Business

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો કરાયો

નવી દિલ્હી: દેશમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે કેન્દ્રીય સરકારી કર્મચારીઓને (Central Government Employee DA Hike) મોટી ભેંટ મળી છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપી છે. તેનાથી તેમને મળનારા પગારમાં જંગી વધારો થશે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં (Cabinet Meeting) કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • કેબિનેટ કમિટિ ઓફ ઈકોનોમિક અફેર્સની બેઠકમાં લેવાયો નિર્ણય
  • મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને કેબિનેટની બેઠકમાં મંજૂરી મળી
  • કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 34 ટકાથી વધી 38 ટકા થશે
  • મોંઘવારી ભથ્થું વધતા કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થશે

કેબિનેટ કમિટી ઓફ ઈકોનોમિક અફેર્સ (CCEA)ની બેઠક બુધવારે મળી હતી. આ બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના DAમાં વધારા (DA Hike)ને મંજૂરી આપવામાં આવી છે. વધતી મોંઘવારી વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો કરવાની ચર્ચા છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી. ડીએ 34 ટકાથી વધીને 38 ટકા થયો છે.

સરકારે અગાઉ માર્ચ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 3 ટકાનો વધારો કર્યો હતો, જે 1 જાન્યુઆરી, 2022 થી લાગુ થયો હતો. તે વધારા બાદ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 31 ટકાથી વધીને 34 ટકા થઈ ગયું હતું. હવે તેમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ 38 ટકા થઈ ગયો છે, તેની સીધી અસર તેમના પગારમાં વધારાના સ્વરૂપમાં જોવા મળશે. લાંબા સમય બાદ કેન્દ્ર સરકારે ગયા વર્ષે જુલાઈ 2021માં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધારીને 28 ટકા કર્યું હતું. આ પછી, ઑક્ટોબર 2021 માં તેને વધારીને 31 ટકા કરવામાં આવ્યો હતો, જેમાં વધુ 3 ટકાનો વધારો થયો.

પગાર કેટલો વધશે?
મોંઘવારીના વર્તમાન આંકડાઓને જોતા સરકારે ડીએમાં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે, 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને તેનો લાભ મળશે. સરકારી કર્મચારીઓને મળતો DA તેમના નાણાકીય સહાય પગાર માળખાનો એક ભાગ છે. ગણતરી મુજબ, સરકારે કર્મચારીઓનો DA 34 ટકાથી વધારીને 38 ટકા કર્યો છે. આવી સ્થિતિમાં, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર અત્યારે 18,000 રૂપિયા છે, તો 34 ટકાના દરે મોંઘવારી ભથ્થું 6,120 રૂપિયા થઈ જાય છે. તે જ સમયે, આ 4 ટકાના વધારા પછી, તેમને જે ડીએ મળશે તે 6,840 રૂપિયા થશે.

Most Popular

To Top