છે. પ્રાર્થના, ઈબાદત, પ્રેયરથી કશું થતું નથી અને વળી થઈ પણ જાય. દરેક વ્યક્તિ, ભલે તે વૈજ્ઞાનિક કેમ ન હોય, માનસિક રીતે મજબૂત નથી હોતી. આવાં સુજ્ઞ જનોને રાહત મળતી હોય તો બખેડો કરવો નહીં. ખુદ ડૉ. કલામ પાઇલટ ન્હોતા થઈ શક્યા ત્યારે પ્રથમ ઋષિકેશમાં ડિવાઇન લાઈફવાળા સ્વામી શિવાનંદજીને મળ્યા હતા. મૃત્યુના થોડા જ સમય પૂર્વે પ્રમુખસ્વામી મહારાજ સાથેના અનુભવો ટ્રેનસેન્ડન્સમાં વર્ણવ્યા છે. સૌને પોતપોતાની રીતે ધર્મને અનુસરવાની છૂટ છે. સમાજમાં શાંતિ હોવી જોઈએ. બાકી સઘળું વ્યર્થ.
બારડોલી -વિરલ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top